Nirmal Metro Gujarati News
article

હું કદી સૂઇ નહીં જાઉં, પ્રભુ મને સદા જાગતો રાખશે – મોરારીબાપુ

 

સમજ્યા વગર સાધુની નિંદા ક્યારેય ન કરશો

શ્રદ્ધાથી જ્ઞાન મળે, વિશ્વાસથી ભક્તિ મળે અને ભરોસાથી ભગવાન મળે!

રામચરિત માનસ મારી દ્રષ્ટિએ “પરમ સાધુ” છે.

અંધ આંખ જ શ્રાપ આપી શકે, ખુલ્લી આંખ કદી શ્રાપ ન આપે.

“માનસ સિંદૂર” કથાના બીજા દિવસે, આરંભમાં પૂજ્ય બાપુએ કહ્યું કે તુલસીદાસજીએ “જાનકી મંગલ” ગ્રંથમાં ‘સિંદૂર’ શબ્દનો પ્રયોગ કર્યો છે, જ્યારે રામચરિત માનસમાં સેંદૂર શબ્દનો પ્રયોગ છે. એનો અર્થ એ છે કે
તુલસીદાસજીની સાધના ધારા, ભજન ધારા અને જીવનધારા માનસ રુપી ગંગા છે. એનો એક કિનારો લોકને અને બીજો શ્લોકને (વેદને) સ્પર્શે છે. અહીં લોકમત પણ છે અને વેદમત પણ છે. ‘સેંદૂર’ એ લોકકિનારાને સ્પર્શવાનો પ્રયાસ છે અને ‘સિંદૂર’ શ્લોક કિનારાને, એટલે કે વેદને સ્પર્શ કરવાનો પ્રયાસ છે. લોક અને વેદનો અહીં જુગ પદ નિર્વાહ છે. વેદમત વેદ- ઘાટથી, જ્યારે લોકમત લોક – ઘાટથી સ્નાન કરે, પણ સ્નાન તો બંનેએ માનસ ગંગામાં જ કરવાનું છે!
કથારંભે બાપુએ કહ્યું કે ‘જાનકી મંગલ’ ગ્રંથમાં સીતારામજીના વિવાહની વિધિ ચાલી રહી છે. એ વખતે તુલસીદાસજીએ માતૃશરીરનાં ત્રણ લક્ષણો બતાવ્યા છે. મા જાનકી શીલમયી છે, સુખમયી છે અને શોભામયી છે. માતૃ શરીરનું શ્રેષ્ઠ લક્ષણ શીલ છે.
“સિંદૂર” શબ્દનાં અર્થ દર્શનમાં શ્રોતાઓને લઇ જતા, પૂજ્ય બાપુએ કહ્યું કે સિંદૂરનું પ્રથમ રૂપ એ છે કે તે સૌભાગ્યનું પ્રતિક છે.
બીજું, સિંદુર સોહાગણ નારીનો શણગાર છે. “માનસ સિંદુર” કથા કરવાનો વિચાર વ્યાસપીઠને આવ્યો કારણ કે સિંદૂરનો એક અર્થ છે સાહસ,જે આપણા દેશે “ઓપરેશન સિંદૂર” ના નામથી
કરી બતાવ્યું. સતી સ્ત્રીઓ સાહસી હોય છે.
સિંદૂરનો એક અર્થ છે – સમર્પણ, ત્યાગ! જાનકીજીનું સમર્પણ, એમનો ત્યાગ, એમનું બલિદાન અનન્ય છે. સમર્પિત વ્યક્તિ ક્યારેય શિકાયત ન કરે. શિકાયતી ચિત્ત કદી અધ્યાત્મની યાત્રા કરી શકતું નથી.
સિંદૂર દર્શનમાં બાપુએ આગળ કહ્યું કે સિંદૂર એ શ્રદ્ધાનું પ્રતીક છે. લગ્નમાં વરરાજા, વધૂની માંગમાં પહેલી વાર સિંદૂર દાન કરે, પછી એ મહિલા દરરોજ પોતે જ પોતાની માંગમાં સિંદૂર ભરે છે. એટલે કે સિંદૂર એ માંગ- પૂર્તિનું પ્રતીક છે, માંગ સમાપ્તિનું પ્રતીક છે!
“તું મને મળી ગયો, હવે બીજું કશું જોઈતું નથી” – એ ભાવ છે. સંસારમાં આપણે આપણી માગણીઓ પૂરી કરવા માગીએ છીએ, પણ અધ્યાત્મમાં “માંગની સમાપ્તિ થવી” – એવો સિંદૂરનો અર્થ છે.
બાપુએ કહ્યું કે સિંદૂર એક વિચારનું નામ છે. સમજણ એ સિંદૂરનું સ્વરૂપ છે. કેટલીક માતાઓની સમજને નમન કરવાનું મન થાય!
