નવસારીમાં પૂર બાદ માનવ હોનારતના ભયાનક દ્રશ્યો
નવસારી શહેરમાં ભારતીય સેના અને દ્ગડ્ઢઇહ્લની ૭ ટીમો દ્વારા મેગા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવસારી,તા.૨૫ જુલાઈ ૨૦૨૬ — દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં અંબિકા નદીના વિનાશક ઘોડાપૂરે ભાઠા ગામ સહિત ગણદેવી અને ચીખલી તાલુકામાં કલ્પના બહારની તારાજી સર્જી છે. પૂરના ધસમસતા પ્રવાહમાં અનેક કાર અને મોટરસાઇકલો કાગળની જેમ તણાઈ ગયાં હતાં. હવે જ્યારે પૂરના પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે ત્યારે તબાહીના ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે.
આ મુશ્કેલ સમયમાં પૂરપીડિતોની વહારે આવવા અને ગ્રાઉન્ડ ઝીરોની સ્થિતિ જાણવા માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પોતાની પત્ની ગંગાબેન પાટીલ સાથે નવસારી પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને જિલ્લા ભાજપના હોદ્દેદારો પણ જોડાયા હતા.
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ચીખલી અને ગણદેવી તાલુકાના પૂરપ્રભાવિત ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને લોકોની વેદના સાંભળી હતી. પૂરના પાણી ઘરોમાં ઘૂસી જવાથી થયેલા નુકસાન અને ઘરવખરીના ધોવાણ અંગે તેમણે સ્થાનિકો સાથે સીધી વાતચીત કરી હતી. તેમણે વહીવટી તંત્રના અધિકારીઓને સાથે રાખીને પૂરપીડિતોને શુદ્ધ પીવાનું પાણી, રાશન કિટ્સ અને કેશડોલ્સની ચૂકવણી યુદ્ધના ધોરણે પૂરી કરવાની આકરી સૂચના આપી હતી.
ગણદેવી તાલુકામાં પૂરના પાણી ઓસરતાં જ તંત્રને જુદા જુદા વિસ્તારોમાંથી ૧૭ મૃતદેહો મળી આવ્યા છે. ગણદેવી પોલીસ સ્ટેશન હદમાંથી ૮ અને બીલીમોરા વિસ્તારમાંથી ૯ મૃતદેહો રિકવર કરાયા છે. પાણીમાં ડૂબી જવા ઉપરાંત પૂર બાદ ઘરોમાં ઘૂસી આવેલા વીજ કરંટ અને ઝેરી સાપ કરડવાના કારણે પણ અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.
બીજી તરફ, નવસારી શહેરના નીચાણવાળા સોસાયટી વિસ્તારો અને રિંગરોડ પર પૂરના પાણી ભરાયેલા હોવાથી ભારતીય સેના (Indian Army) અને NDRF ની ૭ ટીમો દ્વારા મેગા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. રિંગરોડ પરથી છેલ્લા એક જ કલાકમાં ૩૦ જેટલા લોકોને બોટ મારફતે રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને પાણી વહી ન જાય ત્યાં સુધી બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

