Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

વર્ણો સ્થૂળ છે,પણ સાધુ એનું સૂક્ષ્મ રૂપ છે.

સાધુ ચારેય વર્ણોનો જ્યુસ-અર્ક છે.

જય શ્રીરામ એક આંદોલનનો ઉચ્ચાર અને જય સિયારામ આનંદોલનનો ઉચ્ચાર છે.

કોઈ સાધુ-ગુરુ મળે ત્યારે આપણી સ્થૂળથી સૂક્ષ્મ તરફની યાત્રા શરૂ થાય છે.

ઘડિયાળ સ્થૂળ છે,પણ સમય સૂક્ષ્મ છે.

સાધુ તસવીર નહીં પણ આપણું તકદીર છે.

કચ્છની મહિમાવંત ભૂમિ માધાપર ખાતે ચાલી રહેલી રામકથાનાં આઠમા દિવસે કહેવાયું કે આ ભૂમિ આધિભૌતિક,આધિદૈવિક અને આધ્યાત્મિક ભૂમિ છે આ ફળદ્રુપ ભૂમિમાં જે ઉગ્યું એ બહુ ઓછા પ્રાંતમાં ઊગ્યું છે.દેવ જેવા માણસો,જેસલ જેવાને દૈવત પ્રાપ્ત થયું એ આધિદૈવિકતા અને મેકરણડાડા જેવા આધ્યાત્મ પુરુષોની પરંપરા એ આધ્યાત્મિક ભૂમિ પ્રણામ કરવા યોગ્ય છે.

આપણે જીવ છીએ એટલે હંમેશા સ્થૂળને પકડીએ છીએ.નેપકીન પકડી લઉં એ સ્થૂળ છે,પણ એમાં કબીરી તાણાવાળા એ સૂક્ષ્મ રૂપ છે.ઘડિયાળ સ્થૂળ છે,પણ સમય સૂક્ષ્મ છે.કોઈ સાધુ-ગુરુ મળે ત્યારે આપણી સ્થૂળથી સૂક્ષ્મ તરફની યાત્રા શરૂ થાય છે. ઘડિયાળ સ્થૂળ છે,કાળ પ્રમાણે સચેત થવાનું સૂક્ષ્મ છે.દર્પણ સ્થૂળ છે એટલે એને પકડી શકાય,પણ એમાં દેખાતો ચહેરો સૂક્ષ્મ છે.આવી ચોપાઈ તુલસીજીએ લખી છે:

જો મન મુકુર મુકુર નિબ પાની;

ગહિ ન જાઇ અસ અદભૂત બાની.

ભરત જ્યારે ચિત્રકૂટની સભામાં બોલે છે ત્યારે વિદેહ રાજ જનક બધા મહર્ષિઓ અને રામ લક્ષ્મણની ઉપસ્થિતિમાં કહે છે કે ભરતજીને સાંભળીએ ત્યારે દર્પણ પકડાય છે પણ એ શું કહેવા માંગે છે એ સૂક્ષ્મ પકડાતું નથી.વિંટી સ્થૂળ છે પણ એમાં રામ લખેલું એ સૂક્ષ્મ છે એટલે હનુમાનજીએ રામ નામની મુદ્રિકા મુખમાં રાખી છે.

આ કુદરતની અદભુત રચના છે સ્થૂળમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી સ્થૂળ પ્રગટે છે.વડલાના બી(જ)માંથી ઘેઘુરવડ અને એનાં જ ટેટામાં ફરી પાછું સૂક્ષ્મ બીજ પ્રગટે છે!પોથી સ્થૂળ છે પણ એમાંથી નીકળતા પારમાર્થિક અર્થો સૂક્ષ્મ છે.

