Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrimeGujarat

અમદાવાદમાં ૯.૯૨૦ કિલો ગાંજા સાથે મહિલા સહિત બેની ધરપકડ

ઓડિશાથી ગુજરાતમાં ગાંજાનો જથ્થો લાવ્યાની આશંકા

આ કેસમાં જૂનાગઢના કરીમશા મહેબુબશા રફાઈ અને રિજવાના આમદભાઈ સેહતાની ધરપકડ કરવામાં આવી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૮ ઓક્ટોબર ૨૦૨૬ –– અમદાવાદ શહેરને નશામુક્ત બનાવવા માટે ચાલી રહેલી વિશેષ ડ્રાઇવ અંતર્ગત વટવા નાર્કોટિક્સ સ્ક્વોડે આંતરરાજ્ય ગાંજા સપ્લાય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. એસ.પી. રિંગ રોડ પર રોપડા ચાર રસ્તા નજીકથી પોલીસે ૯.૯૨૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. જપ્ત કરાયેલા ગાંજાની અંદાજિત કિંમત ૪.૯૬ લાખ હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં જૂનાગઢના કરીમશા મહેબુબશા રફાઈ અને રિજવાના આમદભાઈ સેહતાની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસને મળેલી બાતમીના આધારે નાર્કોટિક્સ સ્ક્વોડે રોપડા ચાર રસ્તા નજીક નાકાબંધી ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થતા બે વ્યક્તિઓને રોકીને તપાસ કરતાં તેમની પાસેથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ ગાંજો ઓડિશાથી ટ્રેન અથવા ખાનગી વાહન મારફતે ગુજરાત લાવવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ જથ્થો સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવાનો હતો કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.

પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત ૫,૨૭૦ રોકડા, બે મોબાઇલ ફોન, કોટક મહિન્દ્રા બેંકનું ડેબિટ કાર્ડ અને અન્ય ઓળખસંબંધિત દસ્તાવેજો કબજે કર્યા છે. તપાસકર્તાઓ હવે મોબાઇલ ફોનની વિગતો અને નાણાકીય વ્યવહારોની તપાસ દ્વારા આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઓડિશાના ઝારસુગુડામાં રહેતા રબીદાસ નામના શખ્સે ગાંજાનો જથ્થો સપ્લાય કર્યો હોવાની વિગતો સામે આવી હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત જૂનાગઢના આદિલ અશરફભાઈ સૈયદ અને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં રહેતા ફૈઝાન મેમણની સંડોવણી હોવાની આશંકા પણ તપાસ હેઠળ છે.પોલીસ આ તમામ વ્યક્તિઓ વચ્ચેના સંપર્કો, કોલ ડિટેઇલ્સ અને બેંક વ્યવહારોની તપાસ કરી રહી છે, જેથી ગાંજાની ખરીદી, હેરફેર અને સપ્લાય સાથે સંકળાયેલી કડીઓ મેળવી શકાય.

આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (દ્ગડ્ઢઁજી) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરાર શંકાસ્પદ વ્યક્તિઓને શોધવા માટે પણ કાર્યવાહી હાથ ધરવાની તૈયારી ચાલી રહી છે. પોલીસની તપાસમાં આ નેટવર્કના અન્ય સંભવિત સભ્યો અને ગાંજાના સપ્લાયના સમગ્ર માર્ગ અંગે વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.

Related posts

શિક્ષણ સમિતિના ભાજપના સભ્યએ સોશિયલ મીડિયામાં મુકેલી પોસ્ટથી ખળભળાટ

Master Admin

મધ્ય પૂર્વ એશિયામાં યુધ્ધની પરિસ્થિતિના કારણે બાંધકામના રૉ મટીરીયલ્સના અનિયમિત સપ્લાય તેમજ ભાવમાં થયેલ અતિશય વધારાના કારણે પડેલ ગંભીર અસરોને પહોંચી વળવા અનિચ્છાએ પ્રોપર્ટીના યુનીટકોસ્ટ વધારવા બાબત

Master Admin

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો

Master Admin

Leave a Comment

Translate »