Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

૮ અને ૯ ઓગસ્ટે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં યલો એલર્ટ

ગુજરાતમાં ત્રણ ભયાનક વરસાદી સિસ્ટમ સક્રિય

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યા બાદ વધેલા બફારા વચ્ચે ફરી ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૭ ઓગસ્ટ ૨૦૨૬ — રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જોર ઘટ્યા બાદ ઉઘાડ અને અસહ્ય બફારાનો અનુભવ થઈ રહ્યો હતો. જોકે, હવે હવામાન વિભાગે ફરી એકવાર ગાજવીજ અને પવન સાથે વરસાદી ઈનિંગ શરૂ થવાની આગાહી કરી છે. વાતાવરણમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે ઓગસ્ટ મહિનાના અંતરિયાળ દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ ત્રણ અલગ-અલગ સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે ૮ અને ૯ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મુસળધાર વરસાદ પડી શકે છે. સમુદ્રમાં પવનની ગતિ તીવ્ર થવાની સંભાવનાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. ૮ ઓગસ્ટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હોવાથી ’યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. ૯ ઓગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટ યથાવત્‌ રહેશે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ હવામાન વિભાગે દહેશત વ્યક્ત કરી છે.

ચાલુ સિઝનમાં ૭ ઓગસ્ટની સવાર સુધીમાં રાજ્યમાં કુલ સરેરાશ ૨૫.૦૮ ઇંચ (૭૦.૧૦%) વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સામાન્ય રીતે ૧ જૂનથી ૭ ઓગસ્ટ સુધીમાં ૪૩૩ મિમી વરસાદ થતો હોય છે, જેની સામે આ વર્ષે ૪૮૧ મિમી (૧૧% વધુ) વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હજુ સુધી સામાન્ય કરતાં આશરે ૧૫ ટકા ઓછો વરસાદ નોંધાયો છે, ત્યારે આગામી દિવસોની નવી વરસાદી સિસ્ટમથી આ વિસ્તારોમાં પણ પાણીની અછત દૂર થાય તેવી આશા સેવાઈ રહી છે.

Related posts

સૌરાષ્ટ્રના ખેડૂત નેતા રાજુ કરપડાએ કેસરિયા કર્યા

Master Admin

ગુજરાતમાં દરરોજ સરેરાશ પચ્ચીસ લોકોએ આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું

Master Admin

ગેનીબેન-મેવાણી-શક્તિસિંહને નવી જવાબદારી સોંપવામાં આવી

Master Admin

Leave a Comment

Translate »