સજળ કંઠે કથા મંડપમાં અને ઘટ-ઘટ,ઘર-ઘરમાં રામ જન્મોત્વ થયો એની વધાઇ અપાઇ
જ્યાં અવધિ સત્ય,વૃંદાવની પ્રેમ અને કૈલાશી કરુણા હોય ત્યાં કાંઇ નો ઘટે!
મારા માટે ત્રણ જયંતિ છે:રામ નવમી,રામચરિત માનસનું પ્રાગટ્ય અને મારી માતા સાવિત્રી માતાનો જન્મદિવસ.
એકે જન્મ આપ્યો,એકે જીવન આપ્યું અને એકે જગજીવન આપ્યું છે-આ મારો આધ્યાત્મિક ત્રિકોણ છે:બાપુ
આજે સનાતનનાં વટવૃક્ષનાં મૂળિયાને ડાળ કરી નાંખી,ડાળોને મૂળિયા કરી નંખાયા છે.
માધાપર કચ્છની રામકથાનો છઠ્ઠો દિવસ,કથા મંડપમાં પણ રામ જન્મ ઉત્સવ અને ત્રિભુવનમાં ઘર-ઘર,ઘટ-ઘટ રામ જન્મોત્સવનાં ઉત્સવોની આગમનની ગુંજ વચ્ચે કથાના આરંભે બાપુએ અખિલ બ્રહ્માંડ નાયકનાં પ્રાગટ્ય દિવસની વધાઈ સાથે કહ્યું કે મારા માટે ત્રણ જયંતિ છે:રામ નવમી, રામચરિત માનસનું પ્રાગટ્ય અને મારી માતા સાવિત્રી માતાનો જન્મદિવસ.એકે જન્મ આપ્યો,એકે જીવન આપ્યું અને એકે જગજીવન આપ્યું છે.
નવમી ભોમ બાર મધુમાસા;
અવધપુરી યહ ચરિત પ્રકાસા.
મારા માટે આ આધ્યાત્મિક ત્રિકોણ છે.
કચ્છ સાથે કેવો સંબંધ?કોઈ કચ્છને માતૃભૂમિ કહે છે,કોઈ કંઈ બીજું કહે છે.તોહે મોહે નાતે અનેક.. પણ કચ્છને મિત્ર માનું છું અને બુદ્ધના કાળનો શબ્દ કલ્યાણ મિત્ર,મારા માટે કચ્છ કલ્યાણ મિત્ર છે.
એ સમય હતો કે ઋષિમુનિઓના યજ્ઞોથી થતાં ધુમાડાથી આકાશ ભરાઈ જાતું અને આજે મિસાઈલોના ધુમાડા! એવા વખતે રામકથાનો પ્રકાશ ૧૭૦ દેશોમાં(લાઇવ પ્રસારણ દ્વારા ફેલાઈ રહ્યો છે એનો આનંદ છે.
ગઈકાલે ઝરપરા ગામમાં મુલાકાતની વાત કરતા કહ્યું કે દોઢસો વર્ષથી જ્યાં રામચરિત માનસનું અનુષ્ઠાન ચાલે છે,બધાં રામાયણ ગાય છે ત્યાંથી એક પ્રશ્ન આવ્યો કે તમે માનસ દર્પણની વાત કરો છો પણ એ દર્પણમાં અમને અમારું મુખ દેખાતું નથી એના કારણો કહો.
આપણે આપણને આપણા મનના દર્પણમાં બરાબર જોઈ શકતા નથી એના કારણમાં:
એક છે દર્પણ હલતું હોય.કંપારી થતી હોય કે આપણે ઉત્સાહિત હોઈએ.મન રૂપી દર્પણ ચંચળ છે અભ્યાસથી કદાચ સ્થિર છે થઈ શકે એમ કૃષ્ણ કહે છે.
મનરૂપી દર્પણને સ્થિર કરવા માટે વિશ્વાસ ને ન હલવા-ડગવા દેતાં.વિશ્વાસ એટલે વિશેષ પ્રકારની આશ નહીં પણ વિશેષ પ્રકારનો શ્વાસમાં જે જીવે એ.ત્યાં પતંજલિ પણ ઓછા પડે એવો શ્વાસ એ વિશ્વાસ છે.
આ માનસ મુકુરાષ્ટક પૂરું થાય પછી માનસ મુસ્કુરાહટ શીખજો,સ્મિત શીખી જજો.
