Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ ૪૫૮ અને ડીઝલ ૫૨૦ રૂપિયા પ્રતિ લીટર થયો

પાકિસ્તાનમાં ઈંધણ બોમ્બ ફૂટ્યો!

પાકિસ્તાન પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ઓઇલ સાઉદી અરેબિયા અને યુએઈપાસેથી મેળવે છે, જે હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગેથી આવે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈસ્લામાબાદ, તા.૩ એપ્રિલ ૨૦૨૬ — પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક બજારમાં ઓઇલની કિંમતો બેકાબૂ બની છે, જેની સીધી અને ગંભીર અસર પાકિસ્તાન પર પણ પડી છે. પાકિસ્તાન સરકારે એક મહિનામાં બીજી વખત ઈંધણના ભાવમાં મોટો વધારો ઝીંકી દીધો છે. નવા ભાવ મુજબ ડીઝલમાં ૫૪.૯%નો તોતિંગ વધારો કરાતા હવે તે પ્રતિ લિટર ૫૨૦.૩૫ પાકિસ્તાની રૂપિયા અને પેટ્રોલમાં ૪૨.૭%ના વધારા સાથે પ્રતિ લિટર ૪૫૮.૪૦ પાકિસ્તાની રૂપિયા પર પહોંચી ગયું છે. પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે સ્પષ્ટ કર્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવ કાબૂ બહાર જઈ રહ્યા હોવાથી આ ભાવવધારો કરવો અનિવાર્ય હતો.પાકિસ્તાન પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ઓઇલ સાઉદી અરેબિયા અને યુએઈપાસેથી મેળવે છે, જે હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગેથી આવે છે. યુદ્ધને કારણે આ સપ્લાય ચેઈન ખોરવાતા પાકિસ્તાન જેવી નબળી અર્થવ્યવસ્થા ધરાવતા દેશ પર ભારે દબાણ આવ્યું છે. સરકારે અગાઉના ત્રણ અઠવાડિયામાં ૧૨૯ અબજ રૂપિયાની સબસિડી આપી હતી, પરંતુ હવે મર્યાદિત સંસાધનોને કારણે આ બોજ ઉઠાવવો શક્ય રહ્યો નથી. આ સંકટની સૌથી વધુ અસર ગરીબ જનતા અને ખેતી ક્ષેત્ર પર પડવાની શક્યતા છે, જે પાકિસ્તાનના જીડીપીમાં ૨૪% જેટલો હિસ્સો ધરાવે છે.જનતાને થોડી રાહત આપવા માટે નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબે કેટલીક જાહેરાતો કરી છે. જેમાં ટુ-વ્હીલર ચલાવતા લોકોને દર મહિને મહત્તમ ૨૦ લિટર સુધી પેટ્રોલ પર પ્રતિ લિટર ૧૦૦ રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત, નાના ખેડૂતોને એક વખત માટે પ્રતિ એકર ૧૫૦૦ રૂપિયાની સબસિડી આપવાની પણ જાહેરાત કરાઈ છે. જોકે, વૈશ્વિક સ્તરે ઓઇલના ભાવ હજુ પણ વધી રહ્યા છે, ખાસ કરીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મિડલ ઈસ્ટમાં સૈન્ય કાર્યવાહી તેજ કરવાના સંકેતો બાદ બ્રન્ટ ક્રૂડના ભાવમાં ૭ %થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે, જે આવનારા સમયમાં પાકિસ્તાન માટે વધુ મુશ્કેલીઓ સર્જી શકે છે.

Related posts

બે દિવસ પહેલાં મંજૂર રાખેલા મતદારો પણ મત આપી શકશેઃ સુપ્રીમ કોર્ટ

Master Admin

ટેરિફ તણાવથી શેરબજાર લાલ નિશાને! સેન્સેક્સ ૯૭૪.૭૭ પોઇન્ટ તૂટ્યો

Master Admin

આ વર્ષે ૫૭ દિવસ ચાલશે પવિત્ર અમરનાથ યાત્રા

Master Admin

Leave a Comment

Translate »