Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ભારતમાં સોનાનો મોટો ભંડાર મળ્યો, ૪ જગ્યાએ કરાશે માઇનિંગ

કિંમત હજારો કરોડોમાં ઉપજશે

રૂપિયા ૭,૫૦૦ કરોડથી વધુની કિંમતનું સોનું હોવાનો અંદાજ, જોન્નાગિરી ઉપરાંત અન્ય ૪ સંભવિત જગ્યાઓ મળી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરાવતી, તા.૨૦ જૂન ૨૦૨૬ — સમગ્ર વિશ્વમાં સોનાની વધતી માંગ અને આકાશને આંબતી કિંમતો વચ્ચે ભારતમાં સોનાનો એક મોટો ખજાનો હાથ લાગ્યો છે. દક્ષિણ ભારતના રાજ્ય આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં આવેલા જોન્નાગિરી ગામમાં અંદાજે ૫૦ ટન સોનાનો ભંડાર હોવાની પુષ્ટિ થઈ છે. આ મોટી શોધ બાદ આંધ્રપ્રદેશ આગામી થોડા જ વર્ષોમાં દેશમાં સોનાનો સૌથી મોટો સપ્લાયર પક્ષ બનીને ઉભરી શકે છે. આનાથી દેશમાં ન માત્ર સોનાનું સ્થાનિક ઉત્પાદન વધશે, પરંતુ સોનાની આયાત(ઇમ્પોર્ટ) પર ભારતની નિર્ભરતા પણ ઘણી ઓછી થશે. માઇન્સ વિભાગના અગ્ર સચિવ (પ્રિન્સિપલ સેક્રેટરી) મુકેશ કુમાર મીણાએ એક પત્રકાર પરિષદમાં આ અંગેની મહત્ત્વની વિગતો શેર કરી હતી. તેમણે જણાવ્યું કે, એકલા જોન્નાગિરીમાં જ અંદાજે ૫૦ ટન સોનું મોજૂદ હોવાનો અંદાજ છે. સ્થાનિક બજારમાં આ સોનાની અંદાજિત કિંમત આશરે રૂ.૭,૫૦૦ કરોડથી લઈને રૂ.૯,૦૦૦ કરોડની વચ્ચે હોવાનું માનવામાં આવે છે. લગભગ એક દાયકા પહેલા આ ગામમાં માઇનિંગ માટે ૧,૫૦૦ એકર જમીન ફાળવવામાં આવી હતી. હાલમાં માત્ર ૫૦૦ એકર જમીન પર જ ખોદકામ અને સંશોધન થયું છે, જેમાંથી ૧૩ ટન સોનાનો અંદાજ મળ્યો છે અને બાકીની ૧,૦૦૦ એકર જમીન પર શોધખોળ થતાં આ આંકડો ૫૦ ટન સુધી પહોંચી જશે.

રાજ્ય સરકાર આ ખનિજ-સમૃદ્ધ વિસ્તારોના વધુ વિકાસ માટે પ્લાનિંગ કરી રહી છે. મુકેશ કુમાર મીણાના જણાવ્યા અનુસાર, સોનાના માઇનિંગ માટે જોન્નાગિરી ઉપરાંત અન્ય ચાર સંભવિત જગ્યાઓની પણ ઓળખ કરવામાં આવી છે. આ યાદીમાં રામાગિરી, જવ્વકુલા, ચિગુરુકુંટા અને બિસ્નાટમનો સમાવેશ થાય છે. સોનાનું માઇનિંગ એ ખૂબ જ મોટું રોકાણ અને અત્યાધુનિક ટૅક્નોલૉજી માંગી લેતું કામ હોવાથી, સરકારે પારદર્શક ટેન્ડર પ્રક્રિયા દ્વારા આ માઇનિંગ રાઇટ્‌સ ખાનગી પ્લેયર્સને સોંપ્યા છે.

આ પ્રોજેક્ટ આંધ્રપ્રદેશ અને ભારતની માઇનિંગ મહત્ત્વાકાંક્ષાઓ માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થશે. જોન્નાગિરી ગોલ્ડ પ્રોજેક્ટમાં કોમર્શિયલ પ્રોડક્શન(વ્યાપારી ઉત્પાદન)ની પ્રક્રિયા પહેલેથી જ શરૂ કરી દેવામાં આવી છે. ચાલુ મહિનાના અંતમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ આ જોન્નાગિરી ગોલ્ડ માઇનિંગ પ્રોજેક્ટનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરીને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે.

Related posts

હવે છેલ્લી ઘડીએ પણ બદલી શકાશે બોર્ડિંગ પોઈન્ટ

Master Admin

JLR ઇન્ડિયાએ Q1 માં રિટેલ વેચાણ પ્રદર્શનનો રેકોર્ડ રજૂ કર્યો

Master Admin

નેપાળની હોનારત માત્ર એક ‘શરૂઆત’ છે, વૈશ્વિક તાપમાન વધતાં માનવજાત પર મોટું ‘સંકટ’?

Master Admin

Leave a Comment

Translate »