ગુજરાત ગ્રામીણ બેન્કમાં લાખોની ઉચાપત
ઘરે જઈ ગ્રાહકોની સહી કરાવી પાંચ ખાતામાંથી નાણાં ઉપાડ્યા, અન્ય ગ્રાહકો પણ ભોગ બન્યાની આશંકા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગર, તા.૩૦ ઓક્ટોબર ૨૦૨૬ — પાલિતાણા તાલુકાના દૂધાળા ગામે આવેલી ગુજરાત ગ્રામીણ બેન્ક શાખાના કર્મચારી ઉપર ગ્રાહકોએ કરેલો આંધળો વિશ્વાસ લાખો રૃપિયાની રકમ લઈ ડૂબ્યો હતો. બિઝનેસ ફેસિલિટેટર તરીકે નોકરી કરતો શખ્સ ગ્રાહકોની જાણ બહાર તેમના ખાતામાંથી રૃા.૨૨.૭૦ લાખ જેટલી માતબર રકમ ઉપાડી લઈ રફુચક્કર થઈ ગયો હતો.દૂધાળા ગામે ગુજરાત ગ્રામીણ બેન્કની શાખામાં બિઝનેસ ફેસિલિટેટર તરીકે નોકરી કરતો ભરત ગુણવંતભાઈ ત્રિવેદી (રહે, દૂધાળા, તા.પાલિતાણા) નામના શખ્સે બેન્કના ગ્રાહકો સાથે ઘર જેવા સબંધો કેળવી તેમના ઘરે જઈ ફોર્મમાં સહી કરાવી ગ્રાહકોને પૈસા જમા-ઉપાડવાનું કામ કરી આપતો હતો. ગ્રાહકોને પણ શખ્સ ઉપર વિશ્વાસ કેળવાયો હોય, દરમિયાનમાં તા.૧૬-૯ના રોજ બેન્કમાં ખાતું ધરાવતા નાજુભાઈ વિરાભાઈ ભમ્મર (ઉ.વ.૪૭, રહે, વાડી વિસ્તાર, દેદરડા, તા.પાલિતાણા)એ ભરત ત્રિવેદીને ફોન કરી તેઓ કોઈ કામમાં રોકાયેલા હોય, નાણાંની જરૃરિયાત ઉભી થતાં ત્રણ ખાતામાંથી પાંચ-પાંચ લાખ ઉપાડવાનું કહ્યું હતું. જેથી ભરત ત્રિવેદીએ આધેડના ઘરે આવી નાજુભાઈ, તેમના વૃદ્ધ પિતા વિરાભાઈ અને નાનાભાઈના પત્ની દયાબેનની વિડ્રોલ ફોર્મમાં સહી કરાવી બેન્કમાં હાલ પૈસા ન હોય, બે-પાંચ દિવસમાં પૈસા આવ્યે ઉપાડીને ઘરે આપી જઈશ તેમ જણાવ્યું હતું. બાદમાં ભરત ત્રિવેદીએ ફોન ઉપાડવાનું બંધ કરી દેતા કંઈ ખોટું થયાની શંકા ઉભી થઈ હતી અને નાજુભાઈએ બેન્કે જઈ બચત ખાતાની બુકમાં એન્ટ્રી પડાવતા તેમના ખાતામાંથી બે લાખ, પિતાના ખાતામાંથી નવ લાખ અને નાનાભાઈ ગંભીરભાઈના ખાતામાંથી રૃા.૩.૨૦ લાખ મળી કુલ રૃા.૧૪.૨૦ લાખ ઉપાડી લેવામાં આવ્યાનું જણાઈ આવ્યું હતું. જેથી ભરત ત્રિવેદી અંગે બેન્ક મેનેજરને પૂછતા તેમણે બહાર ગયાનું જણાવ્યું હતું અને બપોર સુધી શખ્સ બેન્કમાં ન આવતા બેન્ક મેનેજર રામાવતાર ગહલોત, કેશિય જયમીન પટેલ પણ ભરતનતે ફોન કરતા શખ્સે કોઈના ફોન ઉપાડયા ન હતા. દરમિયાનમાં દૂધાળા ગામની ગુજરાત ગ્રામીણ બેન્કમાં જ ખાતું ધરાવતા નાગજીભાઈ જસમતભાઈ સાવલિયા (રહે, દૂધાળા)ના ખાતામાંથી દોઢ લાખ, લાખાભાઈ ગોવિંદભાઈ સોલંકી (રહે, પાંચ પીપળા)ના ખાતામાંથી સાત લાખ ઉપાડી લઈ કુલ પાંચ ગ્રાહકની વિડ્રોલ ફોર્મમાં સહીઓ કરાવી અલગ-અલગ તારીખોમાં ફોર્મ જમા કરાવી કુલ રૃા.૨૨,૭૦,૦૦૦ની ઠગાઈ કર્યાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત અન્ય ખાતાધારકોના પણ ભરત ત્રિવેદીએ પૈસા ઉપાડી લીધાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. બનાવ અંગે નાજુભાઈ ભમ્મરે શખ્સ સામે પાલિતાણા રૃરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
