સૂદાની સેના પર ગંભીર આરોપ
ન્યાલામાં થયેલા હુમલામાં ૧૧૩ લોકો ઘાયલ, મહિલાઓ અને બાળકો પણ ભોગ બન્યાં, સ્વતંત્ર તપાસની માગ ઉઠી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સૂદાન, તા.૨૮ ઓક્ટોબર ૨૦૨૬ — સૂદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધ વચ્ચે થયેલા એક ભીષણ ડ્રોન હુમલામાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ૧૧૩ લોકો ઘાયલ થયા છે. આ હુમલો દક્ષિણ-પશ્ચિમ સૂદાનના દક્ષિણ દારફુર પ્રાંતની રાજધાની ન્યાલાના એક વ્યસ્ત બજારમાં થયો હતો. દેશમાં હિંસા પર નજર રાખતી માનવાધિકાર સંસ્થા ‘ઇમરજન્સી લૉયર્સે’ મંગળવારે જારી કરેલા નિવેદનમાં આ હુમલા માટે સૂદાની સેનાને જવાબદાર ઠેરવી છે.સંસ્થાના જણાવ્યા અનુસાર, ડ્રોન હુમલો સોમવારે સાંજે થયો હતો. જેમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો સામેલ છે.માનવાધિકાર સંસ્થા ‘ઇમરજન્સી લૉયર્સે’ પોતાના નિવેદનમાં જણાવ્યું કે આ હુમલાએ સામાન્ય નાગરિકોના વ્યસ્ત બજારને સામૂહિક હત્યાઓ અને ઘાયલોના ભયાવહ દ્રશ્યમાં ફેરવી નાખ્યું. સંસ્થાએ આ હુમલાની સ્વતંત્ર તપાસ કરાવવાની માંગ કરી છે.આંતરરાષ્ટ્રીય તબીબી સંસ્થા ‘ડોક્ટર્સ વિદાઉટ બોર્ડર્સ’એ અગાઉ જણાવ્યું હતું કે ન્યાલા સ્થિત તેની હોસ્પિટલમાં ૩૬ શબ લાવવામાં આવ્યા હતા. વળી, હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ૧૫૦ ઘાયલ લોકો પહોંચ્યા હતા. દક્ષિણ દારફુરની રાજધાની ન્યાલા હાલમાં અર્ધલશ્કરી સંસ્થા ‘રેપિડ સપોર્ટ ફોર્સીસ’ના નિયંત્રણમાં છે.સૂદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધ દરમિયાન ડ્રોન હુમલાઓનો સતત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે, છેલ્લા કેટલાક સપ્તાહોમાં સૂદાની સેના અને આરએસએફ બંને તરફથી ડ્રોન હુમલાઓમાં ભારે વધારો થયો છે. આ હુમલાઓમાં સેંકડો લોકોના જીવ જઈ ચૂક્યા છે.યુદ્ધમાં સામેલ બંને પક્ષો વિસ્ફોટકોથી સજ્જ ડ્રોનનો ઉપયોગ વધારી રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં હોસ્પિટલો, ડેમો, શાળાઓ, બજારો અને વિસ્થાપિત લોકોના શિબિરો જેવા નાગરિક ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે.સૂદાનમાં ચાલી રહેલા યુદ્ધે દુનિયાનું સૌથી મોટું માનવીય સંકટ પેદા કરી દીધું છે. સંયુક્ત રાષ્ટ્રના અનુસાર, દેશમાં લગભગ ૩.૪ કરોડ લોકોને માનવીય સહાયતાની જરૂર છે. આ સૂદાનની કુલ વસ્તીનો લગભગ બે-તૃતીયાંશ ભાગ છે.
