Nirmal Metro Gujarati News
article

ધરતીનાં છેડા આર્જેન્ટિનાથીં મંડાઇ અનંત રામની કથા

 

તમામ કાળથી મુક્તિ અપાવશે હરિનામ.

સ્થિરતા અને ધીરતા માટે હરિનામ એકમાત્ર ઉપાય છે.

શ્રદ્ધાથી જ્ઞાન,વિશ્વાસથી ભક્તિ અને ભરોસાથી ભગવાન મળશે.

ગુરુ સર્વસ્વ,સર્વત્ર અને સર્વદા છે.

આપણે વાજિંત્ર છીએ,ગુરુ આપણને વગાડવા લાગે તો આપણને થાક નહીં લાગે.

 

કથા બીજ પંક્તિ:

જેહિ દિન રામ જનમ શ્રુતિ ગાવહિં;

તીરથ સકલ તહાં ચલિ આવહિ.

નૌમિ ભોમ બાર મધુ માસા:

અવધપુરી યહ ચરિત પ્રકાસા.

-બાલકાંડ

દુનિયાનો છેડો ગણાય છે એવા આર્જેન્ટિના અને એના પણ છેવાડાનનાં ઉશુવાયા નગરમાં,ક્રમમાં ૯૫૪મી,અહીં સૌપ્રથમ વખત મોરારિબાપુના મુખે રામકથાનાં આરંભે પાણખણીયા પરિવાર તરફથી કિશોરભાઈએ આવકાર આપ્યો.

કથા મનોરથી ભારતીય મૂળના મશરી બાપાનો પરિવાર,તેમજ દેવશીભાઈ,મનુભાઈ ચાંડેગરાનો પરિવાર છે.

બાપુએ કહ્યું કે પરમાત્માની પરમ કૃપાથી ચૈત્ર નવરાત્રીના પવિત્ર દિવસોમાં જ્યાં દુનિયાનો અંતિમ ભાગ છે,અહીંથી થોડાક કલાકો આગળ દુનિયા જ નથી.દુનિયાનો અંત છે,પણ રામકથાનો કોઈ અંત નથી.કાલથી સંવત્સર બદલાઇ રહ્યું છે અને ભારતીય સનાતનની પંચાંગ પ્રમાણે નવું સંવત્સર,શક્તિ આરાધનાના દિવસો,અનુષ્ઠાનના દિવસો અને નવું વર્ષ ગણાય છે એ દિવસો છે.

અહીં માન સરોવર હોય એવી પ્રકૃતિ દેખાય છે સુનિતા વિલિયમ્સને યાદ કરતા કહ્યું કે પૃથ્વીની દીકરી સીતા છે અને આકાશની દીકરી સુનીતા છે. સાથે મ્યાંમારની ભૂકંપની ઘટનાઓની પીડા,એની શ્રદ્ધાંજલિ સંવેદના અને પ્રભુ પ્રાર્થના તેમજ અહીંથી જે નવ કરોડ રૂપિયા અપાયા એની સાથે-સાથે કાશ્મીરના કઠૂઆમાં ચાર-પાંચ જવાનો શહીદ થયા એ વીરોને પણ અંજલિ અને શ્રદ્ધાંજલિ આપી. બાપુએ કહ્યું કે મહાભારત કહે છે કે વ્યક્તિના જીવનમાં પાંચ કાળ-સમય એવા આવે છે જેમાં: વ્યવહાર કાળ,શોકનો કાળ,હર્ષનો કાળ,વિયોગનો કાળ અને વિદાયનો કાળ-એ વખતે સંભાળવું મુશ્કેલ બને છે.પડી ન જઈએ પણ હલી તો જઈએ છીએ. તો ખુદને કેમ સંભાળવા?બે વસ્તુ જરૂરી છે:ધૈર્ય અને સ્થેર્ય.સ્થિરતા અને ધીરતા આ ઔષધિ છે.જે થવાનું હોય એ થાય છે.પણ પ્રશ્ન એ છે કે સ્થિરતા અને ધીરતા બની રહે એના માટે શું કરવું?એક માત્ર ઉપાય છે:હરિનામ.હરિનામ પર ખૂબ જ બળ આપતા કહ્યું કે મારું તો આખરી છેલ્લું નિવેદન એ છે કે હરિના નામ સિવાય કોઈ ચારો નથી.કારણ કે પરમાત્માનું નામ ખૂબ જ બળ અને સુરક્ષા પ્રદાન કરશે.