અહીંના એક સ્વામીજી સ્વામી-દયાનંદ સ્વામીજીની પરંપરામાંથી આવેલા-આર્ષ વિદ્યામંદિરનાં સ્વામીજીએ કહ્યું કે સંન્યાસીઓએ રહસ્યો ખોલાય નહીં પણ છતાંય કહું છું કે આ મારા પીળા વસ્ત્રો એ પાકેલું ફળ એમાં રામકથાના સફેદ વસ્ત્રનો હાથ છે. એટલે કે એ નાના હતા ત્યારે જામનગરમાં બાપુની કથા સાંભળતા .બાપુએ કહ્યું કે આ કબુલવું અઘરું છે.આ સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફની યાત્રા છે. રામાયણના પ્રસંગો સ્થૂળ પણ,એમાં રહેલા પદાર્થો સૂક્ષ્મ છે.પૃથ્વી સ્થૂળ છે પણ નીકળતા પદાર્થો સૂક્ષ્મ છે.વર્ણો સ્થૂળ છે,પણ સાધુ એનું સૂક્ષ્મ રૂપ છે.સાધુ ચારેય વર્ણોનો જ્યુસ છે-અર્ક છે.

આજે અનંત શ્રીવિભૂષિત પરિવ્રાજકાચાર્ય કૈલાશ પીઠાધિશ્વર પંચમપીઠનાં મહામંડલેશ્વર વિષ્ણુદેવાનંદજી ગિરિ(બાપુનાં કાકા દાદા)ની બે વાત બાપુએ મુખ્ય કહી.એમણે કહ્યું કે આ જગતમાં પાંચ પાંચ દર્પણ છે:એક-શાસ્ત્ર દર્પણ,બીજું-ગુરુદર્પણ, ત્રીજું-ગુરુએ આપેલો મંત્ર દર્પણ,ચોથું-સૂત્ર,વેદોનાં મહા વાક્યો-એ દર્પણ છે અને આ બધાનો સાર એવો સાધુ-જે સૂક્ષ્મદર્પણ છે.

આખા રામચરિત માનસમાં સાધુતા શબ્દ એક જ વખત આવ્યો,સબબિધિ સાધુ એકવાર અને પરમ સાધુ પણ એક જ વખત આવ્યો.સાધુ તસવીર નહીં પણ આપણું તકદીર છે.દાદાશ્રીએ દર્પણાષ્ટક લખ્યું ત્યાં આઠ દર્પણની વાત કરી,પણ એ કયા દર્પણ એ ન લખ્યું. તો હવે એ દાદાનો પૌત્ર(બાપુ) કહે છે કે કદાચ મારા દાદાનાં મનમાં આ આઠ દર્પણ હોઇ શકે મન,બુદ્ધિ,ચિત્ત,અહંકાર,ધર્મ,અર્થ,કામ અને મોક્ષ. વિશ્વામિત્રનો યજ્ઞ પૂરો કરી રામ-લક્ષ્મણ જનકપુર ગયા,અહલ્યાનો ઉદ્ધાર થયો.ગંગાની કથા સાંભળી જનકપુરમાં જાનકીજીનાં ‘સુંદર સદન’માં નિવાસ કર્યો.જ્યાં ભક્તિ રહેતી હોય ત્યાં જ ભગવાન રહે છે.ભક્તિ હોય એ જ સુંદર છે.સાંજે નગર દર્શન,એ પછી ધનુષ્ય યજ્ઞ અને ધનુષ્યનાં બે ટુકડાઓનાં સુંદર ભાવ વ્યક્ત કરી સીતારામજીના વિવાહ પછી કન્યા વિદાયનો કરુણ પ્રસંગ વર્ણવીને અયોધ્યામાંથી વિશ્વામિત્રની ભાવ ભીની વિદાય થઈ અને બાલકાંડનું સમાપન કરવામાં આવ્યું.

આવતીકાલે આ રામકથાનો પૂર્ણાહુતિ દિવસ છે

Box1

બાપુ આપ જય સિયારામ કેમ બોલો છો?

આપણે ત્યાં જય શ્રીરામનો નારો ચાલે છે.

