૧૮૬૭ને જુદી જુદી સજા કરાઈ
તકેદારી આયોગના ૨૦૨૪ના રિપોર્ટ અનુસાર, ૨૦૨૪ના વર્ષ દરમિયાન કુલ ૧૩૮૨ સરકારી અધિકારી-કર્મચારી સામે જુદી જુદી ભલામણો કરાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત, તા.૨૭ માર્ચ ૨૦૨૬ — તકેદારી આયોગના તાજેતરના રિપોર્ટ મુજબ ૨૦૨૦ થી ૨૦૨૪ સુધીના પાંચ વર્ષમાં ગુજરાતમાં વિવિધ વિભાગો-કચેરીઓના ૧૮૬૭ સરકારી અધિકારી-કર્મચારીને ભ્રષ્ટાચાર-ગેરરીતિને લઈને જુદી જુદી સજા કરવામાં આવી છે. જેમાં ૨૦૨૪માં ૧૩૮ વર્ગ-૧ના અધિકારી સામે સજાના ઓર્ડર કરવામાં આવ્યા હતા. ૨૪૬ અધિકારી-કર્મચારીનું પેન્શન રોકી દેવામાં આવ્યું હતું.તકેદારી આયોગને ભ્રષ્ટાચાર અને ગેરરીતિને લઈને મળેલી ફરિયાદ બાદ આયોગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવે છે અને તબક્કાવાર રિપોર્ટ મૂકીને ફાઇનલ ઓર્ડર સાથે સરકારને જે તે અધિકારી કે કર્મચારી કે જે દોષિત ઠર્યા હોય તેઓની સામે શિક્ષાત્મક કાર્યવાહીની ભલામણ કરવામાં આવે છે. તકેદારી આયોગના ૨૦૨૪ના રિપોર્ટ મુજબ ૨૦૨૦થી ૨૦૨૪ના કુલ પાંચ વર્ષમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારની ફરિયાદોમાં દોષિત ઠરેલા કુલ ૧૮૬૭ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને જુદી જુદી સજા આયોગના ઓર્ડર બાદ સરકારના જે તે વિભાગ દ્વારા કરવામાં આવી હતી.જેમાં ૨૦૨૪માં વર્ગ-૧ ના ૧૩૮ અધિકારી સામે સજાના ઓર્ડર કરવામાં આવ્યા હતા અને ૨૦૨૦થી ૨૦૨૪ના વર્ષમાં વર્ગ-૧થી લઈને વર્ગ-૩ના ૨૪૬ અધિકારી-કર્મચારીનું પેન્શન રોકવાનો ઓર્ડર થયો હતો. મહત્ત્વનું છે કે પાંચ વર્ષમાં સૌથી વધુ ૪૮૬ અધિકારી-કર્મચારીને ૨૦૨૪માં સજા માટેના ઓર્ડર કરવામાં આવ્યા હતા.તકેદારી આયોગના ૨૦૨૪ના રિપોર્ટ અનુસાર, ૨૦૨૪ના વર્ષ દરમિયાન કુલ ૧૩૮૨ સરકારી અધિકારી-કર્મચારી સામે જુદી જુદી ભલામણો કરાઈ હતી. જેમાં ૬૭૮ જાહેર સેવકો સામે ભારે શિક્ષાની કાર્યવાહીની તેમજ ૩ જાહેર સેવકો સામે પેન્શન કાપની કાર્યવાહીની અને લાંચ રિશ્વત વિરોધી બ્યુરો તથા અન્ય એજન્સીઓ તરફથી મળેલ અહેવાલની ચકાસણી કરીને ૨૯ જાહેર સેવકો સામે પ્રોસીક્યુશનની મંજૂરી આપવાની એટલે કે ફોજદારી કેસની ભલામણ કરાઈ હતી. આ ઉપરાંત ૫૪ સરકારી કર્મચારી સામે હળવી શિક્ષાની તથા ૩૦ કર્મચારી સામે વસૂલાત જેવી અન્ય કાર્યવાહીની આયોગે સરકારને ભલામણ કરી હતી. પરંતુ ૫૮૮ સરકારી કર્મચારી સામેના આક્ષેપોમાં તથ્ય જણાતું ન હોઈ તેઓ સામેના પ્રકરણો તફતરે કરવા આયોગે ભલામણ કરી હતી.

