Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માના અધ્યક્ષસ્થાને ‘ગ્લોબલ રાજસ્થાન એગ્રીટેક મીટ’ (GRAM 2026) પૂર્વે અમદાવાદમાં ઇન્વેસ્ટર મીટ યોજાઈ

  • શિક્ષણ અને સામાજિક ન્યાય મંત્રી શ્રી પ્રદ્યુમન વાજાની પ્રોત્સાહક ઉપસ્થિતિ
  • ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવા રાજસ્થાન સરકારે ગરીબ, યુવા, મહિલા અને ખેડૂતોને કેન્દ્રમાં રાખી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી:- રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા
  • અમદાવાદમાં આયોજિત આ ઇન્વેસ્ટર મીટ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે કૃષિ ક્ષેત્રે સહયોગની મજબૂત કડી બનશે :- શિક્ષણ અને સામાજિક ન્યાય મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા, ગુજરાત રાજ્ય
  • રાજસ્થાનના કૃષિ ક્ષેત્રમાં રોકાણની વિપુલ તકો અંગે ઉદ્યોગ સાહસિકોને અપાયું આમંત્રણ

અમદાવાદ, ગુજરાત | ૩૦ એપ્રિલ ૨૦૨૬ | રાજસ્થાન સરકાર અને ફિક્કી (FICCI) ના સંયુક્ત ઉપક્રમે  અમદાવાદમાં ‘ગ્લોબલ રાજસ્થાન એગ્રીટેક મીટ’ (GRAM 2026)ના સંદર્ભમાં ઇન્વેસ્ટર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ૨૩ થી ૨૫ મે, ૨૦૨૬ દરમિયાન જયપુર ખાતે યોજાનાર મુખ્ય ‘GRAM 2026’ ઇવેન્ટ માટે ગુજરાતના રોકાણકારો અને ઉદ્યોગપતિઓને આમંત્રિત કરવાનો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના શિક્ષણ અને સામાજિક ન્યાય મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન રાજસ્થાનને ભારતના ‘એગ્રી-હબ’ તરીકે પ્રસ્થાપિત કરતા વિવિધ પાસાઓ જેવા કે મજબૂત કનેક્ટિવિટી, વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાન અને રોકાણકારો માટેની અનુકૂળ નીતિઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માએ અમદાવાદ ખાતે આયોજિત ઇન્વેસ્ટર મીટમાં ઉદ્યોગસાહસિકોને સંબોધતા જણાવ્યું હતું કે ખેડૂતોની આર્થિક ઉન્નતિ માટે કૃષિની સાથે પશુપાલન, ડેરી અને સહકારિતા ક્ષેત્રનો સંકલિત વિકાસ અનિવાર્ય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવા રાજસ્થાન સરકારે ગરીબ, યુવા, મહિલા અને ખેડૂતોને કેન્દ્રમાં રાખી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે.

તેમણે ઉમેર્યું કે, રાજસ્થાન બાજરી, રાઈ, તેલીબિયાં અને જીરા જેવા પાકોના ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર છે. જો ખેતીની સાથે પ્રોસેસિંગ યુનિટ્સ સ્થાપવામાં આવે તો ખેડૂતોની આવક બમણી થઈ શકે છે. આ હેતુથી રાજસ્થાનમાં એગ્રી-ટેક, ડ્રોન ટેકનોલોજી અને AI આધારિત ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

