Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

ગુજરાત પોલીસમાં એકસાથે ૪૧૪ કર્મચારીઓની આંતરજિલ્લા બદલી

નિયત સમયમર્યાદામાં નવી ફરજ પર હાજર થવાનું રહેશે

જાહેર કરાયેલી બદલી યાદી મુજબ, પોલીસ વિભાગના જુદા જુદા કેડરના કર્મચારીઓનો આમાં સમાવેશ થાય છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૧ ઓગસ્ટ ૨૦૨૬ –– ગુજરાત પોલીસ વિભાગમાં લાંબા સમયથી બદલીની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. DGP અને મુખ્ય પોલીસ અધિકારીની મંજૂરી બાદ વિવિધ પોલીસ એકમોમાં ફરજ બજાવતા કુલ ૪૧૪ પોલીસ કર્મચારીઓની આંતરજિલ્લા બદલીના આદેશો જાહેર કરાયા છે.

જાહેર કરાયેલી બદલી યાદી મુજબ, પોલીસ વિભાગના જુદા જુદા કેડરના કર્મચારીઓનો આમાં સમાવેશ થાય છે. જેમાં અનાર્મડ કોન્સ્ટેબલ અને લોકરક્ષક (UPC/ULR) કક્ષાના ૨૨૬, આર્મડ કોન્સ્ટેબલ અને લોકરક્ષક (APC/ALR) કક્ષાના ૧૨૯ તેમજ અનાર્મડ અને આર્મડ હેડ કોન્સ્ટેબલ (UHC/AHC) કક્ષાના ૫૯ કર્મચારીઓની નવી જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે.

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરો ઉપરાંત બનાસકાંઠા, પંચમહાલ, જૂનાગઢ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં ગ્રામ્યથી શહેર અને શહેરમાંથી જિલ્લા કક્ષાએ વ્યાપક ફેરબદલ કરવામાં આવ્યા છે. આ નિર્ણયમાં ખાસ કરીને પતિ-પત્ની બંને સરકારી સેવામાં હોય અને કૌટુંબિક પરિસ્થિતિને લીધે રજૂઆતો કરી હોય તેવા કિસ્સાઓને અગ્રતા આપીને કર્મચારીઓને મોટી રાહત આપવામાં આવી છે.

પોલીસ વડા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે બદલી પામેલા તમામ કર્મચારીઓએ નિયત સમયમર્યાદામાં પોતાની નવી ફરજ પર હાજર થવાનું રહેશે. આ ઉપરાંત, નવી જગ્યાએ ચાર્જ સંભાળ્યા બાદ તાત્કાલિક ધોરણે જૂની જગ્યાએ પરત બદલી માટેની કોઈ અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. જો કોઈ કર્મચારી સામે વિભાગીય તપાસ કે ગંભીર ગુનાની તપાસ ચાલુ હશે, તો તેમણે આદેશમાં દર્શાવેલી વિશેષ શરતો અને નિયમો અનુસાર જ આગળની કાર્યવાહી કરવાની રહેશે.

Related posts

ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો

Master Admin

આંતરરાષ્ટ્રીય ક્રિકેટર કશ્યપ પ્રજાપતિ વેલીયન્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા

Master Admin

ખેતિકા અને IIM અમદાવાદે ભારતમાં સ્વચ્છ ખોરાક માળખાને આકાર આપવા માટે એક મહત્વપૂર્ણ ભાગીદારીની જાહેરાત કરી છે

Master Admin

Leave a Comment

Translate »