Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

સિંધુભવન પર હોર્ન વગાડવાની અદાવતમાં લોહિયાળ ખેલ

પોલીસે આરોપીઓનું જાહેરમાં કાઢ્યું સરઘસ

હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝગડાનો બદલો લેવા ૧૫ જેટલા શખ્સોએ વેપારી પર જીવલેણ હુમલો કર્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ – અમદાવાદમાં રસ્તા પર ચાલતા લોકોની સહનશક્તિ જાણે ખૂટી રહી હોય તેમ લાગી રહ્યું છે. ગત ૧૪ ફેબ્રુઆરીએ સિંધુભવન રોડ પર મહાવીરસિંહ મોરી નામના વેપારીએ આગળ જતી કારને હોર્ન માર્યો હતો. આ સામાન્ય હોર્ન અને પાર્કિંગ બાબતે આરોપીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં તે સમયે સમાધાન તો થઈ ગયું, પરંતુ આરોપીઓના મનમાં અદાવત રહી ગઈ હતી.

બીજા જ દિવસે જ્યારે ફરિયાદી મહાવીરસિંહ વસ્ત્રાપુર તળાવ પાસે બાંકડા પર બેઠા હતા, ત્યારે ૧૫ જેટલા શખ્સો છરા, લાકડી અને પાઈપ જેવા જીવલેણ હથિયારો સાથે ત્રાટક્યા અને આડેધડ હુમલો કરી દીધો. હુમલો કરીને ફરાર થયેલા આરોપીઓને પકડવા વસ્ત્રાપુર પોલીસના સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે આરોપીઓ નંબર પ્લેટ વગરની ક્રેટા કારમાં ઘોડાસર તરફ ભાગી રહ્યા છે.

વસ્ત્રાપુર પોલીસે વિશાલા બ્રિજ પાસે કારને કોર્ડન કરી ફિલ્મી ઢબે પીછો કર્યો અને પાંચ આરોપીઓ પરેશ દેસાઈ, સુનિલ રબારી, ટાઈગર દેસાઈ, જયેશ રબારી અને મોન્ટુ ભરવાડને દબોચી લીધા. પકડાયેલા પાંચમાંથી ચાર આરોપીઓનો ભૂતકાળ પણ ગુનાહિત રહ્યો છે.

પોલીસે પકડાયેલા આ પાંચેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને ગુનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. કાયદાના રક્ષકો સામે બાઘા બની ગયેલા આ ગુંડાઓ પોલીસની હાજરીમાં લંગડાતા પગે ચાલતા જોવા મળ્યા હતા. પોલીસે જાહેરમાં સરઘસ કાઢીને અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવું જ પડશે.

હાલ પોલીસે અન્ય ફરાર ૧૦ આરોપીઓની શોધખોળ તેજ કરી છે.સિંધુભવન હોય કે અમદાવાદ શહેર અસામાજિક તત્વોનો આતંક ડામવા માટે વસ્ત્રાપુર પોલીસની આ કાર્યવાહી સરાહનીય છે. હવે જોવાનું એ રહેશે કે અન્ય ફરાર આરોપીઓ પોલીસના સકંજામાં ક્યારે આવે છે

Related posts

કારમાંથી દારૂની ૧૮૦૦થી વધુ બોટલો સાથે રાજસ્થાનનો શખસ ઝડપાયો

Master Admin

દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો સાંસદનો આરોપ

Master Admin

ઓડિશામાં ધોરણ-૭ની બાળકીનું જાતીય શોષણ કરનારા ૫ શિક્ષકો ઝડપાયા

Master Admin

Leave a Comment

Translate »