પાંડવોના જીવનમાં પણ એવું આવ્યું અને દર વખતે કોઈને કોઈ ઋષિ દેવર્ષિ આવે છે અને પાંડવોને ઊભા કરે છે.એનું કારણ છે પાંડવો પાસે હરિનામ છે.

હા,વાર લાગી શકે છે કારણ કે પાપ અને દોષમાં અંતર છે.કોઈને દુઃખ આપવું,કોઈનું છીનવી લેવું એ પાપ છે અને મનમાં કોઈના પ્રતિ દ્વેષ અને ઈર્ષા એ દોષ છે.પાપનું ફળ ભોગવવું જ પડે છે.દોષ એ સાધુ સંગ કરવાથી દૂર થાય છે.પાપથી એટલું ન ડરો પણ દોષથી ખૂબ દૂર રહેજો.

આ દિવસોમાં હરિનામ લેવું એ વિશેષ આહૂતિ છે. એટલે જ ૧૮ મણકાનો બેરખો હાથમાં હોય તો ગીતા બોલે છે અને ૧૦૮ મણકાની માળા હોય તો ઉપનિષદ બોલે છે એવું માનજો.

બ્રહ્મ એક જ છે.રામ સચ્ચિદાનંદ છે.રામ પરમાત્મા છે.રામ સાક્ષાત ભગવાન છે,ઈશ્વર છે,બ્રહ્મ છે. સિયારામ અને આત્મારામ છે.આવા નવ રામની ગણતરી શાસ્ત્રવેતાઓએ કરી છે.

આમ તો રામાયણ અને રામકથા અનંત છે,સો કરોડ છે,તુલસીદાસજી કહે અપાર છે.તો પણ એમાંથી એડિટ કરીને નવ જેટલી રામકથાઓને હું વિશેષ કહું છું.જેમાં વાલ્મિકી રામાયણ,તુલસીકૃત તેમજ આનંદ રામાયણ,અધ્યાત્મ રામાયણ,યોગવાશિષ્ટ,હનુમંત નાટક,આત્મ રામાયણ,બર્વે,દોહાવલી,કવિતાવલી, એકનાથ રામાયણ અને સચ્ચિદાનંદજીએ લખેલું સંસાર રામાયણ છે.

રામના પણ નવ રૂપ છે.રામચરિત માનસમાં સાત સોપાન છે.રામ એટલે લીલા,ચરિત એટલે સીતાજીનું ચરિત્ર અને માનસ એટલે હૃદય જે હનુમાન છે.

આવા મંત્રથી રામચરિત માનસ શરૂ થાય છે.પહેલા મંત્રમાં સાતનું સ્મરણ છે.બીજા મંત્રમાં શિવ-પાર્વતીનું સ્મરણ છે.

શ્રદ્ધાથી જ્ઞાન,વિશ્વાસથી ભક્તિ અને ભરોસાથી ભગવાન મળશે.

ગુરુ વિશે કહ્યું કે અનેક પ્રકારના ગુરુ હોય છે.બોધ સ્વરૂપ ગુરુ પણ છે.પણ એક સામાન્ય,જે વેદમાં લખેલો શબ્દ છે એ ગુરુ.એ પછી ધર્મગુરુ,કુળગુરુ, જગતગુરુ,દેવ અને દાનવ ગુરુ,સદગુરુ,મંત્રગુરુ, વચન ગુરુ,સ્પર્શ ગુરુ અને દ્રષ્ટિગુરુ આવા અનેક ગુરુઓ પણ આપણે જોઈ શકીએ છીએ.

