Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

યુદ્ધના ભણકારા? આકાશથી સમુદ્ર સુધી તાઇવાન ઘેરાયું

ચીનના ફાઇટર જેટ્‌સ અને યુદ્ધજહાજો તૈનાત

ચીનના ૮ યુદ્ધ જહાજો અને વિમાનો તાઈવાનની આસપાસ સક્રિય

(સંપૂર્ણ સમાચાર સેવા)
તાઈવાન, તા.૨૧ જૂન ૨૦૨૬ — ઈરાન-અમેરિકા અને ઈઝરાયલ-લેબેનોન વચ્ચે યુદ્ધ શાંત પડ્યા બાદ હવે ચીન-તાઈવાન વચ્ચે યુદ્ધ થવાના વાદળો ઘેરાઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ, તાઈવાનની આસપાસ ચીનની સૈન્ય ગતિવિધિઓ સતત વધી રહી છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયના દાવા મુજબ છેલ્લા બે દિવસમાં તાઈવાનની આસપાસ ચીનના ૧૭ યુદ્ધ જહાજો અને ૨૬ ફાઈટર પ્લેન જોવા મળ્યા છે, આમાંથી કેટલાક વિમાનો તાઈવાન પણ ઘૂસ્યા હતા.

મંત્રાલયે કહ્યું કે, શનિવાર (૨૦ જૂન) બાદ આજે રવિવારે (૨૧ જૂન) પણ તાઈવાનની આસપાસ ચીનના બે સૈન્ય વિમાનો, ૮ યુદ્ધ જહાજો અને ૪ સરકારી જહાજો જોવા મળ્યા છે. તાઈવાની સેના પણ ચીનની તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે અને વળતો જવાબ આપવાની તૈયારી પણ કરી લીધી છે. જો છેલ્લા ૨૧ દિવસની વાત કરીએ તો, ચીની વિમાનોના ૧૭૭ વખત, યુદ્ધ જહાજોના ૧૫૬ વખત અને સરકારી જહાજોના ૮૪ વખત તાઈવાનની આસપાસ આટાફેરા જોવા મળ્યા હોવાનો મંત્રાલયે દાવો કર્યો છે.

તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી આપી છે કે, ‘રવિવારે સવારે ૮.૧૦ કલાકે પીપુલ્સ લિબરેશન આર્મી (PLA)ના વિવિધ પ્રકારના ૨૧ વિમાનો અને પીપુલ્સ લિબરેશન આર્મી નેવી (PLAN)ના આઠ જહાજો તાઈવાનની આસપાસ સક્રિય જોવા મળ્યા છે. આમાંથી ૧૯ વિમાનો તાઈવાનના એર ડિફેન્સ આઈડેન્ટિફિકેશન ઝોન (ADIZ)ના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં પ્રવેશ્યા હતા અને લાંબા અંતરની ઉડાન ભરીને પશ્ચિમ પ્રશાંત મહાસાગર તરફ આગળ વધ્યા હતા. તાઈવાનની સશસ્ત્ર સેનાઓ આ સંપૂર્ણ ઘટનાક્રમ પર સતત નજર રાખી રહી છે.’

શનિવારે (૨૦ જૂન) પણ તાઈવાનની આસપાસ ચીની સેનાની ગતિવિધિ જોવા મળી હતી. આ દરમિયાન ચીનના ૫ ફાઈટર પ્લેન, ૯ યુદ્ધ જહાજો અને ૫ સરકારી જહાજો તાઈવાનની આસપાસ ફરકી રહ્યા હતા. આમાંથી એક વિમાન તાઈવાન સ્ટ્રેટની મધ્ય રેખા પાર કરીને તાઈવાનના દક્ષિણ-પશ્ચિમ એર ડિફેન્સ આઈડેન્ટિફિકેશન ઝોનમાં પહોંચી ગયું હતું, ત્યારબાદ તાઈવાની સેનાએ તુરંત કાર્યવાહી કરી હતી. ૧૯ જૂને પણ ચીનના ૪ સૈન્ય વિમાનો, ૮ યુદ્ધ જહાજો અને ૩ સરકારી જહાજોની ગતિવિધિ જોવા મળી છે, આમાંથી ૪ છડ્ઢૈંઢમાં પ્રવેશ્યા હતા.

બંને દેશો વચ્ચે દાયકાઓથી દુશ્મની ચાલી રહી છે. ચીન અવારનવાર દાવો કરતું રહ્યું છે કે, તાઈવાન તેમનો દેશ છે અને ભવિષ્યમાં તેને ચીનમાં ભેળવવાની પણ વાત કરતું રહ્યું છે. બીજીતરફ તાઈવાન પોતાને એક સ્વતંત્ર અને લોકશાહી દેશ માને છે. તાઈવાને સ્પષ્ટ કહ્યું છે કે, અમારી પોતાની સરકાર, સેના અને આર્થિક વ્યવસ્થા છે. રિપોર્ટ મુજબ, ચીન ઘણા સમયથી તાઈવાન ઉપર સૈન્ય દબાણ વધારી રહ્યું છે. ચીન તાઈવાનની આસપાસ વારંવાર ફાઈટર જેટ, ડ્રોન અને યુદ્ધ જહાજો મોકલીને પોતાની શક્તિનું પ્રદર્શન કરતું રહે છે. ચીનને વળતો જવાબ આપવા માટે તાઈવાન પણ પોતાની સંરક્ષણ તૈયારીઓ વધારી રહ્યું છે.

Related posts

ઈઝરાયલને વિશ્વાસમાં લીધા વિના જ ઈરાન યુદ્ધમાં ટ્રમ્પે કર્યો ખેલ!

Master Admin

બલૂચિસ્તાનમાં BLA નો હુમલો, ૪૫ પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો

Reporter1

અમેરિકામાં ભીષણ વિન્ટર સ્ટોર્મમાં ૧૨ના મોતઃ ૨૦ કરોડથી વધુ લોકોને અસર

Master Admin

Leave a Comment

Translate »