Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

રાજકોટમાં હોલિકા દહન વખતે બે જૂથના યુવકો વચ્ચે ઘર્ષણ સર્જાયું

તહેવારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ

પોલીસે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર ૩ જેટલા યુવાનોની અટકાયત કરી વધુ તપાસ હાથધરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૩ માર્ચ ૨૦૨૬ — રાજ્યભરમાં જ્યારે હોળી-ધૂળેટીના પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં હોલિકા દહન દરમિયાન અશાંતિ સર્જવાનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે જૂથના યુવાનો સામસામે આવી ગયા હતા. જોકે, પોલીસે સમયસૂચકતા વાપરીને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે.મળતી માહિતી મુજબ, રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં પરંપરાગત રીતે હોલિકા દહનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ત્યાંથી અન્ય ધર્મના કેટલાક યુવાનો પસાર થઈ રહ્યા હતા. હોલિકા દહનની વિધિમાં અડચણ ન આવે તે માટે ત્યાં હાજર હિન્દુ યુવાનોએ આ યુવકોને સાઈડમાં ખસીને ચાલવા અથવા જગ્યા આપવા માટે જણાવ્યું હતું.આ સામાન્ય બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. વાત વણસતા મામલો ગરમાયો હતો અને બંને જૂથના યુવાનો સામસામે આવી ગયા હતા. આ અચાનક સર્જાયેલા ઘર્ષણને કારણે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘર્ષણ શરૂ થતા જ આસપાસના જવાબદાર નાગરિકો અને વડીલો તુરંત વચ્ચે પડ્યા હતા. સ્થાનિકોએ સમજાવટથી બંને પક્ષના યુવાનોને છૂટા પાડ્યા હતા અને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ પોલીસ વિભાગ હરકતમાં આવ્યું હતું.ઘટનાની ગંભીરતા જોતા DCP હેતલ પટેલ સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તુરંત જ ભીડને વિખેરી નાખી હતી અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.DCP હેતલ પટેલે આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ભગવતીપરામાં હોલિકા દહન વખતે રસ્તેથી પસાર થવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મામલો શાંત પાડ્યો છે. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર ૩ જેટલા યુવાનોની અટકાયત કરવામાં આવી છે.હાલમાં પોલીસે અટકાયત કરાયેલા યુવાનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભગવતીપરા વિસ્તારમાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે અને શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને તહેવારની શાંતિપૂર્વક ઉજવણી કરવા અપીલ કરી છે.

Related posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થઈ

Master Admin

અમદાવાદમાં ઓછું મતદાન કોને ફાયદો કરાવશે અને કોનું નુકસાન થશે?

Master Admin

રાજ્યની આશ્રમ શાળાઓની કથળતી સ્થિતિ અંગે હાઇકોર્ટનું કડક વલણ

Master Admin

Leave a Comment

Translate »