OTP વગર બે ખાતામાંથી લાખોની ચોરી
કોઈ OTP કે ગુપ્ત માહિતી શેર કર્યા વગર બંને બેંક ખાતામાંથી રકમ ઉપડી, મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૩૦ ઓક્ટોબર ૨૦૨૬ — ડિજિટલ યુગમાં સાયબર ઠગાઈના કિસ્સાઓ દિવસે-દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યા છે. હવે સાયબર ક્રિમિનલ્સ એટલા બધા હાઈ-ટેક બન્યા છે કે સામાન્ય નાગરિકો તો ઠીક, પરંતુ કોઈપણ પ્રકારની ઓનલાઈન એપ્લિકેશનનો ઉપયોગ ન કરતા અને બેંક ખાતાની કોઈ જ ગોપનીય માહિતી શેર ન કરતા વરિષ્ઠ નાગરિકો પણ તેમના નિશાના પર આવી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ગાંધીનગર શહેરના સેક્ટર-૨૨માં બન્યો છે, જ્યાં ઓટીપી આપ્યા વગર જ એક નિવૃત્ત મહિલાના બે બેંક ખાતામાંથી ૨.૨૦ લાખ બારોબાર સેરવી લેવામાં આવ્યા છે.ગાંધીનગરના સેક્ટર-૨૨ સ્થિત આનંદવાટીકા સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા ઝંખનાબેન ભદ્રવદનલાલ વછરાજા (ઉં-૬૧ ) ગત ૨૪મી ઓક્ટોબરે સાંજે પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન અચાનક તેમના મોબાઈલ ફોન પર એક પછી એક આશરે દશેક જેટલા ટેક્સ્ટ મેસેજ આવ્યા હતા. ગભરાઈને તેમણે મેસેજ ચકાસતા તેમને મોટો આઘાત લાગ્યો હતો. તેમના સેક્ટર-૨૨ સ્થિત બેંક ઓફ બરોડાના ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ૧,૨૦,૨૯૯ તેમજ એરફોર્સ સ્ટેશન સેક્ટર-૧૦ ખાતે આવેલી ઇન્ડિયન ઓવર્સીસ બેંકના ખાતામાંથી કુલ રૂ. ૯૯,૯૬૬ એમ બંને ખાતામાંથી મળીને કુલ ૨,૨૦,૨૬૪ ડેબિટ (ઉપડી) થઈ ગયાનું જણાયું હતું.ચોંકાવનારી બાબત એ છે કે ઝંખનાબેને તેમના બેંક ખાતામાંથી કોઈ જ વ્યવહાર કર્યો ન હતો. તેઓ સ્માર્ટ ફોનમાં કોઈ ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશનનો ઉપયોગ પણ કરતા નથી. તેમણે અજાણ્યા વ્યક્તિને ક્યારેય પોતાનો વન-ટાઇમ પાસવર્ડ કે અન્ય કોઈ ગોપનીય માહિતી આપી ન હોવા છતાં તેમના ખાતામાંથી નાણાં ઉપડી જતા તેમને પોતાની સાથે સાયબર ફ્રોડ થયાનો અહેસાસ થયો હતો. ગભરાઈ ગયેલા મહિલાએ સાયબર ક્રાઇમની રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશન દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમણે આ અંગે વિગતવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
