Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

લહેરીયા પોળમાં આવેલા જૈન દેરાસરમાં ૭.૮૪ લાખની મતાની ચોરી

તસ્કરો રાત્રિના સમયે દેરાસરમાં ઘુસ્યા

જૈન દેરાસરમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા અને ગર્ભગૃહના ઉપરના ભાગના સળિયા તેમજ જાળી તોડી ચોરીને અંજામ આપ્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૯ માર્ચ ૨૦૨૬ — અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં ચોરીની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ઝવેરીવાડની લહેરીયા પોળમાં આવેલા જૈન દેરાસરમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા અને ગર્ભગૃહના ઉપરના ભાગના સળિયા તેમજ જાળી તોડી ચોરીને અંજામ આપ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ તસ્કરો રાત્રિના સમયે દેરાસરમાં ઘુસ્યા હતા. તેમણે ગર્ભગૃહના ઉપરના ભાગમાં લાગેલા સળિયા અને લોખંડની જાળી તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મંદિરમાં સ્થાપિત ભગવાનની પ્રતિમાના આભૂષણો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરી થયેલી વસ્તુઓમાં મુગટ, ટીકા, કપાલી, ભ્રમર અને ચક્ષુ સહિતના આભૂષણો સામેલ છે.

પ્રાથમિક અંદાજ મુજબ કુલ અંદાજે રૂ. ૭.૮૪ લાખની મતાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાને અંજામ આપતા પહેલા તસ્કરોએ દેરાસરમાં લાગેલા સીસીટીવી કેમેરાના કેબલ પણ કાપી નાખ્યા હતા, જેથી તેમની ઓળખ થવામાં મુશ્કેલી પડે.
સ્થાનિક લોકોએ ચોરીની ઘટના અંગે જાણ કરી હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ કાલુપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી.

પોલીસે દેરાસરમાં થયેલી ચોરી અંગે ગુનો નોંધ્યો છે અને આસપાસના વિસ્તારોમાં લાગેલા અન્ય સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી રહી છે.

Related posts

અમદાવાદમાં ૭૦ ટ્રાફિક સિગ્નલ બપોરે ૧૨થી ૪ સુધી બંધ રહેશે

Master Admin

૫૮૬ પાથરણાવાળાઓને ભદ્ર પરિસરમાં ફરી જગ્યા આપો

Master Admin

અમદાવાદમાં આજે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા

Master Admin

Leave a Comment

Translate »