Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

રશિયાએ ૭૦૦ ડ્રોન, ડઝનેક મિસાઈલો ઝીંકી યુક્રેનને હચમચાવ્યું

૧૬ લોકોના મોત, ૮૦ ઘાયલ

રશિયાએ યુક્રેનની રાજધાની કીવ સહિતના નાગરિક વિસ્તારો પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
કિવ, તા.૧૬ એપ્રિલ ૨૦૨૬ — રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ભયાનક વળાંક લઈ રહ્યું છે. બુધવારની રાત યુક્રેન માટે કાળી સાબિત થઈ હતી, જ્યારે રશિયાએ સેંકડો ડ્રોન અને ડઝનબંધ મિસાઇલો વડે યુક્રેનની રાજધાની કીવ સહિતના નાગરિક વિસ્તારો પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧૬ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૮૦ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહાના જણાવ્યા અનુસાર, રશિયાએ આ હુમલામાં આશરે ૭૦૦ ડ્રોન અને અનેક બેલેસ્ટિક તેમજ ક્રૂઝ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. છેલ્લા બે અઠવાડિયામાં રશિયા તરફથી કરવામાં આવેલો આ સૌથી મોટો હુમલો છે. રાજધાની કીવમાં મિસાઇલ હુમલામાં ૧૨ વર્ષના બાળક સહિત ૪ લોકોના મોત થયા છે. અહીં ૫૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. દક્ષિણી બંદર ઓડેસા શહેરમાં રશિયન મિસાઇલોએ હાહાકાર મચાવ્યો હતો. જેમાં ૯ લોકોના મોત થયા છે. મધ્ય યુક્રેનના ડિનિપ્રો અને ઝાપોરિજ્જિયામાં ૩ અને દક્ષિણમાં ૧ વ્યક્તિનું મોત નીપજ્યું છે. રશિયાએ આ હુમલામાં ઈરાની બનાવટના શાહેદ પ્રકારના ડ્રોનનો મોટો જથ્થો ઉતાર્યો હતો. યુક્રેનિયન વાયુસેનાએ દાવો કર્યો છે કે, તેમની એર ડિફેન્સ સિસ્ટમે ૭૦૩ માંથી ૬૬૭ લક્ષ્યોને હવામાં જ તોડી પાડ્યા હતા. જોકે, ૨૦ ડ્રોન અને ૧૨ મિસાઇલો સુરક્ષા કવચ ભેદીને રહેણાંક વિસ્તારોમાં ત્રાટકી હતી. વિદેશ મંત્રી સિબિહાએ આ હુમલાને યુદ્ધ અપરાધ ગણાવતા કહ્યું કે, નાગરિકોને આ રીતે નિશાન બનાવવાની ઘટનાને સામાન્ય ન ગણી શકાય. વિશ્વએ આના માટે જવાબદાર લોકોને સજા અપાવવી જોઈએ. રશિયાના આ હુમલાથી સમગ્ર યુરોપમાં ફરી એકવાર ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Related posts

ટ્રમ્પે કરેલી ભૂલની સજા હવે આખું વિશ્વ ભોગવશે?

Master Admin

ક્રૂડ ઓઈલ અંગે ચિંતા વધી, હોર્મુઝ બંધ જ રહેશે

Master Admin

ઈરાન પર અમેરિકાની આર્થિક સર્જિકલ સ્ટ્રાઈક વેપાર પર ૨૫ ટકા ટેક્સ લાદવાની જાહેરાત

Master Admin

Leave a Comment

Translate »