૫ લોકોના કરુણ મોત
વિમાનમાં સવાર તમામ મુસાફરો ખેલાડીઓ હતા, જેઓ એક ટૂર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટેક્સાસ, તા.૨ મે ૨૦૨૬ — અમેરિકાના ટેક્સાસ રાજ્યના હિલ કન્ટ્રી વિસ્તારમાં એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમાં સવાર તમામ પાંચ લોકોના મોત નીપજ્યા છે. આ વિમાનમાં સવાર તમામ મુસાફરો ખેલાડીઓ હતા, જેઓ એક ટૂર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા હતા.ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ગુરુવારે રાત્રે આશરે ૧૧ વાગ્યે વિમ્બરલી શહેર પાસે સર્જાયો હતો. આ સ્થળ ઓસ્ટિનથી લગભગ ૬૫ કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે. વિમાન ઝાડ સાથે અથડાઈને તૂટી પડ્યું હતું.અકસ્માતમાં પાયલટ અને અન્ય ચાર મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા છે. સત્તાવાર રીતે હજુ નામો જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ અમરિલો પિકલબોલ ક્લબ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે મૃતકો તેમના ક્લબના સભ્યો હતા. તેઓ તમામ પિકલબોલ ખેલાડીઓ હતા. તેઓ એક સ્પોટ્ર્સ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા.શુક્રવારે દુર્ઘટના સ્થળ પર તપાસ શરૂ કરવામાં આવી હતી, જ્યાં શોકતુર પરિવારો અને મિત્રો પહોંચ્યા હતા. અધિકારીઓ હાલમાં વિમાન તૂટી પડવાના ચોક્કસ કારણોની તપાસ કરી રહ્યા છે.

