Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

થલતેજમાં બનેલો ઓક્સિજન પાર્ક ‘કાર્બન ડાયોક્સાઇડ પાર્ક’ બન્યો

પીપીપી મોડલ હેઠળ શરૂ કરાયેલ પ્રોજેક્ટમાં બેદરકારી

કંપની દ્વારા દેખરેખની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ બગીચાની દેખરેખ રખાઈ ન હોવાથી સ્થિતિ વણસી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૮ એપ્રિલ ૨૦૨૬ — શહેરમાં પર્યાવરણને સુધારવાના ઉદ્દેશ સાથે થલતેજ વોર્ડમાં શરૂ કરાયેલો ઓક્સિજન પાર્ક હવે બેદરકારી અને અવ્યવસ્થાનો ભોગ બની ‘કાર્બન ડાયોક્સાઇડ પાર્ક’ તરીકે ઓળખાવા લાગ્યો છે. હાલ તેની હાલત અત્યંત ચિંતાજનક બની ગઈ છે. કંપની દ્વારા દેખરેખની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ બગીચાની દેખરેખ રખાઈ ન હોવાથી સ્થિતિ વણસી છે. બગીચામાં ૬ માસથી માળી દ્વારા પાણી આપવામાં આવતું ન હોવાથી ૫૦ ટકા વૃક્ષો સુકાઈ ગયા છે. પાર્કના સંચાલન માટે જે ખાનગી કંપનીને જવાબદારી સોંપવામાં આવી હતી, તેની માવજત કરવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ કંપનીએ બગીચાની દેખરેખ રાખવાનું બંધ કરી દીધું છે. જેથી બગીચામાં છેલ્લા છ મહિનાથી કોઈ જાળવણી કરવામાં આવી નથી. ‘મિયાવાકી’ પદ્ધતિથી અહીં લગભગ ૮૮૦૦૦ વૃક્ષો વાવવામાં આવ્યા હતા, જેમાંથી અંદાજે ૫૦ ટકા વૃક્ષો પાણીના અભાવે સુકાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. વધુમાં, છેલ્લા ઘણા મહિનાઓથી કોઈ માળી દ્વારા વૃક્ષોને પાણી આપવામાં આવ્યું નથી, જેના કારણે હરિયાળો પાર્ક સૂકાઈને વેરાન બન્યો છે.આ ઉપરાંત, બગીચામાં સુકાયેલા વૃક્ષોને બળતણ તરીકે ઉપયોગ કરાઈ રહ્યા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. કેટલાક સ્થળોએ તો બગીચામાં જ ચૂલા બનાવીને આ વૃક્ષો સળગાવાઈ રહ્યા છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે ઓક્સિજન પાર્કમાં જ સંખ્યાબંધ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. સફાઈ બાબતે પણ બગીચાની સ્થિતિ ખરાબ છે. છેલ્લા છ મહિનાથી કોઈ જ પ્રકારની સાફ-સફાઈ કરાઈ નથી. બાળકોના રમતગમત માટે બનાવેલા સાધનો પણ ધૂળ ખાઈ રહ્યા છે અને ઉપયોગમાં લેવાતા નથી.પાર્કમાંથી ગેરકાયદે રીતે પાણીના કનેક્શન આસપાસના બિલ્ડરો દ્વારા લેવાયા છે, જેનાથી પાણીની તંગી જોવા મળી રહી છે. આ સિવાય, પાર્કના પ્રવેશદ્વાર પર છેલ્લા ઘણા સમયથી તાળું લટકતું જોવા મળે છે, જેથી નાગરિકોને પ્રવેશ મળતો નથી. કોર્પોરેશનના બગીચા વિભાગ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ તેઓ દ્વારા વૃક્ષોને પાણી આપવાની કોઈ વ્યવસ્થા કરાઈ નથી. આ સમગ્ર પરિસ્થિતિએ ‘મિશન મિલિયન ટ્રી’ અભિયાનની અસરકારકતા પર પણ સવાલો ઊભા કર્યા છે. કાગળ પર લાખો વૃક્ષો વાવવાના દાવા થાય છે, પરંતુ તેમાંથી કેટલાં વૃક્ષો જીવંત રહે છે તેનો કોઈ હિસાબ રાખવામાં આવતો નથી.

Related posts

અમદાવાદમાં અસામાજિક તત્વોના આતંકની ઘટનામાં દિવસેને દિવસે વધારો

Master Admin

દરેકને શિક્ષણનો લાભ મળે તે આશયથી શરૂ કરાયેલ અભિયાન અંતર્ગત‘માઇલ્સ એન માઇન્ડ્સ’ રનનું આયોજન કરાયું

Master Admin

સાયબર ગઠિયાઓ બેફામઃ શહેરીજનો પાસેથી લાખો રૂપિયા ચાલાકીથી સેરવ્યા

Master Admin

Leave a Comment

Translate »