વિરમગામમાં આંગણવાડી કાર્યકરોનો હલ્લાબોલ
નામદાર હાઈકોર્ટ દ્વારા તેમના હિતમાં ચુકાદો આપવામાં આવ્યો હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી પગાર વધારાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૯ માર્ચ ૨૦૨૬ — અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ આજે પોતાની પડતર માંગણીઓ અને અન્યાય સામે અવાજ ઉઠાવતા મામલતદાર અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. હાઈકોર્ટના ચુકાદા બાદ પણ હજુ સુધી પગાર વધારાનો અમલ ન થતા અને ઓનલાઇન કામગીરીના ભારણને લઈને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આંગણવાડી વર્કરોનું કહેવું છે કે, નામદાર હાઈકોર્ટ દ્વારા તેમના હિતમાં ચુકાદો આપવામાં આવ્યો હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી પગાર વધારાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. લાંબા સમયથી પડતર આ માંગણી સંતોષવામાં ન આવતા આજે મોટી સંખ્યામાં બહેનોએ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તાત્કાલિક ધોરણે વેતન વધારાના અમલની માગ કરી હતી.
આવેદનપત્રમાં સૌથી મહત્વનો મુદ્દો ઓનલાઇન કામગીરીનો રહ્યો છે. કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે, મોબાઈલ પર ઓનલાઇન કામગીરીનું ભારણ એટલું વધી ગયું છે કે બાળકોના શિક્ષણ પર ધ્યાન આપી શકાતું નથી. જો સરકાર ઓનલાઇન કામ કરાવવા માંગતી હોય, તો હાઈ-સ્પીડ નેટવર્ક કનેક્ટિવિટી ધરાવતા નવા સ્માર્ટફોન આપવામાં આવે. જૂના ફોન અને નેટવર્કની સમસ્યાને કારણે કામગીરીમાં અવરોધ આવે છે.
આંગણવાડી બહેનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તેમની માંગણીઓ વહેલી તકે સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ આગામી સમયમાં તમામ પ્રકારની મોબાઈલ ઓનલાઇન કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે.

