Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

રણોલીમાં કેમિકલની દુર્ગંધથી હાહાકાર, બાળકોની તબિયત બગડતાં લોકો રસ્તા પર!

૫ દિવસથી ઝેરી દુર્ગંધથી ત્રસ્ત ગ્રામજનોનો વિરોધ

કેમિકલ ટેન્કરો ધોવાના સ્થળો અને ગટરમાં કેમિકલ છોડાતું હોવાના આક્ષેપ, તાત્કાલિક તપાસની માગ

(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા,તા.૨૪ ઓક્ટોબર ૨૦૨૬ –– વડોદરા નજીક આવેલા રણોલી ગામની સત્યનારાયણ સોસાયટીમાં છેલ્લા પાંચ દિવસથી કેમિકલ જેવી તીવ્ર દુર્ગંધ ફેલાતાં રહીશો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. દુર્ગંધને કારણે બાળકોને ઊલટી થતી હોવાની અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદો સામે આવી છે. પરિસ્થિતિથી કંટાળીને ગ્રામજનો મોઢે રૂમાલ બાંધી રસ્તા પર ઊતરી આવ્યા હતા અને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં અગાઉ પણ કેમિકલ જેવી દુર્ગંધ આવતી હતી, પરંતુ છેલ્લા પાંચ દિવસથી તેની તીવ્રતા વધી ગઈ છે. ઘરના દરવાજા અને બારીઓ બંધ રાખવા છતાં દુર્ગંધથી રાહત મળતી ન હોવાની ફરિયાદો છે. ખાસ કરીને બાળકોની તબિયત પર અસર થતી હોવાની વાતથી વાલીઓમાં ચિંતા વધી છે. રહીશોએ તંત્રને તાત્કાલિક પગલાં લઈને સમસ્યાનો ઉકેલ લાવવા અપીલ કરી છે.

ગ્રામજનોના આક્ષેપ મુજબ, સોસાયટી નજીક કેમિકલ ભરેલા ટેન્કરો ધોવા માટેનાં સર્વિસ સ્ટેશન આવેલાં છે. આ ઉપરાંત, રણોલી ય્ૈંડ્ઢઝ્રના ટેન્કરોમાંથી કેમિકલ નજીકની ગટરોમાં છોડવામાં આવતું હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ આક્ષેપોની સત્તાવાર તપાસ અને પુષ્ટિ થવી જરૂરી છે.

સમસ્યાના ઉકેલ માટે ગ્રામ પંચાયત, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને આરોગ્ય વિભાગ દ્વારા સંકલિત તપાસ હાથ ધરવાની માગ ઊઠી છે. સ્થાનિકોમાં એવી નારાજગી પણ જોવા મળી રહી છે કે ગંભીર સમસ્યા હોવા છતાં તાત્કાલિક રાહત માટે પૂરતી કાર્યવાહી થતી નથી.

રણોલીની સત્યનારાયણ સોસાયટીમાં ફેલાતી દુર્ગંધનું ચોક્કસ કારણ શોધવા માટે હવા અને પાણીના નમૂનાઓની તપાસ, ટેન્કર ધોવાના સ્થળોનું નિરીક્ષણ અને ગટરમાં કોઈ હાનિકારક પદાર્થ છોડવામાં આવે છે કે નહીં તેની ચકાસણી જરૂરી છે. જો નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું જણાય, તો જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ. ત્યાં સુધી અસરગ્રસ્ત રહીશોની આરોગ્યસુરક્ષા અને તાત્કાલિક રાહતને પ્રાથમિકતા આપવી જરૂરી છે.

Related posts

સેવ ખમણી ખાધા બાદ ૬૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ

Master Admin

કચ્છનું રણ ચીરીને નીકળશે નવો નેશનલ હાઈવે

Master Admin

તોડબાજ પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરાઇ

Master Admin

Leave a Comment

Translate »