Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

ઉધાર સંબંધનો સિક્કો કે, દુશ્મન!? ઉધાર એટલે મહોબ્બ્તની કાતર!

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

માણસના જીવનમાં બે વસ્તુ સૌથી કીમતી છે – વિશ્વાસ અને સંબંધ. પૈસો જાય તો કમાઈ શકાય, પણ વિશ્વાસ ગયો કે પાછો ન આવે. અને એ વિશ્વાસને સૌથી વધારે કાપે છે એક શબ્દઃ ઉધાર.

૧. સ્વાર્થ આંધળો છે – મતલબ પૂરો થયા પછી કોઈ જોતું નથી
સ્વાર્થની આંખ નથી હોતી સાહેબ! એને ફક્ત “મારું કામ” દેખાય છે. કામ પૂરું થયું કે માણસ અજાણ્યો બની જાય. જે હાથ આજે જોડાયેલા હતા, કાલે એ જ હાથ ખિસ્સામાં નાખીને નીકળી જાય!
આ આંધળાપણું જ સૌથી ખતરનાક છે. કારણ કે સ્વાર્થી માણસને ખબર નથી પડતી કે એ કયા પુલ તોડી રહ્યો છે. આજે જે ખભા પર ચડીને કામ કઢાવ્યું, કાલે એ જ ખભાને પગની ઠોકર મારીને આગળ વધી જાય!
દુનિયાનો નિયમ છેઃ સ્વાર્થનો તેલનો દીવો થોડીવાર જ બળે. અંધારું થાય એટલે બધા પોત-પોતાના રસ્તે. જે લોકો ફક્ત મતલબથી જોડાયા હતા, એ લોકો મતલબ પૂરો થતાં જ ભૂંસાઈ જાય. બાકી રહે છે ફક્ત ખાલી જગ્યા અને ભરાયેલું દિલ!

૨. ઉધાર – મહોબ્બતની કાતર
મહોબ્બત, મિત્રતા, સગાઈ – આ બધા સંબંધોનું કાપડ એકદમ નાજુક હોય છે. એમાં સૌથી ધારદાર કાતર જો કોઈ હોય તો એનું નામ ઉધાર.
ભૂલમાં ઉધાર આપ્યું કે બે વસ્તુ જાયઃ ગ્રાહક અને ગ્રાહકની ઈજ્જત. પૈસા માગો તો સંબંધ બગડે, ન માગો તો પૈસા જાય. બંને બાજુ નુકસાન.
ઉધારનો મતલબ શું? મતલબ એ કે “મને તારા પર વિશ્વાસ છે”. પણ જ્યારે પાછા આપવાનો વખત આવે અને માણસ ટાળે, ત્યારે એ જ વિશ્વાસનો કતલ થાય છે. આજે ૧૦૦૦ રૂપિયા માટે માગ્યું, કાલે ૧૦૦૦ વાર “ભૂલી ગયો” સાંભળવું પડે.
મિત્રતામાં ઉધાર એટલે ઝેર. કારણ કે મિત્રતા હિસાબ માગતી નથી!. કિન્તુ,ઉધાર હિસાબ વગર રહેતું નથી. એકવાર હિસાબ શરૂ થયો કે મિત્રતા પૂરી. પછી બચે છે ફક્ત કડવાશ અને “એણે મારી સાથે આવું કર્યું” ની વાતો.

૩. મિત્રતા ગુમાવવી અને કાયમી શત્રુતા બાંધવી – એ પોષાય નહીં
સાહેબ, દુનિયામાં સૌથી મોંઘી વસ્તુ મિત્રતા છે. એ વેચાતી નથી, ખરીદાતી નથી. વર્ષોની ઓળખ, હાસ્ય, દુઃખ, સાથ – એ બધાનું મૂલ્ય એક ઉધારમાં ધૂળ થઈ જાય?
ઉધાર આપ્યું, એણે ન આપ્યું. પહેલા મહિને વિનંતી, બીજા મહિને ઠપકો, ત્રીજા મહિને ઝગડો. અને ચોથા મહિને બે જૂના મિત્રો એકબીજાના શત્રુ બની જાય.
જરાક વિચારો – ૫૦૦૦ રૂપિયા માટે ૨૦ વર્ષની મિત્રતા તોડી? આ સોદો પોષાય? આજે પૈસા કદાચ પાછા ન આવે, પરંતુ મિત્ર તો કાયમ માટે ગયો. અને શત્રુતા બાંધવી એટલે જીવનભરનું બોજ માથે લેવું. સવારે ઉઠો કે એનું નામ યાદ આવે, રાતે સુઓ કે એનો ગુસ્સો યાદ આવે. આના કરતા પૈસા જવા દેવા સારા.
શાણા લોકો કહે છેઃ “મિત્રને ઉધાર ન આપો. આપવું જ હોય તો ભેટ આપી દો”. કેમ કે, ભેટનો હિસાબ નથી હોતો. હિસાબ વગરનો સંબંધ જ સાચો સંબંધ.

