Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

યોગીના ગઢમાં આનંદી બહેને સરકારની પોલ ખોલી

અહીં અનેક ખામીઓ છે, તે મારે બતાવવી પડશે…

તેમણે વીજળી, પાણી, ગંદકી અને યુવા પેઢીમાં વધી રહેલા ડ્રગ્સ-દારૂના દૂષણ પર ચિંતા વ્યક્ત કરી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનૌ, તા.૭ ઓગસ્ટ ૨૦૨૬ — દીનદયાળ ઉપાધ્યાય ગોરખપુર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આનંદીબહેન પટેલે મુખ્યમંત્રીના જ ગૃહનગર ગોરખપુરની વ્યવસ્થાઓ પર સવાલો ઉઠાવતા તંત્ર સામે લાલ આંખ કરી છે. તેમણે ખુલ્લેઆમ જણાવ્યું કે જો સીએમ સિટીમાં જ આવી કમી રહેશે, તો અન્ય જગ્યાઓની શું સ્થિતિ હશે. રાજ્યપાલે પોતાના સંબોધનમાં વીજળી, પાણી, પંખાની અછત, ગંદકી તેમજ યુવા પેઢીમાં વધી રહેલા ડ્રગ્સ અને દારૂના દૂષણ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હોસ્ટેલ અને શૈક્ષણિક પરિસરમાં રહેલી આ મૂળભૂત સમસ્યાઓ તંત્રની બેદરકારી દર્શાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દીનદયાળ ઉપાધ્યાય ગોરખપુર યુનિવર્સિટીના ૪૫મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ અને કુલાધિપતિ આનંદીબહેન પટેલે માત્ર ઔપચારિક સંબોધન કરવાને બદલે એક માતા તરીકે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે વિદ્યાર્થીઓના ઉત્તમ ભવિષ્ય માટે ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે શુદ્ધ અને પૌષ્ટિક આહાર પણ એટલો જ મહત્ત્વનો છે.
તેમણે ખાસ કરીને બોયઝ હોસ્ટેલમાં બહારથી ટિફિન મંગાવવાની પ્રથા સામે સખત સવાલો ઉઠાવ્યા હતા અને આ ટિફિન વ્યવસ્થા તાત્કાલિક ધોરણે બંધ કરાવવા કડક આદેશ આપ્યો હતો, કારણ કે અશુદ્ધ ભોજનથી વિદ્યાર્થીઓનો માનસિક વિકાસ પ્રભાવિત થાય છે.

કુલાધિપતિએ દીક્ષા સમારોહ પહેલાં હોસ્ટેલના રસોડાની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ભોજન બનવાની સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ખાદ્ય સામગ્રીના ડબ્બા ખુલાવીને ચકાસણી કરી હતી તથા વપરાતા ખાદ્ય તેલ વિશે માહિતી મેળવી હતી. સેમ્પલ બદલવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તેમણે તેલના બે નમૂના લીધા હતા. જેમાંથી એકની સ્થાનિક સ્તરે અને બીજાની લખનઉમાં સ્વતંત્ર તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે. જેથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય.

વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા રાજ્યપાલે જણાવ્યું હતું કે ડિગ્રી માત્ર વ્યક્તિને ઓળખ અપાવે છે, પરંતુ તેનું અસલી ચરિત્ર જ સમાજમાં સન્માન અપાવે છે. તેમણે આહ્વાન કર્યું કે યુવાનોએ પોતાની શિક્ષા અને કૌશલ્યનો ઉપયોગ સમાજ, રાષ્ટ્ર તથા માનવતાની સેવા માટે કરવો જોઈએ. ગોરખપુરની પવિત્ર ધરતીની પ્રેરણાઓ યાદ અપાવતાં તેમણે અંત્યોદયની ભાવના સાથે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, આગામી ૩ મહિનામાં હોસ્ટેલની તમામ મરામતની કામગીરી પૂરી કરવા કડક સૂચના આપવામાં આવી છે.

આ વર્ષે યુનિવર્સિટી દ્વારા કુલ ૭૪,૪૮૧ વિદ્યાર્થીઓને ડિગ્રીઓ એનાયત કરવામાં આવી છે, જેમાં બે-તૃતિયાંશ કરતાં વધુ દીકરીઓ સામેલ છે. દીકરીઓની સિદ્ધિઓની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે ‘પૂર્વાંચલની દીકરીઓ શારીરિક રીતે ભલે નાજુક દેખાતી હોય, પરંતુ માનસિક રીતે અત્યંત મજબૂત અને દૃઢ ઇચ્છાશક્તિ ધરાવતી હોય છે.’

Related posts

તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી ૯૯% રાશન મોંઘું થયું

Master Admin

‘જરાય શરમ રહી નથી, જોકરોનો શૉ ચાલી રહ્યો છે’ : ઓબામા

Master Admin

શરાબ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિર્દોષ જાહેર

Master Admin

Leave a Comment

Translate »