Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

ગાંધીનગરમાં ભાજપના પૂર્વ નેતાની દાદાગીરી સામે આવી

હિંસકતાની તમામ હદો વટાવી

કાર રોકવાનો ઈશારો કરવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાઈને “રિચી રીચ” પાન પાર્લરના માલિક ભાવિક ગજ્જરે ૨૪ વર્ષીય ખેલૈયા પર જંગલીની જેમ હુમલો કરી દીધો

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૨૦ ઓક્ટોબર ૨૦૨૬ — ગાંધીનગર અને અમદાવાદના હાઈપ્રોફાઈલ વર્તુળોમાં પોતાની વગ ધરાવતા ભાજપના પૂર્વ નેતા અને બોપલ સ્થિત “રિચી રીચ” પાન પાર્લરના માલિક ભાવિક ગજ્જરની વધુ એક શરમજનક કરતૂત સામે આવી છે. કલોલના સનાવડ ગામે આવેલા “ફોક રાસ” ગરબા ગ્રાઉન્ડ બહાર નવરાત્રિની રાત્રે આનંદ માણવા ગયેલા ૨૪ વર્ષીય ખેલૈયા તનિષ્ક પર જે રીતે જંગલી હુમલો કરવામાં આવ્યો, તે જોઈને લોકો હેરાન છે.

આમાં ગુનો માત્ર એટલો જ હતો કે, ફરિયાદી તનિષ્કે રસ્તો ઓળંગવા માટે કાર રોકવાનો ઈશારો કર્યો હતો. આટલી નાની વાતમાં ઉશ્કેરાઈ ગયેલા ભાવિક ગજ્જરે કોઈ રાક્ષસની જેમ તનિષ્ક પર તૂટી પડી તેનું ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

એટલું જ નહીં, લોખંડના પંચ વડે નાક પર ગંભીર ઈજા પહોંચાડી અને હિંસકતાની તમામ હદો વટાવતા યુવકનો અડધો કાન બચકું ભરીને ચાવી ગયો.

ઘટનાને અંજામ આપ્યા બાદ જંગલી બનેલો ભાવિક ગજ્જર પોતાની કાળા રંગની મર્સિડીઝ કારમાં બેસીને ફરાર થઈ ગયો હતો. હત્યાના પ્રયાસ જેવો ગંભીર ગુનો નોંધાયા બાદ પણ ધરપકડથી બચવા માટે આ ભાજપના પૂર્વ નેતાએ એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે, તેણે હુમલો નથી કર્યો પરંતુ ‘સ્વબચાવ’ કર્યો છે. ૨૪ વર્ષના નિર્દોષ યુવકનો કાન ચાવી જવો અને નાક લોહીલુહાણ કરી દેવુંપ શું આને સ્વબચાવ કહેવાય?

ભાવિક ગજ્જર માટે વિવાદો અને અસામાજિક પ્રવૃત્તિઓ કોઈ નવી વાત નથી. આ એ જ વ્યક્તિ છે, જેનું અમદાવાદના સરખેજમાં સિંધુભવન રોડ પર આવેલું “રિચી રિચ” પાન પાર્લર અગાઉ હાઇબ્રિડ ગાંજાના કાળા કારોબાર અને વેચાણના પર્દાફાશમાં વિવાદમાં આવી ચૂક્યું છે.

સોશિયલ મીડિયા પર અનેક મોટા નેતાઓ સાથે ભાવિકના ફોટાઓ છવાયેલા છે. આ સ્પષ્ટ દર્શાવે છે કે, રાજકીય આકાઓનો હાથ હોવાના અહંકારમાં પૂર્વ નેતા કાયદાને ખિસ્સામાં લઈને ફરી રહ્યો છે.

નવરાત્રિ જેવા પવિત્ર તહેવારમાં ગરબા રમવા ગયેલા એક સામાન્ય ખેલૈયા પર આટલો દર્દનાક હુમલો થાય છે અને ઘટનાના ૪ દિવસ વીતી ગયા છતાં આરોપી પોલીસ પકડથી દૂર કેમ છે?

નવરાત્રિના માહોલમાં એક નિર્દોષ ખેલૈયાનો કાન ચાવી જનાર આ હિંસક આરોપીની ધરપકડ ક્યારે થશે, તે હવે જોવાનું રહે છે. કાયદો બધા માટે સરખો છે કે પછી નેતાઓ માટે અલગ છે? ગાંધીનગર પોલીસ પાસેથી હાલ જનતા આ જવાબ માંગી રહી છે.

Related posts

‘મેડ ઇન ઇન્ડિયા’ રોબોટિક ટેક્નોલોજીનો કમાલ! SSI Mantra દ્વારા કોલંબિયાથી ઇન્દોર વચ્ચે 22,000 કિમી દૂરથી ઐતિહાસિક સર્જરી સફળ

Master Admin

સોનાની ચોરી મામલે એક્શનમાં ED ૩ રાજ્યોના ૨૧ સ્થળો પર દરોડા

Master Admin

કોંગ્રેસની બેઠક ચાલી રહી હતી અને અચાનક આવી ચઢ્યો એક માણસ

Master Admin

Leave a Comment

Translate »