Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

ગાંધીનગરમાં ગ-૨ સર્કલ પાસે ૨૦ લાખ રૂપિયાની ઉઘરાણીમાં જાહેરમાં ફાયરિંગ

પ્લોટના સોદાના નાણાં બાબતે મામલો બિચક્યો

આ હુમલામાં પ્રદીપ જાડેજાને પેટના ભાગે ગોળી વાગતા તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૨૪ માર્ચ ૨૦૨૬ — ગાંધીનગરમાં ગ-૨ સર્કલ નજીક નાણાકીય લેતીદેતીના વિવાદમાં જાહેરમાં બે રાઉન્ડ ફાયરિંગ થતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પ્લોટના સોદાના બાકી નીકળતા ૨૦ લાખ રૂપિયાની ઉઘરાણી કરવા ગયેલા શખસે ઉશ્કેરાટમાં આવી ગોળીબાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, ઉનાવા ગામના પત્રકાર જીતુ રાઠોડ અને તેમના સાથી હિતેશ રબારી પ્લોટના સોદા પેટે બાકી નીકળતા ૨૦ લાખ રૂપિયાની વસૂલાત માટે પ્રદીપ જાડેજા પાસે આવ્યા હતા. ગાંધીનગરના ગ-૨ સર્કલ પાસે આ નાણાકીય વ્યવહાર અંગે ચર્ચા ચાલી રહી હતી ત્યારે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ચર્ચા દરમિયાન મામલો એટલો હદ સુધી બિચક્યો હતો કે હિતેશ રબારીએ પોતાની પાસે રહેલી રિવોલ્વર કાઢી જાહેરમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં પ્રદીપ જાડેજાને પેટના ભાગે ગોળી વાગતા તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યો હતો.

ઇજાગ્રસ્ત પ્રદીપ જાડેજાને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા (SP) સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

હિંમતનગરમાં વધુ એક પોન્ઝી સ્કીમનું કૌભાંડ

Master Admin

ભાજપના કોર્પોરેટરે જ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા કોન્ટ્રાક્ટરે આપી ધમકી

Master Admin

શહેરમાં આગ લાગવાથી લોકોની ૪૪૦ કરોડની મિલકત સ્વાહા થયાનો દાવો

Master Admin

Leave a Comment

Translate »