વકીલોએ આગ બુઝાવી, તેને હોસ્પિટલ ખસેડાયો
મેટ્રોપોલિટન કોર્ટમાં ભરણપોષણ કેસની સુનાવણી બાદ પતિ પરાગ શાહે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૦ ઓગસ્ટ ૨૦૨૬ — અમદાવાદ શહેરના ઘીકાંટા સ્થિત મેટ્રોપોલિટન કોર્ટ પરિસરમાં એક યુવકે પોતાના પર જ્વલનશીલ પદાર્થ છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હોવાની ગંભીર ઘટના આજે ૨૦મી ઓગસ્ટને ગુરુવારે સામે આવી છે. દંપતી વચ્ચે ચાલી રહેલા ભરણપોષણના કેસની સુનાવણી બાદ ઉશ્કેરાયેલા પતિએ કોર્ટ રૂમની બહાર આવી પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતાં કોર્ટ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, હાજર વકીલો અને પ્રત્યક્ષદર્શીઓની સમયસૂચકતાના કારણે ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.મળતી માહિતી મુજબ, અમદાવાદમાં રહેતી ફાલ્ગુની પરાગભાઈ શાહે વર્ષ ૨૦૨૪માં તેમના પતિ પરાગ શાહ સામે મેટ્રોકોર્ટમાં ભરણપોષણની અરજી દાખલ કરી હતી. કેસની સુનાવણી બાદ અદાલતે પતિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ કર્યો હતો. જોકે, પરાગ શાહ દ્વારા નિર્ધારિત રકમની ચુકવણી ન થતાં કોર્ટે તેની સામે રિકવરી વોરંટ ઇશ્યૂ કર્યું હતું. આ કેસની વધુ સુનાવણી માટે પરાગ શાહ આજે કોર્ટ નંબર-૧૯માં હાજર રહ્યો હતો. સુનાવણી દરમિયાન પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં પરાગ શાહ ઉશ્કેરાઈ ગયો હતો. બાદમાં તે કોર્ટ રૂમની બહાર નીકળી કોર્ટ પરિસરમાં જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
કોર્ટ પરિસરમાં પરાગ શાહે પોતાની પાસે રહેલો જ્વલનશીલ પદાર્થ પોતાના શરીર પર છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. જોતજોતામાં આગ ભભૂકી ઊઠતાં કોર્ટ પરિસરમાં દોડધામ અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાસ્થળે હાજર વકીલો અને નાગરિકોએ તાત્કાલિક આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત પરાગ શાહને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ તેની તબિયત હાલ સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટનાએ મેટ્રોકોર્ટની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. દરરોજ અંદાજે ૧૦ હજારથી વધુ લોકોની અવરજવર ધરાવતા કોર્ટ પરિસરમાં કોઈ વ્યક્તિ સરળતાથી જ્વલનશીલ પદાર્થ લઈને પ્રવેશી ગયો હોવાની ઘટના ચિંતાજનક માનવામાં આવી રહી છે. વકીલ વર્તુળોમાંથી ઉઠેલા આક્ષેપો મુજબ કોર્ટના પ્રવેશદ્વારો પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા, મેટલ ડિટેક્ટર અને અસરકારક ચેકિંગની વ્યવસ્થા ઉપલબ્ધ નથી.ઉપરાંત, પૂરતા પોલીસ બંદોબસ્તના અભાવે સમગ્ર સુરક્ષા વ્યવસ્થા મોટા ભાગે હોમગાર્ડના ભરોસે ચાલી રહી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. વકીલોનું કહેવું છે કે આજે કોઈ વ્યક્તિ જ્વલનશીલ પદાર્થ લઈને અંદર પ્રવેશી ગયો છે, ત્યારે ભવિષ્યમાં કોઈ હથિયાર કે અન્ય જોખમી સામગ્રી સાથે પ્રવેશી ગંભીર ઘટના સર્જે તો તેની જવાબદારી કોણ લેશે? ઘટનાના પગલે કોર્ટ પરિસરમાં તાત્કાલિક કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ વધુ પ્રબળ બની છે