૪. લોક વિશ્વાસ ગુમાવવો – વિશ્વાસઘાતનું પ્રમાણપત્ર
ઉધાર ન ચૂકવે એ માણસને લોકો શું કહે? “વિશ્વાસઘાતી”. આ એક શબ્દનું પ્રમાણપત્ર એટલું ભારે હોય છે કે આખી જિંદગી માથે રહે.
એકવાર માણસનું નામ “ટાળનાર” તરીકે પડી ગયું કે પછી કોઈ એના પર ભરોસો ન કરે. બેંક લોન ન આપે, મિત્ર મદદ ન કરે, સગો સાથ ન આપે. કેમ કે લોકોનો વિશ્વાસ તૂટી ગયો.
વિશ્વાસ કાચ જેવો છે. પડ્યો કે ટુકડા. જોડી શકાય, પણ તિરાડ દેખાય જ અને ઉધાર ન ચૂકવનાર માણસે પોતાના વિશ્વાસનો કાચ જાતે જ ફોડ્યો હોય છે.
પછી એ ગમે તેટલું સમજાવે, ગમે તેટલી દલીલ કરે, પણ લોકોની યાદશક્તિ લાંબી હોય છે. “એ માણસ પૈસા પાછા નથી આપતો” – આ વાક્ય એની ઓળખ બની જાય. આવી ઓળખ સાથે જીવવું એ મોતથી કમ નથી.

૫. સંબંધ બગાડવાના ધંધા અને મહોબ્બતમાં કીડા
ઉધાર એક એવો ધંધો છે જેમાં નફો ક્યારેય નથી થતો. આપનારનો સંબંધ જાય, લેનારની ઈજ્જત જાય. બંને ખાલી હાથે રહે.
અને મહોબ્બતમાં? પ્રેમમાં ઉધાર એટલે કીડા પાડવા જેવું છે. શરૂઆતમાં કંઈ દેખાય નહીં. “ચાલ આપી દઉં, એ પોતાનો છે”. પણ ધીમે-ધીમે કીડા આખા સંબંધને ખાઈ જાય.
પ્રેમમાં હિસાબ આવ્યો કે પ્રેમ જતો રહે. “મેં તને આટલું આપ્યું, તું શું આપ્યું?” આ સવાલ ઉઠ્યો કે સમજી જાઓ કે મહોબ્બત મરી ગઈ. હવે બાકી રહી છે ફક્ત લેણદેણની લડાઈ.
મહોબ્બત એટલે આપવું, માગવું નહીં. ઉધાર એટલે માગવું, આપવાની શરતે. બંને સાથે ક્યારેય ન ચાલે.
એ વાસ્તે પણ “સંબંધ બચાવવા હોય તો ઉધાર ટાળો”!

૧. સ્વાર્થથી બચોઃ મતલબ પૂરો થાય એટલે માણસ ન ભૂલો. આજે જેનો સાથ છે, કાલે એની જરૂર પડશે.
૨. ઉધારને ના કહોઃ મિત્રને પૈસા ન આપી શકો તો ના પાડી દો. પણ આપીને દુશ્મન ન બનાવો.
૩. વિશ્વાસ સાચવોઃ પૈસા જાય તો જવા દો. પણ વિશ્વાસ જાય તો બધું જાય. વિશ્વાસઘાતનું પ્રમાણપત્ર નહીં લ્યો!
૪. મહોબ્બતને હિસાબથી દૂર રાખોઃ પ્રેમમાં ઉધાર નહીં, ઉધારમાં પ્રેમ નહીં. બંને અલગ રાખો.

જીવન નાનું છે. એને હિસાબ-કિતાબમાં ન બગાડો. પૈસા કમાવા સહેલા છે, માણસ કમાવો અઘરો છે. અને માણસ ઉધારથી ક્યારેય કમાતો નથી, ગુમાવે જ છે.

યાદ રાખો સાહેબ, ખાલી ખિસ્સુ ફરી ભરી શકાય, પણ ખાલી થયેલું દિલ ક્યારેય ન ભરાય. અને ઉધારથી દિલ જ ખાલી થાય છે!

Related posts

Introducing the Epitome of Sporty Elegance: The Launch of U.S. Polo Assn. x His Highness Sawai Padmanabh Singh Collection

Reporter1

Work-life balance, career growth, and better pay are the top 3 expectations of Ahmedabad professionals from their employers

Reporter1

ભારતમાં આઈસ સ્કેટિંગનો ઇતિહાસ: તાતિયાના નવકા અને તેમની વૈશ્વિક ચેમ્પિયન્સની ટીમ સાથે એક અવિસ્મરણીય “શહેરઝાદે-આઈસ શો” હવે ટૂંક સમયમાં અમદાવાદમાં

Reporter1

Leave a Comment

Translate »