Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ટ્રેનમાં બંધ પેટીમાં મહિલાનો ટુકડે-ટુકડાં કરેલો મૃતદેહ મળ્યો

લખનઉની હચમચાવતી ઘટના

આ દરમિયાન સ્લીપર કોચમાંથી બિનવારસી હાલતમાં પડેલું એક મોટું બોક્સ અને એક બેગ મળી આવી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનૌ, તા.૧૮ મે ૨૦૨૬ — ઉત્તર પ્રદેશના લખનઉમાં એક હચમચાવી મૂકે તેવી ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે. છાપરાથી લખનઉના ગોમતી નગર સ્ટેશને પહોંચેલી છાપરા-ગોમતી નગર એક્સપ્રેસ ટ્રેનના સ્લીપર કોચમાંથી એક અજાણી મહિલાનો પાંચ ટુકડામાં કાપેલો માથા વગરનો મૃતદેહ મળી આવતા રેલવે તંત્ર અને પોલીસ પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ છે.

અહેવાલો અનુસાર, ટ્રેન તેના છેલ્લા સ્ટેશન ગોમતી નગર ખાતે પહોંચી ત્યારે સરકારી રેલવે પોલીસ (GRP)ની ટીમ ટ્રેનની અંદર રૂટીન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન સ્લીપર કોચ (AC-1)માંથી બિનવારસી હાલતમાં પડેલું એક મોટું બોક્સ અને એક બેગ મળી આવી હતી. જ્યારે પોલીસે શંકાસ્પદ બોક્સ ખોલ્યું તો તેમાંથી અંદાજે ૨૫થી ૩૦ વર્ષની મહિલાનું માથા વગરનું ધડ મળી આવ્યું હતું. તેની બાજુમાં રાખેલી બેગ ખોલતા તેમાંથી મહિલાના કપાયેલા હાથ અને પગ મળી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ કોઈ શાતિર ગુનેગારનો હાથ હોવાનું સામે આવ્યું છે. શંકા છે કે મહિલાની અન્ય કોઈ જગ્યાએ હત્યા કર્યા બાદ તેના શરીરને કોઈ ઇલેક્ટ્રોનિક કટર અથવા અત્યંત તીક્ષ્ણ હથિયાર વડે પાંચ ટુકડાઓમાં કાપવામાં આવ્યું હતું. આશ્ચર્યજનક વાત એ છે કે ટ્રેનમાંથી મળેલા શરીરના અંગો પર અન્ય કોઈ ઈજાના નિશાન નથી, તેમજ બોક્સ, બેગ કે ટ્રેનની સીટ પર ક્યાંય પણ લોહીના ડાઘ જોવા મળ્યા નથી. લાશનું માથું હજુ સુધી ગાયબ છે, જેથી મહિલાની ઓળખ છુપાવવા માટે માથું અન્ય ક્યાંક ફેંકી દેવાયું હોવાનું અનુમાન છે.

આ ભયાનક હત્યાકાંડનો ભેદ ઉકેલવા માટે GRP દ્વારા તાત્કાલિક અસરથી ત્રણ વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે. છાપરા અને ગોમતી નગર વચ્ચે આ ટ્રેન ૧૨ કલાકની મુસાફરી દરમિયાન જે ૨૦ સ્ટેશનો પરથી પસાર થાય છે, તે તમામ સ્ટેશનોના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરવામાં આવી છે જેથી જાણી શકાય કે આ બિનવારસી સામાન ટ્રેનમાં કોણે અને કયા સ્ટેશનેથી ચડાવ્યો હતો.

હાલ આ મામલે ચારબાગ રેલ્વે સ્ટેશનના GRP પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત હત્યારાઓ સામે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધીને મહિલાની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Related posts

૫૦ ધારાસભ્યો પણ આમ આદમી પાર્ટી છોડી શકે

Master Admin

અમેરિકાએ આપણને ખરીદી લીધા, સરકાર બ્લેકમેલ થઈ ગઈ

Master Admin

અનંત ભાઈ અંબાણીની પરોપકારી તેમના લગ્ન પહેલા ચમકે છે– વંચિતો માટે સમૂહ લગ્નથી લઈને ઉદાર કોમન ભંડારા સુધી!

Reporter1

Leave a Comment

Translate »