૩૦૦થી વધુ લોકો બેઘર થયા
ભૌગોલિક દ્રષ્ટિએ પેરુ પ્રશાંત મહાસાગરના ‘રિંગ ઑફ ફાયર વિસ્તારમાં આવેલું છે, જેના કારણે અહીં વારંવાર નાના-મોટા ભૂકંપ આવતા રહે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પેરુ, તા.૨૦મી જુલાઈ ૨૦૨૬ — દક્ષિણ અમેરિકાના પેરુ દેશમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પેરુના એન્ડીઝ પર્વતીય વિસ્તારમાં આવેલા એક શક્તિશાળી ભૂકંપના કારણે ભારે તબાહી મચી છે. અધિકારીઓએ રવિવારે આપેલી માહિતી અનુસાર, આ કુદરતી આપત્તિમાં ૫ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે ૨૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ભૂકંપ એટલો તીવ્ર હતો કે તેના કારણે અનેક લોકોએ પોતાના ઘર ગુમાવ્યા છે અને હાલમાં ૩૦૦થી વધુ લોકો બેઘર થઈ ગયા છે. યુએસ જિઓલોજિકલ સર્વે ના રિપોર્ટ પ્રમાણે, શનિવારે રાત્રે ૯ઃ૨૪ વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૫ નોંધાઈ હતી.આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હુઆનકાયો પ્રાંતના સિકાયા શહેરથી બે કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં જમીનથી માત્ર ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. ઓછા ઊંડાણને કારણે ભૂકંપના આંચકા ખૂબ જ તીવ્ર અને વિનાશક સાબિત થયા હતા. પેરુની નેશનલ સિવિલ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું છે કે, ભૂકંપના કારણે વિસ્તારની અનેક ઇમારત અને સ્થાનિક ચર્ચ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા છે અથવા તેમને મોટું નુકસાન પહોંચ્યું છે. આ દુર્ઘટનામાં હજુ પણ કેટલા લોકો ગુમ છે તેનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી, જેથી બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.સ્થાનિક સિવિલ ડિફેન્સ ઑફિસના વડા લુઈસ વાસ્કેજે જણાવ્યું હતું કે, એન્ડીઝના આ પર્વતીય વિસ્તારમાં મોટાભાગનું બાંધકામ પરંપરાગત શૈલીમાં માટી અને કાચી ઈંટોથી કરવામાં આવ્યું હતું. મકાનો નબળા હોવાના કારણે ભૂકંપનો આંચકો સહન ન કરી શક્યા અને પત્તાની જેમ વિખેરાઈ ગયા, જેના લીધે જાનમાલનું નુકસાન વધી ગયું છે.ભૌગોલિક દ્રષ્ટિએ પેરુ પ્રશાંત મહાસાગરના ‘રિંગ ઑફ ફાયર વિસ્તારમાં આવેલું છે, જેના કારણે અહીં વારંવાર નાના-મોટા ભૂકંપ આવતા રહે છે. આ અગાઉ વર્ષ ૨૦૦૭માં પેરુના પિસ્કો પ્રાંતમાં ૭.૯ની તીવ્રતાનો અત્યંત ભયાનક ભૂકંપ આવ્યો હતો, જેમાં અંદાજે ૬૦૦ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. હાલની પરિસ્થિતિને જોતા તંત્ર દ્વારા અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