દર્પણમાં આપણે સ્વરૂપ સંધાન નથી કરી શકતા એનું બીજું કારણ છે:દર્પણ અવળું પકડ્યું હોય.ઘણા વામ પકડે છે એટલે પણ સ્વરૂપ બોધ નથી થતો.મનરૂપી દર્પણ મલીન થયું હોય,દર્પણ બીજાના હાથમાં હોય તો પણ સ્વરૂપ બોધ જ ચૂકી જઈએ.કામ,ક્રોધ લોભરૂપી વિકારોનાં હાથમાં હોય.દર્પણની પાછળની કલાઈ ઘસાઈ ગઈ હોય-આવા કારણોસર આપણને આપણે જ દેખાતા નથી.
વેદ વિદિત વટ વૃક્ષ નીચે શિવને સહજ રીતે બેઠેલા જોઈ ભલ અવસર જાણી અને પાર્વતી રામ વિશેના અનેક પ્રશ્નો પૂછે છે.શિવજી રામ જન્મનાં પાંચ કારણો કહીને કહે છે કે પરમાત્માને કાર્ય-કારણ સાથે કોઈ સંબંધ હોતો નથી.જ્યાં અવધિ સત્ય,વૃંદાવની પ્રેમ અને કૈલાશી કરુણા હોય ત્યાં કઈ ઘટતું નથી. પાંચેય કારણોની સંક્ષિપ્ત કથા કહીને પરમાત્માનો પૃથ્વિ સાથે સામૂહિક પુકાર થયો.દેવો દ્વારા સ્તુતિ થઈ,દશરથ દ્વારા પુત્રકામેષ્ટિ યજ્ઞ થયો.ખીરનાં પ્રસાદનાં ચાર ભાગ થયા અને દશરથના રાજમહેલમાં,મા કૌશલ્યાની કુખે રામ જન્મ લે છે. એ સાથે બાપુએ વ્યાસપીઠ ઉપરથી આજે રામ નવમીના દિવસે સમગ્ર ત્રિભુવનને રામ જન્મની ખુબ ખુબ સજળ કંઠે વધાઈ સાથે આપી.
Box
વિશ્વાસનાં પાંચ ઠેકાણાં છે
વિશ્વાસના પાંચ ઠેકાણા છે:એક જમીનની અંદરનો વિશ્વાસ,બીજો જમીન ઉપર દેખાતો,ત્રીજો શિખર ઉપર દેખાતો, ચોથો આકાશમાં અને પાંચમો વિશ્વાસ આપણો હાથ.રામાયણમાં આના સંદર્ભો છે. જમીનની અંદર છે એ વટ વિશ્વાસ એનાં મૂળિયા ખૂબ ઊંડા છે.
આ તકે કહ્યું કે જ્યાં પંચદેવ હોય એ જ સનાતન છે.પણ આજે મૂળને ડાળો કરી નાખી અને ડાળને મૂળિયા કરી નાખ્યા છે!એ ભલે ગમે તે ધર્મ હોય પણ સનાતન નથી.
રામાયણમાં સૌ પહેલા સનાતનનો મહિમા ગવાયો. પંચદેવની પૂજાની સ્થાપના થઈ.પછી ગુરુનો મહિમા ગવાયો.ભવનમાં રહેતા હો કે વનમાં,અમેરિકા હો કે અમરેલીમાં,ત્રિપુરા હો કે તલગાજરડા-સનાતનને પકડી રાખજો.ત્રીજો સાધુ મહિમા ગવાયો.ચોથું નામ મહિમાનું ગાન થયું.પાંચમો પ્રેમ મહિમા,ભજન મહિમા થયો.એક વૈરાગ્યનો મહિમા પણ થયો.
માનસમાં ૨૪ વખત ભજન શબ્દ આવ્યો છે એટલે હું એને ભજનાવતાર પણ કહું છું.પૃથ્વી ઉપરનો વિશ્વાસ એટલે અંગદના પગ જેવો પદ વિશ્વાસ. ત્રીજો કૈલાશના શિખર ઉપર ભવાની અને શંકર એટલે કે શ્રદ્ધા અને વિશ્વાસ જેનું સ્વરૂપ છે.આકાશ અનંત છે,અમીપ છે,અસંગ છે-આવો આકાશી વિશ્વાસ જ્યાં ધ્રુવ વિશ્વાસ એટલે કે અચળ વિશ્વાસ છે.પાંચમો પોતાના હાથનો વિશ્વાસ.આપણી મુઠ્ઠીમાં વિશ્વાસ હોવો જોઈએ.