અનેક અનેક હનુમાનની અંદર પણ વિશિષ્ટ હનુમાનમાં અયોધ્યા ગઢીનાં હનુમાન,કાશીના સંકટમોચન હનુમાન,વિશ્વાસ હનુમાન,વિચાર હનુમાન,વિદ્વાન હનુમાન,વિરાગ હનુમાન,વિજ્ઞાન હનુમાન પ્રયાગના સુતેલા હનુમાન.

અહીં સાત મંત્રમાં નવની વંદના થઈ.

ચાર સોરઠામાં પાંચ દેવોની વંદના થઈ છે.સનાતન ધર્મ વાળાઓએ આ પાંચ દેવ-ગણપતિ,સૂર્ય, ભગવાન વિષ્ણુ,શંકર અને મા પાર્વતી દુર્ગાની-પૂજા અને વંદના કરવી જોઈએ.

આની નિંદા કરે એ સનાતન ધર્મી ના હોય અને આનો સાથ દેનાર પણ સનાતન ધર્મી ના હોઈ શકે.

ગુરુ વંદના વખતે કહ્યું કે હું બોલું ત્યારે મારી જીભ ઉપર સરસ્વતિ નહીં પણ ગુરુ બેસે એવી વિનંતી કરતો હોઉં છું કારણ કે આપણે વાજિંત્ર છીએ ગુરુ આપણને વગાડવા લાગે તો આપણને થાક નહીં લાગે.

હું તો ત્યાં સુધી પહોંચ્યો છું કે ગુરુ સર્વસ્વ પણ છે સર્વત્ર પણ છે અને સર્વદા છે.હનુમંત વંદનાનું ગાન કરીને આજની કથાને વિરામ અપાયો.

 

કથા વિશેષ:

સનાતની પરમ તત્વોને નીચા દેખાડવાની ચેષ્ટાઓ પર બાપુની પીડા

રામ,કૃષ્ણ,હનુમાન આવા પરમ તત્વોને નિમ્ન બતાવવાની ચેષ્ટાઓ આજકાલ થઈ રહી છે.

પણ વિવેક ચૂકાઇ રહ્યો છે.આને પાખંડ કાળ કહી શકાય! ક્યાં દ્વારકા અને ક્યાં….!

કૃષ્ણ પણ બ્રહ્મ છે,સચ્ચિદાનંદ છે,ઈશ્વર અને ભગવાન છે.

મારી ડાબી આંખ એ દ્વારકાધીશ અમને જમણી આંખ એ જગન્નાથ છે.જે-જે લોકો સનાતનનું અપમાન કરે છે એનાથી સવિનય દૂર નીકળી જવું જોઈએ.

સનાતનના દેવી-દેવતાઓના અપમાન થાય છે એને સાથ દેનારાઓથી પણ સવિનય દૂર થઈ જવું જોઈએ.

એટલે માનસ ‘સનાતન ધર્મ’ ઉપર પણ કથા કરવી છે.

કદાચ દિલ્હીમાં જ કરશું.

તમારા બાળકોને રામાયણ મહાભારતની સાચી કથાઓ કહેજો કારણ કે આજકાલ પાઠ્યપુસ્તકોમાં પણ સાવ ખોટો કચરો ઉમેરાઈ રહ્યો છે,ખોટી વાતો એમાં આવી રહી છે.અમે આની પાછળ જીવન લગાવી દીધું છે.

 

શેષ-વિશેષ:

આર્જેન્ટિના સરકારનાં લાઇવ રેડિયો પર ઠેર-ઠેર બાપુને શબ્દો દ્વારા આવકારવામાં આવ્યા

જ્યાં કથા ગવાઇ રહી છે એ-આર્જેન્ટિનાનું ઉશૂવાયા કેમ આટલું રોમાંચક છે?

