Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ઘરેલુ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૯ રૂપિયાનો વધારો

અગાઉ માર્ચ મહિનામાં પણ વધ્યા હતા ભાવ

એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ ૯૧૩ રૂપિયાથી વધીને હવે ૯૪૨ રૂપિયા થઈ ગયો છે, એટલે કે સીધો ૨૯ રૂપિયાનો વધારો નોંધાયો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૭ જૂન ૨૦૨૬ — દેશની રાજધાની દિલ્હીમાં સામાન્ય નાગરિકોના બજેટને ખોરવતા માઠા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, ૭ જૂનથી દિલ્હીમાં ૧૪.૨ કિલોગ્રામવાળા ઘરેલું એલપીજી (LPG) સિલિન્ડરની કિંમતમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. ગેસ સિલિન્ડરનો ભાવ ૯૧૩ રૂપિયાથી વધીને હવે ૯૪૨ રૂપિયા થઈ ગયો છે, એટલે કે સીધો ૨૯ રૂપિયાનો વધારો નોંધાયો છે.

દિલ્હી-NCRમાં ૧૪.૨ કિલોગ્રામના ઘરેલુ LPG ગેસ સિલિન્ડરનો ભાવ હવે ૯૪૨ રૂપિયા પર પહોંચી ગયો છે. ૫ કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ ૩૩૯ રૂપિયા છે. વધુમાં ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૩,૧૧૩ રૂપિયા પર યથાવત છે. છેલ્લા ત્રણ મહિનામાં LPG સિલિન્ડરના ભાવમાં આ બીજો વધારો છે. અગાઉ ૭ માર્ચના રોજ ૬૦ રૂપિયાનો વધારો કરાયો હતો. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને વૈશ્વિક ઊર્જા બજારમાં ઉથલપાથલને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણના ભાવમાં વધારો થયો હતો.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા સાથે LPG ઘરેલુ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થવાની અટકળો શરૂ થઈ ગઈ હતી. ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા ઈરાન યુદ્ધને કારણે પુરવઠામાં વિક્ષેપ પડ્યો હોવા છતાં ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો ન હતો. સરકારે ૧ મેના રોજ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો હતો. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૯૯૩ અને ૫ કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં ૨૬૧નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧ જૂનના રોજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૪૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

LPG ગેસ સિલિન્ડરના પુરવઠા અંગે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે. કટોકટી છતાં કોઈપણ રિટેલ ગેસ એજન્સીએ ગેસની અછતની જાણ કરી નથી. મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે LPG ગેસ સિલિન્ડરના સંગ્રહ અને કાળાબજારને રોકવા માટે દેશભરમાં સતત કાર્યવાહી ચાલી રહી છે.

સરકારનું કહેવું છે કે હોર્મુઝ સ્ટ્રેટ કટોકટી છતાં દેશભરમાં પેટ્રોલિયમ ઉત્પાદનો અને LPG અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. વધુમાં બધી રિફાઇનરીઓ ઉચ્ચ ક્ષમતા પર કાર્યરત છે અને તેમના પાસે પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઓઇલનો ભંડાર છે. રિફાઇનરીઓમાં સ્થાનિક LPG ઉત્પાદનમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

સરકારે ઓનલાઈન બુકિંગ અંગે એક નિવેદન પણ જાહેર કર્યું છે. સરકારનું કહેવું છે કે રસોઈ ગેસનું ઓનલાઈન બુકિંગ ૯૯ ટકા સુધી વધી ગયું છે. વિતરક સ્તરે ગેસની ઉચાપત અટકાવવા માટે ગ્રાહકોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવતા પ્રમાણીકરણ કોડના આધારે ૯૫ ટકા ડિલિવરી કરવામાં આવી રહી છે.

આ અગાઉ ૭ માર્ચના રોજ પણ પ્રતિ સિલિન્ડર ૬૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે પશ્ચિમ એશિયા (વેસ્ટ એશિયા) માં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય ખોરવાઈ ગઈ હતી અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવ આકાશે આંબ્યા હતા. ઉદ્યોગ જગતના સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ કરાયેલા ભાવવધારાથી ઓઇલ કંપનીઓના નુકસાનની માત્ર આંશિક ભરપાઈ જ થઈ શકી હતી. આ તાજેતરના ફેરફાર પહેલા સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને વેચાતા દરેક LPG સિલિન્ડર પર અંદાજે ૭૦૩ રૂપિયાનું મોટું નુકસાન થઈ રહ્યું હતું.

નોંધનીય છે કે આ જ મહિનાની ૧લી જૂને ૧૯ કિલોગ્રામવાળા કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ મોટો વધારો કરાયો હતો. દિલ્હીમાં કમર્શિયલ સિલિન્ડર ૪૨ રૂપિયા મોંઘો થઈને ૩૧૧૩.૫૦ રૂપિયા અને કોલકાતામાં ૫૩.૨૦ રૂપિયાના વધારા સાથે ૩૨૫૫.૫૦ રૂપિયા ની સપાટીએ પહોંચી ગયો છે. આ ઉપરાંત, નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકો દ્વારા વપરાતા ૫ કિલોગ્રામના એફટીએલ (FTL) સિલિન્ડરના ભાવમાં પણ ૧૧ રૂપિયાનો ઇજાફો કરાયો છે.

ઇંધણના ભાવોમાં આ વધારો માત્ર ગેસ સિલિન્ડર પૂરતો સીમિત નથી. મે મહિનાથી અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કુલ મળીને ૭.૫૦ રૂપિયા પ્રતિ લીટરનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે.

જ્યારે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ના દરોમાં પણ આશરે ૬ રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થઈ ચૂક્યો છે.

આટલા ભાવવધારા છતાં, ઇન્ડસ્ટ્રીના સૂત્રોનું કહેવું છે કે સરકારી ઓઇલ કંપનીઓ હજુ પણ પેટ્રોલ અને ડીઝલને તેની મૂળ પડતર કિંમત કરતાં સસ્તા ભાવે વેચી રહી છે. હાલની સ્થિતિએ કંપનીઓને પેટ્રોલ પર અંદાજે ૧૧ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર ૩૩.૬ રૂપિયા પ્રતિ લીટરનું નુકસાન વેઠવું પડી રહ્યું છે.

Related posts

ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

Master Admin

નીટની પરીક્ષાની નવી તારીખ જાહેર, ૨૧ જૂને નીટની પરીક્ષા યોજાશે

Master Admin

બે ધારાસભ્યોને તૃણમૂલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા

Master Admin

Leave a Comment

Translate »