Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની તૈયારીઓ વચ્ચે હોબાળો

ગંદકીના પ્રશ્નનું સંપૂર્ણ નિરાકરણ લાવી દેવાયું

મુખ્યમંત્રીના રૂટ સામે કચરાના ઢગલા દેખાતા પાલિકા પ્રમુખે ચીફ ઓફિસરને સ્થળ પર જ ખખડાવ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલી,તા.૧૨ ઓગસ્ટ ૨૦૨૬ — અમરેલીમાં ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ વૈશાલી માંગરોળિયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.આ વાયરલ થયેલા વીડિયોને કારણે સ્થાનિક રાજકારણ અને વહીવટી તંત્રમાં ભારે ગરમાવો લાવી દીધો છે.

આગામી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાનારા કાર્યક્રમો અને રાજ્યના મુખ્યમંત્રીના પ્રસ્તાવિત રૂટની નિરીક્ષણ કામગીરી દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર ઠેર-ઠેર કચરાના મોટા ઢગલાઓ જોઈને પાલિકા પ્રમુખ ભારે નારાજ થઈ ગયા હતા.ભાજપ પોતે સત્તાસ્થાને હોવા છતાં પાલિકાના અધિકારીઓ પ્રમુખ કે પ્રજાના પ્રતિનિધિઓને ગાંઠતા નથી તેવા ગંભીર સવાલો પણ આ ઘટના બાદ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,ગત રાત્રીએ પાલિકા પ્રમુખ વૈશાલી માંગરોળિયાએ રૂટ પર ગંદકી અને કચરાના સામ્રાજ્યને જોઈને તાત્કાલિક સ્થળ પર જ ચીફ ઓફિસર તેમજ આરોગ્ય વિભાગના જવાબદારી સંભાળતા અધિકારીઓને બોલાવ્યા હતા. મુખ્યમંત્રીના આવવાના રૂટ પર જ આવી ગંભીર બેદરકારી સામે આવતાં ઉશ્કેરાયેલા પાલિકા પ્રમુખે તમામ અધિકારીઓને સ્થળ પર જ બરાબરના ખખડાવ્યા હતા.તેમણે અધિકારીઓની કાર્યશૈલી સામે ભારે વિરોધ દર્શાવી તાત્કાલિક સફાઈ કામગીરી પૂર્ણ કરવા કડક સૂચનાઓ આપી હતી.રાત્રિના સમયે બનેલી આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થઈ જતાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ વિવાદ સામે આવ્યા બાદ વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.ગત રાત્રીએ પ્રમુખ દ્વારા અધિકારીઓનો ઉધડો લેવાયા બાદ ત્વરિત ધોરણે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.આ અંગે બીજા દિવસે પાલિકાના એડિશનલ કમિશનરે નિવેદન આપતાં જણાવ્યું હતું કે,પ્રમુખ દ્વારા ધ્યાન દોરવામાં આવેલા તમામ સ્થળો પરથી કચરો હટાવી લેવામાં આવ્યો છે અને ગંદકીના પ્રશ્નનું સંપૂર્ણ નિરાકરણ લાવી દેવાયું છે.જોકે,આ ઘટનાએ ઉજવણી પહેલાં જ પાલિકાના આંતરિક તાલમેલ અને અધિકારીઓની નિષ્ક્રિયતાની પોલ ખોલી નાખી છે.

Related posts

મંદિરોમાં દાનપેટીની ચોરી કરનાર ટોળકીના બે સાગરિતો ઝડપાયા

Master Admin

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે

Master Admin

શિક્ષણ સમિતિના ભાજપના સભ્યએ સોશિયલ મીડિયામાં મુકેલી પોસ્ટથી ખળભળાટ

Master Admin

Leave a Comment

Translate »