Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

હોર્મુઝ સ્ટ્રેટ અંગે ટ્રમ્પની નવી જાહેરાતથી દુનિયા સ્તબ્ધ

અમે કેમ ટોલ ટેક્સ ના લઈએ?

હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વની સૌથી મહત્વની ઓઈલ લાઈફલાઈન ગણાય છે. તે પર્શિયન ગલ્ફને હિંદ મહાસાગર સાથે જોડે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
વૉશિગ્ટન, તા.૭ એપ્રિલ ૨૦૨૬ — મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે એક નવા અને અત્યંત ખતરનાક વળાંક પર આવી પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, અમેરિકા ઈરાન સામેનું યુદ્ધ જીતી ચૂક્યું છે અને હવે તેઓ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા હોર્મુઝની ખાડી પર ટોલ ટેક્સ વસૂલવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્પનું આ નિવેદન વૈશ્વિક તેલ બજાર અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ખળભળાટ મચાવી શકે તેમ છે.સોમવારે પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું હતું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ઈરાનને આ માર્ગ પરથી પસાર થતા જહાજો પાસેથી ફી લેવાની મંજૂરી આપશે? ત્યારે ટ્રમ્પે વળતો પ્રહાર કરતા કહ્યું, આપણે ટોલ કેમ ન લઈએ? હું તેમને શુલ્ક લેવા દેવાને બદલે પોતે વસૂલવાનું પસંદ કરીશ. અમે વિજેતા છીએ અને અમે જીત મેળવી છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે હોર્મુઝ સ્ટ્રેટ પર ટોલ વસૂલવા માટે અમેરિકાએ ત્યાં ૧૦૦ ટકા સૈન્ય નિયંત્રણ મેળવવું પડશે, જે હાલના સંજોગોમાં એક મોટો પડકાર છે.ટ્રમ્પે ઈરાનને ખુલ્લેઆમ અલ્ટીમેટમ આપતા કહ્યું છે કે, જો તે વોશિંગ્ટનની શરતો નહીં માને અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી નહીં ખોલે, તો ઈરાનના નાગરિક પાયાના માળખા જેવા કે પુલ અને પાવર પ્લાન્ટ્‌સને આખા દેશમાં તબાહ કરી દેવામાં આવશે. ટ્રમ્પના મતે, ઈરાન સાથેના કોઈપણ સંભવિત કરારમાં હોર્મુઝ સ્ટ્રેટને મુક્ત કરવો એ પ્રાથમિક શરત રહેશે.ટ્રમ્પ ભલે ફેબ્રુઆરીના અંતથી યુદ્ધ જીતી ગયા હોવાનો દાવો કરતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. ઈરાન હજુ પણ સમગ્ર મધ્ય પૂર્વમાં મિસાઈલ અને ડ્રોન હુમલા ચાલુ રાખી રહ્યું છે. એટલું જ નહીં, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને બ્લોક કરી રાખ્યું છે, જેના કારણે વૈશ્વિક તેલ સપ્લાય ખોરવાઈ ચુક્યો છે. અમેરિકાએ યુદ્ધ શરૂ કરતી વખતે જે ઉદ્દેશ્યો નક્કી કર્યા હતા, તેમાંથી હજુ સુધી એક પણ સંપૂર્ણ રીતે સિદ્ધ થયા હોય તેવું જણાતું નથી.સામે પક્ષે ઈરાને પણ નમતું જોખવાના બદલે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. ઈરાની સંસદે હોર્મુઝ સ્ટ્રેટ પરથી પસાર થતા જહાજો પાસેથી ટોલ વસૂલવા માટે કાયદો પસાર કર્યો છે અને કેટલાક જહાજો પાસેથી વસૂલાત શરૂ પણ કરી દીધી છે. મોહમ્મદ બાઘેર ગાલિબાફ,સ્પીકર, ઈરાન સંસદે સ્પષ્ટ કર્યું કે હોર્મુઝની સ્થિતિ હવે યુદ્ધ પહેલા જેવી ક્યારેય નહીં રહે. અબ્બાસ અરાઘચી વિદેશ મંત્રી, ઈરાને જણાવ્યું કે, જહાજોના સુરક્ષિત માર્ગ અને ઈરાનના હિતોની રક્ષા માટે આ જળમાર્ગના સંચાલન માટે નવી વ્યવસ્થાની જરૂર છે. હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વની સૌથી મહત્વની ઓઈલ લાઈફલાઈન ગણાય છે. તે પર્શિયન ગલ્ફને હિંદ મહાસાગર સાથે જોડે છે. યુદ્ધ પહેલા વિશ્વનો અંદાજે ૨૦ ટકા તેલ અને લિક્વિફાઈડ નેચરલ ગેસ આ સાંકડા માર્ગેથી પસાર થતો હતો. આ માર્ગનો મોટો હિસ્સો ઓમાન અને ઈરાનના દરિયાઈ ક્ષેત્રમાં આવે છે. જો અમેરિકા અને ઈરાન બંને આ માર્ગ પર ટોલ વસૂલવાની જીદ પર અડગ રહેશે, તો આવનારા સમયમાં સમુદ્રી માર્ગો પર સૈન્ય સંઘર્ષ વધવાની પૂરેપૂરી શક્યતા છે. ટ્રમ્પની વિજયી છબી અને ઈરાનનો વળતો પ્રહાર વૈશ્વિક અર્થવ્યવસ્થાને ગંભીર સંકટમાં મૂકી શકે છે.

Related posts

રશિયાએ યુક્રેનમાં ૨૦૦૦ ડ્રોનથી કચ્ચરઘાણ કાઢ્યો

Master Admin

કેનેડામાં નોકરી મળવી હવે પહાડ ચઢવા જેવું અઘરું!

Master Admin

ગલ્ફથી અમેરિકાનું અસ્તિત્વ ખતમ કરી દઈશું

Master Admin

Leave a Comment

Translate »