Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

અમદાવાદ કાલુપુર લૂંટ કેસમાં બે રીઢા ગુનેગારો ઝબ્બે

અકસ્માત સર્જીને લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ

આરોપીઓએ ફરિયાદીના વાહનને જાણી જોઈને ટક્કર મારી રોકડ ભરેલી થેલી ઝૂંટવી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૦ ઓગસ્ટ ૨૦૨૬ –– અમદાવાદના કાલુપુરમાં ગઈકાલે રવિવારે વહેલી સવારે એક ટુ-વ્હીલર ચાલકને ટક્કર મારીને ૨,૩૯,૦૦૦ રૂપિયાની રોકડ રકમની લૂંટની ઘટના સામે આવી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવામાં અમદાવાદ શહેરની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (ન્ઝ્રમ્) ઝોન-૩ પોલીસને સફળતા મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ લૂંટ કરનાર બે રીઢા આરોપીઓની ધરપકડ કરી છે અને તેઓની પાસેથી લૂંટની રોકડ રકમ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગત ૯ ઓગસ્ટના રોજ સવારે ૬ઃ૧૫ વાગ્યે કાલુપુર ઘી કાંટા ચાર રસ્તા, બુટગલી પાસે ફરિયાદી પોતાનું ટુ-વ્હીલર લઈને પસાર થઈ રહ્યા હતા. આ સમયે આરોપીઓએ પોતાનું ટુ-વ્હીલર જાણી જોઈને ફરિયાદીના વાહન સાથે અથડાવીને તેમને નીચે પાડી દીધા હતા. ત્યારબાદ ફરિયાદી પાસેથી રોકડ રકમ ભરેલી થેલી ઝૂંટવીને તેઓ ફરાર થઈ ગયા હતા.

ચોક્કસ બાતમીના આધારે ન્ઝ્રમ્ ઝોન-૩ પોલીસે ૧૦ ઓગસ્ટના રોજ આરોપી મોહમદ શાહરુખ ઉર્ફે કેલા અંસારી અને જાફર ઉસ્માનભાઈ શેખ (બંને રહે. રખિયાલ)ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા ૨,૩૯,૦૦૦ રૂપિયા, બે મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ વાહન સહિત કુલ ૩,૦૫,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે. મુખ્ય આરોપી મોહમદ શાહરુખ ઉર્ફે કેલા અંસારી અગાઉ મણીનગર, ખોખરા અને નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ બનીને ગુના આચરવાના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે. આ ઉપરાંત તેની સામે ઓઢવ, અમરાઈવાડી અને ટ્રાફિક પોલીસ મથકોમાં પણ ચોરી તથા મારામારીના ગુના નોંધાયેલા છે. બીજા આરોપી જાફર શેખ સામે પણ રખિયાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે બંને સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

વિદ્યાર્થીઓના વિકાસ માટે પ્રેરણાદાયક માર્ગદર્શન: હર્ષ દવે દ્વારા મહત્વપૂર્ણ સંવાદ

Master Admin

ડ્રાય સ્ટેટ ગુજરાતમાં બનાસકાંઠા બાદ ભાવનગરમાં પકડાઈ નકલી દારૂની ફેક્ટરી

Master Admin

નરોડામાં અદ્યતન “HCG આસ્થા ડે કેર સેન્ટર”નો પ્રારંભ – કેન્સર સારવાર હવે વધુ સરળ અને સુલભ

Master Admin

Leave a Comment

Translate »