Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

પાંચ વર્ષમાં વિદેશમાં રોજ ૨૦ ભારતીય કામદારોનાં મોત થયાં છે

સૌથી વધુ મોત અખાતના દેશોમાં થયા

૨૦૨૧થી ૨૦૨૫ સુધી વિદેશોમાં કુલ ૩૭,૭૪૦ ભારતીય કામદારોનાં મોત નિપજ્યાં હતાંઃ ખાડી દેશોમાં વધુ મોત

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૩ એપ્રિલ ૨૦૨૬ — કાળી મજૂરી કરીને પેટિયું રળવા વિદેશ ગયેલા ભારતીય કામદારોની અત્યંત દયનીય સ્થિતિ વિશે રજૂ થયેલી આંકડાકીય માહિતીમાં દર્શાવવામાં આવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન દરરોજ ૨૦ ભારતીય કામદારોના મોત નિપજ્યા હતા અને તેમાં સૌથી મોટો આંકડો અખાતના દેશોમાંથી નોંધાયો હતો.રાજ્યસભામાં પૂછાયેલાં એક પ્રશ્નનો વિદેશ રાજ્યમંત્રી કિર્તી વર્ધને આપેલાં લેખિત ઉત્તરમાં દર્શાવેલી આંકડાકીય માહિતી અનુસાર ૨૦૨૧થી ૨૦૨૫ના સમય ગાળા દરમ્યાન વિદેશોમાં કુલ ૩૭,૭૪૦ ભારતીય કામદારોના મોત નિપજ્યા હતા. જો કે આ લોકોના મોતના કારણ અંગે વિદેશ રાજ્યમંત્રીએ કોઇ ખુલાસો કર્યો નહોતો.આ આંકડાકીય માહિતીમાં દર્શાવવામાં આવ્યું હતું કે ૨૦૨૧માં કુલ ૮૨૩૪ ભારતીય શ્રમિકોના મોત નિપજ્યા હતા જે આ પાંચ વર્ષનો સૌથી મોટો આંકડો હતો. અલબત્ત ૨૦૨૨ની સાલમાં તેઓના મોતની સંખ્યા થોડી ઘટીને ૬૬૧૪ નોંધાઇ હતી. પરંતુ ત્યાર પછી ૨૦૨૩માં ૭૨૯૧, ૨૦૨૪માં ૭૭૪૭ અને ૨૦૨૫માં ૭૮૫૪ ભારતીય કામદારોના મોત નોંધાયા હતા.વિદેશોમાં ભારતીય કામદારોના નોંધાયેલા મોતમાં સૌથી વધુ એટલે કે ૮૬ ટકા મોત અખાતના દેશોમાં થયા હતા. આ છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ)માં ૧૨,૩૮૦ અને સાઉદી અરેબિયામાં ૧૧,૭૫૭ ભારતીય શ્રમિકોના મોત નોંધાયા હતા. આ સમયગાળા દરમ્યાન કુવૈતમાં ૩૮૯૦, ઓમાનમાં ૨૮૨૧, મલેશિયામાં ૧૯૧૫ અને કતારમાં ૧૭૬૦ ભારતીય કામદારોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.આ સમયગાળા દરમ્યાન વિદેશોમાં આવેલી ભારતીય કોનસ્યુલેટ કચેરીઓ અથવા તો એલચી કચેરીઓને ભારતીય નાગરિકો તરફથી ૮૦,૯૮૫ ફરિયાદો મળી હતી જેમાં ફરિયાદીઓએ પોતાનું શોષણ થયું હોવાની અને કામના સ્થળ સંબંધી વિવિધ ફરિયાદો કરી હતી.. આ ફરિયાદીઓની સંખ્યામાં સૌથી વધુ સંખ્યા યુએઇમાં કામ કરતા શ્રમિકોની હતી. ૨૦૨૧ થી ૨૦૨૫ વચ્ચે એકલા યુએઇની જુદી જુદી કંપનીઓમાં કામ કરતા ૧૬,૯૬૫ ભારતીય કામદારોએ આ મુજબની ફરિયાદો કરી હતી. તે ઉપરાંત કુવૈતમાં ૧૫,૨૩૪, ઓમાનમાં ૧૩,૨૯૫ અને સાઉદી અરેબિયામાં ૧૨,૯૮૮ ફરિયાદો નોંધાઇ હતી.ભારતીય સંસદનો રેકોર્ડ અને કોમનવેલ્થ હ્યુમન રાઇટ ઇનિશિયેટીવ દ્વારા તૈયાર કરાયેલાં અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ૨૦૧૨ થી ૨૦૧૮ના સમયગાળા દરમ્યાન અખાતના દેશોમાં દરરોજ ૧૦ ભારતીય કામદારોના મોત નિપજ્યા હતા. કોમનવેલ્થ હ્યુમન રાઇટ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં તો વળી સ્પષ્ટ એ વાત ઉપર ભાર મૂકાયો હતો કે આ છ વર્ષ અને છ મહિનાના સમયગાળા દરમ્યાન બહેરીન, ઓમાન, કતાર, કુવૈત, સાઉદી અરેબિયા અને યુએઇ જેવા છ અખાતી દેશોમાં કુલ ૨૪,૫૭૦ ભારતીય કામદારોના મોત નોંધાયા હતા.

Related posts

લખનઉમાં ૧૦૦થી વધુ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ૧૦૦૦થી વધુ ઝૂંપડા રાખ

Master Admin

મોદી કેબિનેટના ૩ મોટા નિર્ણયો લેવામાં આવ્યા,૧૪ ખરીફ પાકોની MSPમાં વધારો

Master Admin

વાવાઝોડા અને તેજ પવન સાથે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

Master Admin

Leave a Comment

Translate »