પૃથ્વિ પરનું છેલ્લામાં છેલ્લું દક્ષિણનું શહેર છે.

એટલે દુનિયાનો અંત અથવા પહાડોનું મૂળ!

અહીં રોમાંચ,સંસ્કૃતિ અને અદ્ભૂત પ્રાકૃતિક સૌંદર્ય પથરાયું છે.

દુનિયાનાં છેડાથી યાત્રા નવી શરૂઆત જેવી લાગે એમ કેડીઓ,ટેકરીઓ વચ્ચે ઝરણાઓ,સંગ્રહાલયો પોતાની આગવી વારતા માંડે છે.

ઉશુવાયા આર્જેન્ટિનાનું એક રીસોર્ટ શહેર છે.

ટીએરા ડેલ ફ્યૂગો ટાપુઓ પર,જે દક્ષિણ અમેરીકાનો પણ સૌથી દક્ષિણનો છેડો ગણાય-ત્યાં છે.

દુનિયાનો લૌથી દક્ષિણનો છેડો આ શહેર છે એટલે એને ‘દુનિયાનો અંત’ કહે છે.

બરફાચ્છાદિત એંડીઝ પર્વતમાળાનાં તળિયે,હવાથી હર્યું ભર્યું આ શહેર;માર્શલ પર્વત અને બીગલ ચેનલનાં મનોરંજક દ્રશ્યોથી ઘેરાયેલું છે.

આ એન્ટાર્ક્ટિકા ક્રૂઝ અને નજીકનાં ઇસ્લા-યેકાપસેલાનાં પર્યટન માટેનું પ્રવેશદ્વાર છે.

પેંગ્વીન કોલોનીઓ માટેનો આ ‘પેંગ્વિન દ્વીપ’ ગણાય છે.

માર્ચ-એપ્રિલ અહીં શરદઋતુ હોય એટલે તાપમાન ૮થી૧૩ ડીગ્રી આસપાસ હોય.

મોસમની વિવિધતાને કારણે તડકો,ઠંડી રાત્રિઓ,વરસાદ ને હલકો બરફ બધું જ દેખાય.

અહીંનું ચલણ સ્થાનિક અર્જેન્ટીની પેસો છે.જો કે મુખ્ય ક્રેડિટ કાર્ડ્સ,અમેરીકી ડોલર વ્યાપક રૂપે ચાલે છે.

ટીએરા ડેલ રાષ્ટ્રીય ઉદ્યાન:જંગલો,લગૂનોવાળું દુનિયાનું સૌથી દક્ષિણી રાશ્ટ્રીય ઉદ્યાન,ને દુનિયાનાં છેડાની રોમાંચક ટ્રેઇન યાત્રા નન મોહી લે.

બીગલ ચેનલ:વન્યસજીવો જોવાનું લોકપ્રિય સ્થળ.

માર્ટિલો દ્વીપ:જેંટૂ,પેંગ્વિન અને દરિયાઇ સિંહોનું ઘર.

ગ્લેશિયર માર્શલ:એક લોકપ્રિય પદયાત્રાનું સ્થળ.

લગુના એસ્મેરાલ્ડા:ખૂબસૂરત ઝરણું જ્યાં પગપાળા યાત્રાનો આનંદ લઇ શકાય.

ફારો લેસ એક્લેયર્સ લાઇટ હાઉસ:અદ્ભૂત પોઇન્ટ અને મીલનો રોમાંચક પથ્થર.

હેલિકોપ્ટર ટૂર:ઉશૂવાયા અને માર્શલનો નઝારો.

Related posts

Plumber Bathware mentored Aditya Mechatronics to co-develop world’s firsthorizontal peeling machine- Innopeel

Reporter1

Dubai Fitness Challenge is Here! How will you kick off your 30×30?

Master Admin

Morari Bapu’s tribute to victims of Mumbai building collapse and other tragic incidents

Reporter1
Translate »