Nirmal Metro Gujarati News
national

૩ માર્ચે ભારતમાં દેખાશે ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદભૂત નજારો

ગુજરાતમાં જોવા મળશે છાયા ગ્રહણ

આ ગ્રહણની વિશેષતા એ છે કે ભારતના અલગ-અલગ ભાગોમાં તે ખગ્રાસ, ખંડગ્રાસ અને ગ્રસ્તોદિત એમ ત્રણ સ્વરૂપે નિહાળવા મળશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ – આગામી ૩ માર્ચ મંગળવારના રોજ અવકાશમાં એક વિશિષ્ટ ખગોળીય ઘટના આકાર લેવા જઈ રહી છે. સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ આ દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ જોવા મળશે. આ ગ્રહણની વિશેષતા એ છે કે ભારતના અલગ-અલગ ભાગોમાં તે ખગ્રાસ, ખંડગ્રાસ અને ગ્રસ્તોદિત એમ ત્રણ સ્વરૂપે નિહાળવા મળશે.
ભારતીય સમય અનુસાર ગ્રહણની પ્રક્રિયા બપોરથી શરૂ થઈ રાત્રિ સુધી ચાલશે. પૃથ્વી પર ગ્રહણનો કુલ સમયગાળો ૫ કલાક ૩૯ મિનિટનો રહેશે, જેમાં ૫૮ મિનિટ સુધી ગ્રહણમાં સ્થિરતા જોવા મળશે.

ગ્રહણ સ્પર્શઃ ૧૪ઃ૧૪ઃ૨૫ કલાકે
ગ્રહણ સંમીલનઃ ૧૬ઃ૩૪ઃ૩૪ કલાકે
ગ્રહણ મધ્યઃ ૧૭ઃ૦૩ઃ૪૬ કલાકે
ગ્રહણ ઉન્મીલનઃ ૧૮ઃ૪૭ઃ૧૫ કલાકે
ગ્રહણ મોક્ષઃ ૧૯ઃ૫૩ઃ૦૬ કલાકે
પરમ ગ્રાસઃ ૧.૧૫૫
ભારતના ભૌગોલિક સ્થાન મુજબ ગ્રહણના વિવિધ રૂપો જોવા મળશે.

ખગ્રાસઃ અંદામાન-નિકોબાર, અરૂણાચલ પ્રદેશ, આસામ, પશ્ચિમ બંગાળ સહિતના પૂર્વીય રાજ્યોમાં ખગ્રાસ એટલે કે સપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે.

ખંડગ્રાસઃ દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ખંડગ્રાસ એટલે કે આશિંક જોવા મળશે.

છાયા ગ્રહણઃ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં છાયા ગ્રહણ જોવા મળશે, જ્યારે દાહોદના અમુક ભાગોમાં આંશિક અસર દેખાશે.

વિજ્ઞાન જાથાનો અભિગમઃ આ માત્ર ભૂમિતિની રમત છે

ભારત જન વિજ્ઞાન જાથાના રાજ્ય ચેરમેને જણાવ્યું છે કે, ગ્રહણ એ સૂર્ય, પૃથ્વી અને ચંદ્રના પરિભ્રમણના કારણે સર્જાતી એક શુદ્ધ ભૌમિતિક ઘટના છે. ચંદ્ર કે સૂર્યગ્રહણની માનવજીવન ઉપર લેશમાત્ર અસર થતી નથી. ગ્રહો કે ગ્રહણો માનવજીવનને અસરકર્તા નથી તે વિજ્ઞાન સિદ્ધ છે.

જ્યારે જ્યોતિષીઓ ફળકથનોમાં વ્યસ્ત હશે, ત્યારે વિશ્વભરના વૈજ્ઞાનિકો આ ઘટનાનો ઉપયોગ માનવ કલ્યાણકારી સંશોધનો માટે કરશે. ખગોળપ્રેમીઓ આ નજારાને નરી આંખે અથવા ટેલિસ્કોપ દ્વારા નિહાળી શકશે. આ ઘટનાની વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી માટે પણ આ એક શ્રેષ્ઠ અવસર સાબિત થશે.

Related posts

US ટ્રેડ ડીલના નામે ભારતના ખેડૂતો સાથે દગો : રાહુલ ગાંધી

Master Admin

રાહુલ ગાંધીનો ગંભીર આરોપ : અદાણી કેસ અને એપસ્ટિન ફાઈલ્સના કારણે PM મોદીએ ટ્રેડ ડીલ પર સહી કરી

Master Admin

લોકસભા સ્પીકર પર કાગળ ફેંકનારા આઠ સાંસદ સસ્પેન્ડ

Master Admin

Leave a Comment

Translate »