Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

સુરતના ડીંડોલીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર

ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓ સવારે કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત, તા.૭ માર્ચ ૨૦૨૬ — સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પર સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.ઘટના અંગે મળતી માહિતી મુજબ, ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓ સવારે કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી. મૃતક યુવતીઓની ઓળખ ૧૮ વર્ષીય રોશની શરદ શિરસાઠ અને ૨૦ વર્ષીય જોસના અતુલ ચૌધરી તરીકે થઈ છે. કોલેજ ગયા બાદ બંને યુવતીઓ મોડે સુધી ઘરે પરત ન ફરતા ચિંતિત પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. પરિવારના સભ્યો સતત ફોન કરી રહ્યા હતા પરંતુ કોઈ જવાબ મળી રહ્યો નહોતો. અંતે, મંદિર પરિસરના બાથરૂમમાંથી બંનેની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બંને યુવતીઓના મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. આ મોત આકસ્મિક છે, આત્મહત્યા કે અન્ય કોઈ કારણ, તે જાણવા માટે પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે. મંદિર જેવા પવિત્ર પરિસરમાં બે યુવાન દીકરીઓના રહસ્યમય મોતે અનેક સવાલો ઉભા કર્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ મૃત્યુ પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે.

 

 

Related posts

ટ્રાઈડેન્ટ ગ્રુપ દ્વારા ‘વિકસિત ભારત મિશન’ અંતર્ગત અખિલ ભારતીય સ્તરે ભરતી અભિયાનનો પ્રારંભ

Master Admin

સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળનો 33મો જીવનસાથી પસંદગી ઉત્સવ માધવ ફાર્મ વસ્ત્રાલ ખાતે ઉત્સાહપૂર્વક યોજાયો

Master Admin

શ્રી સ્વામિનારાયણ મંદિર, જેતલપુર ધામને ગ્લોબલ એક્સેલન્સ બુક ઓફ રેકોર્ડ્સ – ઇન્ડિયા દ્વારા પાણી સંરક્ષણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે એક વિશિષ્ટ રેકોર્ડ માટે સન્માનિત કરવામાં આવ્યું

Master Admin

Leave a Comment

Translate »