Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

કળયુગમાં મેનકાનું નૃત્યઃ બ્રહ્મચારી ઋષિનું તપોભંગ કે, ભ્રમ!?

સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)
ગોપીપુરા, હનુમાન ચાર રસ્તા, સુરત
મો ૯૪૨૭૮ ૩૧૨૧૩

પુરાણ કથા છે. વિશ્વામિત્ર રાજા હતા, પછી ઋષિ બન્યા. એવી કઠોર તપસ્યા કરી કે ઇન્દ્રનું સિંહાસન ડોલવા લાગ્યું. તપસ્યા તોડવા ઇન્દ્રએ અપ્સરા મેનકાને મોકલી. મેનકા નૃત્યમાં પારંગત, રૂપમાં અદ્વિતીય. ઘુંઘરું વાગ્યું, રૂપની માયા ફેલાઈ અને વર્ષોનું તપ ભંગ થયું.
આ કથા સામાન્ય નથી. આ મનુષ્યના મનની કથા છે.
પહેલાના યુગમાં તપસ્યા તોડવા મેનકાને ધરતી પર આવવું પડતું. કળયુગમાં આવવું પડતું નથી. તે મોબાઈલના પડદા પર, ઇન્સ્ટાગ્રામની રીલમાં, એકાંતના અંધારામાં નૃત્ય કરે છે.
આજના યુવાનને તપસ્યા શું? વિદ્યાર્થીની તપસ્યા અભ્યાસ છે, વેપારીની તપસ્યા પ્રમાણિકતા છે, બ્રહ્મચારીની તપસ્યા સંયમ છે. અને આ તપસ્યા જ્યારે ચાલતી હોય ત્યારે જ મેનકા આવે છે.
શાસ્ત્ર કહે છે — બ્રહ્મચર્ય એટલે માત્ર શરીરનો સંયમ નથી, મનનો સંયમ છે. શરીરને બાંધવું સહેલું છે, મનને બાંધવું અઘરું છે.
કળયુગમાં બ્રહ્મચારીનો સૌથી મોટો ભ્રમ એ છે કે — “હું પાક્કો છું, મ્હારાથી કંઈ નહીં થાય.”! આ ભ્રમ જ ભંગનું કારણ બને છે. પોતાની શક્તિનો અહંકાર, પોતાના સંયમનો અહંકાર!.
મેનકા આ ભ્રમને ચાર રીતે તોડે છે.
પહેલી — નેત્રની મેનકા. આંખથી જે જોવાય છે. શાસ્ત્રમાં કહ્યું છે — દૃષ્ટિ જ સૃષ્ટિ બનાવે છે. ખોટું જોવાથી મન ખોટું થાય છે.
બીજી — મનની મેનકા. એકલા બેઠા માણસના મનમાં જે કલ્પના ચાલે છે. બહાર કોઈ નથી હોતું, પણ મનમાં જ નૃત્ય ચાલતું હોય છે.
ત્રીજી — સંગની મેનકા. ખોટા મિત્રો, ખોટું વાતાવરણ, ખોટી વાતો.
ચોથી — પ્રસંગની મેનકા. એકાંત, મોડી રાત, ખાલી સમય, નવરાશ.
આ ચાર ભેગા થાય એટલે ભ્રમ ભાંગે છે. અને ભ્રમ ભાંગે એટલે જે શક્તિને ઉર્ધ્વગામી થવાની હતી, તે અધોગામી થાય છે. જેને શાસ્ત્રમાં વીર્ય સ્ખલન કહ્યું છે.
આપણા ઋષિઓએ વીર્યને સામાન્ય વસ્તુ નથી ગણી, તેને તપ ગણ્યું છે. તે ઓજ છે, તેજ છે, બુદ્ધિ છે. તેના નાશથી માત્ર શરીર નબળું નથી પડતું, વ્યક્તિત્વ નબળું પડે છે. ચહેરાનું તેજ ઓછું થાય છે, આંખોમાં ચંચળતા આવે છે, નિર્ણય શક્તિ ઘટે છે, એકાગ્રતા તૂટે છે. જે યુવાન રોજ આ માર્ગે જાય છે, તેને ખબર પણ નથી પડતી કે તે ધીરે ધીરે ખાલી થઈ રહ્યો છે.
તો શું કરવું?! મેનકાથી ભાગવું?!
નાજી…! વિશ્વામિત્ર ભાગ્યા નહોતા! તેઓ પડ્યા, પણ ફરી ઊભા થયા. ફરી તપ કર્યું અને બ્રહ્મર્ષિ બન્યા!
ઉપાય ભાગવાનો નથી, દૃષ્ટિ બદલવાનો છે. મેનકામાં માતા જોવી, બહેન જોવી, દેવી જોવી, તો વિકાર ન આવે. બીજું — પોતાને એકલા ન મૂકવા. સત્સંગમાં રહેવું, શરીરને શ્રમ આપવો, સવારે કસરત કરવી, કોઈની સેવા કરવી. ખાલી મન એ મેનકાનું ઘર છે!
કળયુગની મેનકા રોજ નૃત્ય કરશે. તેનું કામ નૃત્ય કરવાનું છે. તમારું કામ તમારા તપ પર સ્થિર રહેવાનું છે. જે એક વાર પડીને પણ ફરી સંયમ તરફ વળે છે, તે જ સાચો અને ખરો બ્રહ્મચારી છે!જય સીયારામ!

Related posts

Indian School of Business and Indian Institute of Management-Ahmedabad feature on the LinkedIn Top MBA list for 2024

Reporter1

New leadership team to guide BNI Prometheus on growth path

Reporter1

જન્મ જીવનો હોય,પ્રાગટ્ય પરમ શક્તિનું,અવતાર પરમ ઇશ્વરનો હોય

Reporter1

Leave a Comment

Translate »