Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

લદ્દાખમાં આર્મીનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું

કાટમાળ પાસે ઉભા રહીને લીધેલી સેલ્ફી વાઈરલ

રાહતની વાત એ છે કે હેલિકોપ્ટરમાં સવાર તમામ અધિકારીઓને માત્ર નજીવી ઈજાઓ જ થઈ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
લદ્દાખ,તા.૨૩ મે ૨૦૨૬ — લદ્દાખના તાંગત્સે (લેહના દક્ષિણ-પૂર્વ) વિસ્તારમાં ભારતીય સેનાનું એક ’ચિતા’ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. આ મોટા અકસ્માતમાં સેનાના ૩જી ડિવિઝન (જે ત્રિશૂલ ડિવિઝન તરીકે ઓળખાય છે) ના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) મેજર જનરલ સહિત ત્રણેય અધિકારીઓનો આબાદ બચાવ થયો છે. આ ઘટના બુધવારે ઘટી હતી, પરંતુ તેની સત્તાવાર માહિતી શનિવારે સામે આવી છે. રાહતની વાત એ છે કે હેલિકોપ્ટરમાં સવાર તમામ અધિકારીઓને માત્ર નજીવી ઈજાઓ જ થઈ છે.

આ સિંગલ-એન્જિન ધરાવતા ચિતા હેલિકોપ્ટરને એક લેફ્ટનન્ટ કર્નલ અને એક મેજર રેન્કના અધિકારી ઉડાવી રહ્યા હતા. જ્યારે થર્ડ ઇન્ફન્ટ્રી ડિવિઝનના મેજર જનરલ સચિન મહેતા તેમાં પેસેન્જર તરીકે સવાર હતા. અકસ્માત બાદ મેજર જનરલ મહેતાની અન્ય બે અધિકારીઓ સાથેની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર ભારે વાઈરલ થઈ રહી છે, જેમાં તેઓ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયેલા ચોપર પાસે પથ્થરો પર બેઠેલા જોવા મળે છે. સેના દ્વારા અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ માટે ’કોર્ટ ઓફ ઈન્ક્‌વાયરી’(CoI) ના આદેશ આપી દેવામાં આવ્યા છે.

વર્ષ ૧૯૭૧માં ભારતીય સેનામાં સામેલ કરાયેલું ચિતા હેલિકોપ્ટર ઊંચા હિમાલયના વિસ્તારોમાં લશ્કરી કામગીરી માટે કરોડરજ્જુ સમાન રહ્યું છે. આ હેલિકોપ્ટર ફ્લાઈંગ જીપ, રિકોનિસન્સ મિશન (જાસુસી), આર્ટિલરી સ્પોટર અને એર એમ્બ્યુલન્સ તરીકે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સિયાચીન ગ્લેશિયર જેવા ૧૮૦૦૦ ફૂટથી વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં ઉડાન ભરવી એ ચિતા હેલિકોપ્ટરની ડિઝાઇન મર્યાદાની બહાર હોવા છતાં, તે ૧૯૬૦૦ થી ૨૧૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલી સૈન્ય ચોકીઓ માટે આજે પણ લાઈફલાઈન બનેલું છે.

આ દુર્ઘટનાએ ભારતીય સેનાના જૂના થઈ ગયેલા ચિતા અને ચેતક હેલિકોપ્ટરના જોખમોને ફરી એકવાર સપાટી પર લાવી દીધા છે. સેના આગામી દાયકામાં એવિએશન કોરના આધુનિકીકરણ અભિયાન અંતર્ગત આ હેલિકોપ્ટર્સને તબક્કાવાર રીતે હટાવવાની યોજના બનાવી રહી છે. ચિતાના સ્થાને હવે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) નું શક્તિ-૧યુ ટર્બોશાફ્ટ એન્જિન ધરાવતું આધુનિક ’લાઈટ યુટિલિટી હેલિકોપ્ટર’ લેશે. આ નવું હેલિકોપ્ટર ૨૧૩૦૦ ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે અને નાઈટ-વિઝન સુવિધા સાથે ૬ સૈનિકોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

Related posts

બે દિવસમાં ૨૪નાં મોત, અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત

Master Admin

‘વંદે માતરમ‘ માટે નવા નિયમો જાહેર રાષ્ટ્રગાન પહેલાં ગાવું પડશે રાષ્ટ્રગીત

Master Admin

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : ૨૪૨ વેબસાઇટ બ્લોક

Master Admin

Leave a Comment

Translate »