રાજસ્થાનના મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજસ્થાન રોકાણકારો માટે આદર્શ સ્થળ બની રહ્યું છે, જ્યાં નીતિઓ સ્પષ્ટ છે અને પ્રક્રિયાઓ સરળ બનાવવામાં આવી છે. રાજ્યમાં કૃષિ ક્ષેત્રે વિવિધ વિભાગોમાં કરોડો રૂપિયાના MOU થયા છે, જેમાંથી ઘણાં રોકાણો ધરાતલ પર ઉતરી ચૂક્યા છે. સિંચાઈ માટે યમુના જળ કરાર જેવા ઐતિહાસિક નિર્ણયો ગેમ ચેન્જર સાબિત થશે. તેમણે ખાસ કરીને ગુજરાતમાં વસતા રાજસ્થાની નાગરિકોને પોતાની માતૃભૂમિ સાથે જોડાઈને કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, કોલ્ડ સ્ટોરેજ અને સપ્લાય ચેઈન જેવા ક્ષેત્રોમાં રોકાણ કરવા આહ્વાન કર્યું હતું. જયપુર ખાતે 23 થી 25 મે, 2026 દરમિયાન યોજાનાર ‘GRAM 2026’ ઇવેન્ટ નવા રાજસ્થાનની પરિકલ્પનાને સાકાર કરવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતના શિક્ષણ અને સામાજિક ન્યાય મંત્રી શ્રી પ્રદ્યુમન વાજાએ આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ખેતી એ આપણી અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે અને ખેડૂતોની સમૃદ્ધિ સાથે જ ભારતની સમૃદ્ધિ જોડાયેલી છે. ગુજરાતનું કૃષિ મોડેલ વૈજ્ઞાનિક આયોજન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને સસ્ટેનેબલ ગ્રોથ પર આધારિત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના ‘પર ડ્રોપ મોર ડ્રોપ’ના વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે જળ સંરક્ષણ અને કૃષિ ઉત્પાદકતામાં જે સિદ્ધિઓ હાંસલ કરી છે, તે રાજસ્થાન જેવા રાજ્ય માટે ખૂબ જ પ્રસ્તુત છે જ્યાં જળ વ્યવસ્થાપન કૃષિના કેન્દ્રમાં છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમદાવાદમાં આયોજિત આ ઇન્વેસ્ટર મીટમાં ગુજરાતના ઉદ્યોગપતિઓ, કંપનીના પ્રતિનિધિઓ અને રોકાણકારો સહભાગી થયા છે, જે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે કૃષિ ક્ષેત્રે સહયોગની મજબૂત કડી બનશે. રાજસ્થાનમાં એગ્રી-ટેકનોલોજી, ફૂડ પ્રોસેસિંગ, ડેરી ડેવલપમેન્ટ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં રોકાણની વિપુલ સંભાવનાઓ છે. ૨૩ થી ૨૫ મે દરમિયાન જયપુરમાં યોજાનાર ‘GRAM 2026’ માત્ર ચર્ચા માટેનું પ્લેટફોર્મ નથી, પરંતુ તે ખેડૂતો માટે આધુનિક વિઝન, વૈજ્ઞાનિક અભિગમ અને મજબૂત માર્કેટ વ્યવસ્થા ઊભી કરવાનું એક મહત્વપૂર્ણ કદમ છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે રાજસ્થાન ફાઉન્ડેશનના અમદાવાદ ચેપ્ટરનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને વિવિધ સંસ્થાઓ વચ્ચે પરસ્પર સહયોગ માટે MOU ની આપ-લે પણ કરવામાં આવી હતી. જેમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ₹૧૫૦ કરોડના એમઓયુ કરવામાં આવ્યા હતા.

આ અવસરે આયોજિત પેનલ ડિસ્કશનમાં કૃષિ, પશુપાલન અને ડેરી ક્ષેત્રમાં રહેલી રોકાણની ક્ષમતાઓ અને તકો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. રાજસ્થાન મસાલા, કઠોળ અને તેલીબિયાંના ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર છે, ખાસ કરીને જીરું અને ધાણાના ઉત્પાદનમાં તેનો દબદબો છે.

આ ઉપરાંત, રાજસ્થાન એગ્રી-પ્રોસેસિંગ અને નિકાસ ક્ષમતા વધારવા માટે માન્ય એગ્રો ફૂડ પાર્કસ અને એગ્રી-એક્સપોર્ટ ઝોન જેવી માળખાગત સુવિધાઓ ધરાવે છે. રાજસ્થાન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન સ્કીમ (RIPS) અંતર્ગત એગ્રો પ્રોસેસિંગ યુનિટ્સ માટે કેપિટલ સબસિડી, વીજ ડ્યુટીમાં મુક્તિ અને નિકાસ પ્રોત્સાહન જેવી આકર્ષક રાહતો પણ રોકાણકારો સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન અને અન્ય મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાજસ્થાનના પશુપાલન અને ડેરી વિભાગના કેબિનેટ મંત્રી શ્રી જોરારામ કુમાવત, સહકાર વિભાગના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી ગૌતમ કુમાર, પશુપાલન વિભાગના અગ્ર સચિવ શ્રી વિકાસ સીતારામ ભાલે, કૃષિ અને બાગાયત વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મંજુ રાજપાલ, રાજસ્થાન કિસાન આયોગના અધ્યક્ષ શ્રી સી.આર. ચૌધરી, અમૂલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જયેન મહેતા, રાજસ્થાન ફાઉન્ડેશન અમદાવાદ ચેપ્ટરના પ્રમુખ શ્રી મહેન્દ્ર લોધા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Shark Tank India 4: Will Whale Wearables’ innovative products spark investment?

Reporter1

DAEWOO & MIL ANNOUNCE STRATEGIC ALLIANCE, TO LAUNCH DAEWOO LUBRICANTS IN THE INDIAN MARKET

Reporter1

Yamaha’s Chennai Factory Marks a Decade of Manufacturing Excellence; Rolls Out 5 Millionth Unit

Reporter1

Leave a Comment

Translate »