બાપુ: આ બધું એક જ છે.જય શ્રીરામ કહો કે જય સિયારામ કહો કે જીનામ બોલો.આપણે ત્યાં અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે એક આંદોલન શરૂ થયું.વિશ્વ હિન્દુ પરિષદ અને અશોક સિંઘલજી જેવા આગેવાનો હતા.એ વખતે આ નારો-જય શ્રી રામ-આપવામાં આવ્યો.પણ હું જે સાધુ પરંપરામાંથી આવ્યો છું ત્યાં જય સિયારામ બોલાતું એટલે એ લવો વળી ગયો! બાકી બધું એક જ છે.ખોટા અર્થો ન કરતા.પણ એટલું જરૂર કહીશ કે જય શ્રીરામ એક આંદોલનનો ઉચ્ચાર અને જય સિયારામ આનંદોલનનો ઉચ્ચાર છે.એ અંતરથી નીકળે છે.બધી જ નદીઓ સમુદ્રને જ મળે છે.આ બધા રુચિભેદ છે બાકી બધું એક જ છે.

Box 2

સાધુ

સાધુ મન વિશુદ્ધ એક તીરથ,

સાધુ ભક્તિગંગ‌ ‌ભગીરથ

સાધુ સકલ લોકમાં ન્યારો,

સાધુ બાવન અક્ષર બારો

સાધુ માળા ‌કેરો મેરૂ,

સાધુ દીન-હીનનુ દેરૂ

સાધુ ‌વરણ નથી કે જાતી,

સાધુ સુર‌ ‌અને ‌સુકરાતી

સાધુ નરસી ‌મીરા નાનક,

સાધુ થાકેલાનું ‌‌થાનક

સાધુ માનવતાનું માનક,

સાધુ ‌પ્રેમ નીતરતું પાનક

સાધુ સત્ય રામ સુખરાશિ,

સાધુ પુર્ણ પ્રેમ વ્રજવાસી

સાધુ કરુણામાં ‌કૈલાશી

સાધુ ‌તોડે ‌બંધન બેડી,

સાધુ ‌મહાવીરની ‌કેડી

સાધુ ‌શુદ્ધ રૂપ સોહાગી,

સાધુ બુદ્ધ કોઈ  બડભાગી

સાધુ ‌પરમ તત્વ પરખંદો,

સાધુ મોટા ઘરનો બંદો

સાધુ લાખ જનેતા તોલે,

સાધુ ‘બાપ!’ કહીને બોલે

સાધુ ગગન મારગી ગાણું,

સાધુ ‌નિર્દોષોનું‌ ‌નાણું

સાધુ દોષ ‌કદી ના‌ ‌દેવે,

સાધુ શુદ્ધ સનાતન સેવે

સાધુ કરુણા‌ ‌કુમકુમ ચોખે,

સાધુ ‌પતિત જનોને પોંખે

સાધુ બ્રહ્મ બાવડે ઝાલી,

સાધુ આવે ઘર લગ હાલી

સાધુ ‌ભય કદી ‌નવ‌ ‌ભાખે,

સાધુ ‌નિરભેપદમાં નાખે

સાધુ સહજમંત્ર સુખકારી,

સાધુ નિત્ય નુતન અવતારી

સાધુ બ્રહ્મા મુખ બિરદાયો,

સાધુ ગીતા‌માંય ગવાયો

સાધુ ‌ચાર વેદનો ‌છાંયો,

સાધુ ‌પરમારથનો પાયો

સાધુ જન્મ્યો નથી જ્યાયો

સાધુ નીજઈચ્છાએ આયો

સાધુ ઈશ્વર ‌એક કહાયો,

સાધુ ‘પાર્થદાસ’ ગુણ ગાયો

Related posts

નિઃશુલ્ક ભસ્મ આરતી બંધ, ઓનલાઈન જ કરી શકાશે બુકિંગ

Master Admin

હાથરસ ખાતે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનો ને સહાય

Reporter1

પોરબંદર નજીક થયેલા અકસ્માતમાં માર્યા ગયેલાઓ પ્રતિ સંવેદના વ્યક્ત કરી સહાય મોકલતા મોરારિબાપુ

Master Admin

Leave a Comment

Translate »