ઓપનર વૈભવ સૂર્યવંશીએ અદભુત પ્રદર્શન કર્યું
ભારતીય ટીમના ૩૭૭ રનના વિશાળ સ્કોર સામે શ્રીલંકાની આખી ટીમ ૩૧૧ રન બનાવીને ઓલઆઉટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દામ્બુલા, તા.૨૧ જૂન ૨૦૨૬ — દામ્બુલાના રણગિરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ટ્રાય સિરીઝની રોમાંચક ફાઈનલ મેચમાં ઈન્ડિયા-છ ટીમે શ્રીલંકા-છ સામે ૬૬ રને શાનદાર વિજય મેળવીને ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ૯ વિકેટે ૩૭૭ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં શ્રીલંકાની આખી ટીમ ૪૭.૧ ઓવરમાં ૩૧૧ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે જ ભારતે ટુર્નામેન્ટમાં પોતાની તાકાતનો પરિચય આપ્યો છે.
ભારતની આ ઐતિહાસિક જીતમાં ઓપનર વૈભવ સૂર્યવંશીએ અદભુત પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર ૧૧ બોલમાં ૫ ચોગ્ગા અને ૫ છગ્ગાની મદદથી પોતાની તોફાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે મેચના ત્રીજા ઓવરમાં જ ૨૬ રન ઝૂડી કાઢીને ટીમનો સ્કોર ૩ ઓવરમાં ૫૦ રનને પાર પહોંચાડ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ માત્ર ૯ ઓવર રમીને ૯૨ રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી, જેના કારણે ભારત એક મોટા સ્કોર તરફ આગળ વધી શક્યું હતું.
વૈભવ ઉપરાંત ભારતીય ઈનિંગ્સમાં પ્રિયાંશ આર્યાએ ૩૯ રન અને ઋતુરાજ ગાયકવાડે ૪૦ રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે કેપ્ટન તિલક વર્માએ જવાબદારીપૂર્વક બેટિંગ કરતા ૯૦ બોલમાં ૬૭ રન બનાવ્યા હતા. મધ્યમ ક્રમમાં કુમાર કુશાગ્રના ૩૬ રન અને અંતિમ ઓવરોમાં અનુકૂલ રોયે માત્ર ૧૫ બોલમાં ફટકારેલા ધમાકેદાર ૩૯ રનની મદદથી ભારતે શ્રીલંકા સામે ૩૭૮ રનનો મજબૂત લક્ષ્યાંક મૂક્યો હતો.
૩૭૮ રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકા-છ ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ભારતીય બોલર યશ ઠાકુરે પાવરપ્લેમાં જ ઓપનર નિરોશન ડિકવેલા (૨૫ રન), અવિષ્કા ફર્નાન્ડો (૩ રન) અને નુવાનીદુ ફર્નાન્ડો (૨૧ રન)ને આઉટ કરીને શ્રીલંકાની કમર તોડી નાખી હતી. ત્યારબાદ સદીરા સમરવિક્રમાના ૫૨ રન અને કેપ્ટન સહાન અરાચિગેના ૩૮ રનની મદદથી શ્રીલંકાએ વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ લાંબો સમય ટકી શક્યા નહોતા.
શ્રીલંકા તરફથી વાનુજા સહાને સૌથી વધુ ૬૨ રન અને વિજયકાંત વ્યાસકાંતે ૩૯ રન બનાવીને લડત આપી હતી. જોકે, ભારતીય બોલરોના નિયમિત અંતરે પ્રહારોના કારણે શ્રીલંકાની ટીમ લક્ષ્યથી ઘણી દૂર રહી ગઈ હતી.
ભારત તરફથી બોલિંગમાં વિપ્રજ નિગમ અને યશ ઠાકુરે શાનદાર પ્રદર્શન કરતા ૩-૩ વિકેટ ઝડપી હતી. આ સિવાય અનુકૂલ રોયને ૨ સફળતા મળી હતી, જ્યારે કેપ્ટન તિલક વર્મા અને અશોક શર્માએ ૧-૧ વિકેટ મેળવીને ભારતની જીત નિશ્ચિત કરી હતી.
