Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

વેસ્ટ ઈન્ડિઝને હરાવી દક્ષિણ આફ્રિકાની સેમિ ફાઈનલમાં એન્ટ્રી

માર્કરામ-ડીકોક વચ્ચે ૯૫ રનની ભાગીદારી

વેસ્ટ ઇન્ડિઝે આપેલા ૧૭૭ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત આક્રમક રહી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ – ટી૨૦ વર્લ્ડ કપના સુપર-૮ તબક્કામાં આજે દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝ સામે શાનદાર વિજય મેળવ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી સુપર-૮ સ્ટેજની આ એકતરફી મેચમાં દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝને ૯ વિકેટે હરાવીને સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. આ જીત સાથે ભારતીય ટીમ માટે પણ સેમિફાઇનલનો રસ્તો હવે ઘણો આસાન થઈ ગયો છે.

વેસ્ટ ઇન્ડિઝે આપેલા ૧૭૭ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ આક્રમક રહી હતી.
કેપ્ટન એડન માર્કરામ અને ક્વિન્ટન ડીકોકે પ્રથમ વિકેટ માટે માત્ર ૯૫ રનની ભાગીદારી કરી હતી. ડીકોકે ૨૪ બોલમાં ૪૭ રન (૪ ચોગ્ગા, ૪ છગ્ગા) ફટકારી આઉટ થયો હતો. ત્યારબાદ માર્કરામ અને રયાન રિકલ્ટને બાજી સંભાળી હતી. એડન માર્કરામે ૪૬ બોલમાં અણનમ ૮૨ રન બનાવ્યા હતા, જ્યારે રિકલ્ટને ૨૮ બોલમાં અણનમ ૪૫ રનનું યોગદાન આપ્યું હતું. આફ્રિકાએ માત્ર ૧૬.૧ ઓવરમાં ૧ વિકેટ ગુમાવી જીત હાંસલ કરી લીધી હતી.

આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી. કગિસો રબાડા અને લુંગી એનગિડીની ઘાતક બોલિંગ સામે વેસ્ટ ઇન્ડિઝે માત્ર ૪૩ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, જેસન હોલ્ડર (૪૯ રન) અને રોમારિયો શેફર્ડ (અણનમ ૫૨ રન) વચ્ચે થયેલી ૮૯ રનની ભાગીદારીને કારણે ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવી ૧૭૬ રન સુધી પહોંચી શકી હતી.

આ મેચનું પરિણામ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વનું હતું. જો વેસ્ટ ઇન્ડિઝ જીત્યું હોત તો ભારત માટે સેમિફાઇનલની ગણતરીઓ મુશ્કેલ બની શકી હોત. પરંતુ હવે આફ્રિકાની જીત બાદ ભારત માટે સેમિફાઇનલ પહોંચવાની તક વધી ગઈ છે.

બંને ટીમોની પ્લેઇંગ-૧૧
વેસ્ટ ઇન્ડિઝઃ બ્રાન્ડન કિંગ, શાઈ હોપ (કેપ્ટન), શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, જેસન હોલ્ડર, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, ગુડાકેશ મોતી અને શમર જોસેફ.
દક્ષિણ આફ્રિકાઃ એડન માર્કરામ (કેપ્ટન), ક્વિન્ટન ડીકોક, રયાન રિકલ્ટન, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સેન, કોર્બિન બોશ, કગિસો રબાડા, કેશવ મહારાજ અને લુંગી એનગિડી.

Related posts

સ્કોટલેન્ડને મેન્સ T20 વર્લ્ડ કપમાં સ્થાન આપવામાં આવ્યું

Master Admin

આંતરરાષ્ટ્રીય ક્રિકેટર કશ્યપ પ્રજાપતિ વેલીયન્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા

Master Admin

ટી-૨૦ વર્લ્ડકપ વિજેતા ટીમ પર થશે કરોડોનો વરસાદ

Master Admin

Leave a Comment

Translate »