સૌરાષ્ટ્રથી ૯૦૦ કિ.મી. દૂર અટક્યું ચોમાસું!
આગામી ૩ થી ૪ દિવસ બાદ આ સિસ્ટમ ફરી સક્રિય થઈને ઓડિશા અને તેલંગાણા તરફ આગળ વધે તેવી સંભાવના છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧૯ જૂન ૨૦૨૬ — ગુજરાતના ખેડૂતો અને નાગરિકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા મહત્વનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય મોસમ વિજ્ઞાન વિભાગના વિવિધ મોડેલોના આધારે જાહેર કરાયેલી માહિતી મુજબ, ગુજરાતમાં ૨૫ જૂન પછી વિધિવત ચોમાસું બેસે તેવી શક્યતા છે. જો કે, રાહતની વાત એ છે કે પ્રશાંત મહાસાગરમાં સક્રિય અલ નીનોની નકારાત્મક અસરને ખાળવા માટે હિંદ મહાસાગરમાં પોઝિટિવ આઈ.ઓ.ડી. (Indian Ocean Dipole) ચોમાસા દરમિયાન મદદે નહીં આવે, તેમ છતાં સ્થાનિક મોસમ પલટો રાજ્યને વરસાદની અછતમાંથી ઉગારી શકે છે.
નૈઋત્યનું ચોમાસું ૪ જૂને કેરલમાં પ્રવેશીને ૮ જૂન ૨૦૨૬ના રોજ મહારાષ્ટ્રમાં પહોંચ્યું હતું. પરંતુ છેલ્લા ૧૦ દિવસથી સાનુકૂળ સંજોગો ન હોવાને કારણે ચોમાસું આગળ વધતું અટકી ગયું છે. હાલમાં ચોમાસું મહારાષ્ટ્રના દક્ષિણ વિસ્તારમાં સ્થિર થયું છે અને મુંબઈ સુધી પણ પહોંચ્યું નથી. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી આશરે ૯૦૦ કિ.મી. દૂર ચોમાસું સુસ્ત થઈને પડ્યું છે. આગામી ૩ થી ૪ દિવસ બાદ આ સિસ્ટમ ફરી સક્રિય થઈને ઓડિશા અને તેલંગાણા તરફ આગળ વધે તેવી સંભાવના છે. એકંદરે ૨૪ જૂન સુધી દેશભરમાં ચોમાસું નબળું રહેવાની આગાહી છે, પરંતુ ત્યારબાદ એક સપ્તાહમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની સાથે ગુજરાતમાં પણ ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. જો કે, આ વર્ષે વરસાદનું એકંદર પ્રમાણ સામાન્યથી ઓછું રહેવાનો અંદાજ છે.
રાજ્યમાં ભલે વિધિવત ચોમાસાના અણસાર હજુ સુધી દેખાયા ન હોય, પરંતુ પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ભરૂચ અને નર્મદાના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમવરસાદની સંભાવના છે. બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકથી મોસમનો મિજાજ બદલાયો છે અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં સવારના શરૂઆતના ૬ કલાકમાં જ ૪૬ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. હાલ પૂરતું વિધિવત ચોમાસું ક્યારે અને કઈ તારીખે આખા ગુજરાતને આવરી લેશે તે ચોક્કસ કહી શકાય તેમ નથી, પરંતુ ૨૫ જૂન પછીના સપ્તાહમાં વાતાવરણમાં મોટો ફેરફાર થવાની આશા સેવાઈ રહી છે.