સિંદૂરનો એક અર્થ છે – સાધુતા. સાધુતાના પાંચ અંગ છે – પહેલું છે સ્વચ્છતા. સાધુ બાહ્ય રૂપે સ્વચ્છ હોય. દેહની અને વસ્ત્રની સ્વચ્છતા જરૂરી છે. બીજું, ભીતરી પવિત્રતા. સાધુમાં મન, બુદ્ધિ અને ચિત્તની નિર્મળતા હોય છે, એ એની ભીતરી પવિત્રતા છે. ત્રીજું, પ્રસન્નતા. સાધુ સદા પ્રસન્ન ચિત્ત રહે છે. શંકરાચાર્યજી મહારાજ કહે છે કે પ્રસન્નતા પરમાત્માનાં દર્શન કરાવે છે. સાધુ કોઈ પણ સ્થિતિમાં પ્રસન્ન રહી શકે છે. આનંદ આપણો સ્થાયી ભાવ છે. ચોથું અંગ છે – સ્વતંત્રતા. પદ, પ્રતિષ્ઠા, પૈસા – એ કશુંય સાધુને પરવશ ન કરી શકે. એનો અર્થ સ્વછંદતા નથી, પણ સાધુ કદી પરાધીન બનતો નથી. સાધુતાનું પાંચમું અંગ છે – અસંગતા. સહુ સાથે પ્રમાણિત અંતર, જેથી રાગ દ્વેષ પકડે નહીં. એમાં કોઈની અવજ્ઞા નથી, પરંતુ આદમીના ઈરાદાની જાણ હોતી નથી એટલે પ્રમાણિત અંતર રાખવું જરૂરી છે.
સિંદૂરનું એક રૂપ છે – શરણાગતિ. સિંદૂર દાન પછી પત્નીની અટક બદલાઈ જાય – પત્નીના નામની પાછળ પિતાના નામને બદલે પતિનું નામ લાગી જાય, એનું પોતાનું નામ પણ બદલાઇ જાય – એ શરણાગતિ છે. સિંદૂર દાન એક પ્રકારનો સંન્યાસ છે.
અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષીમાં આભૂષણથી સજાયેલી સ્ત્રી, સિંદૂર દાન પછી જાણે સન્યાસ ગ્રહણ કરે છે!
સિંદૂર એ સંધ્યાનું પ્રતીક છે. સૂર્ય ડૂબે, ત્યારે આસમાનનો રંગ સિંદુરી હોય છે. સિંદૂરનો એક અર્થ છે સેવા. અને સેવા પણ માગેલી નહીં, કૃપા કરીને સદ્દગુરુએ સેવા પ્રદાન કરી હોય એવી સેવા સિંદૂર છે.
બાપુએ “માનસ સિંદૂર” ના ચિંતનમાં આગળ વધતા જણાવ્યું કે વિદ્વાન અને વિદ્યાવાનમાં બહુ ફરક છે. હનુમાન ચાલીસામાં શ્રી હનુમાનજી વિદ્વાન તો છે જ, પણ એ વિદ્યાવાન પણ છે!
રાવણ વિદ્વાન છે પણ વિદ્યાવાન નથી! રાવણના દસ મસ્તક એ છ શાસ્ત્ર અને ચાર વેદ છે, એવો સાધુ મત છે. જગતગુરુ કહે છે કે જાનકી શાંતિ છે અને રાવણે જાનકીનું અપહરણ કર્યું છે. એ વિદ્વતા શું કામની જે બીજાને અશાંત કરે? શ્રી હનુમાનજી વિદ્યાવાન છે, તેથી એમણે રામની ખોવાયેલી શાંતિ પાછી મેળવી આપી છે.
ઉપદેશ એ બહુ નાનામાં નાની સેવા છે. બાપુએ કહ્યું કે આદેશ એ ઉત્તમ સેવા છે અને સંદેશ એ મધ્યમ સેવા છે, પરંતુ બીજાને ઉપદેશ આપવો એ ત્રીજા દરજ્જાની સેવા છે. આપણને કોઈ ઉપદેશ આપે, તો એ ઉપદેશને પકડવો જોઈએ. ઉપદેશ આપનારની પાછળ પાછળ ફરવું જોઈએ નહીં. જો ઉપદેશને ગ્રહણ કર્યો હોય, તો એને પ્રસાદ માનીને સહુને વહેંચવો જોઈએ. બુદ્ધ પુરુષ સાથે પાસેથી તમને જે કાંઈ મળ્યું હોય એનાથી અન્યને જાગૃત કરો.
શ્રી હનુમાનજીના સંદર્ભમાં બાપુએ કહ્યું કે વિદ્યાવાન પાસે વાણીનો વિવેક હોય છે. શ્રી હનુમાનજીએ રાવણને દુષ્ટ કે મૂર્ખ નથી કહ્યો, પણ “પ્રભુ” કહ્યો છે! “સ્વામી” કહ્યો છે! આ શ્રી હનુમાનજીની શાલીનતા છે. બીજા સામે બે પ્રકારે હાથ જોડાઈ જાય છે – એક ભયથી અને બીજું ભાવથી. હનુમાનજીએ રાવણ સામે ભયથી નહીં પરંતુ ભાવથી હાથ જોડ્યા છે. સેવક માટે સચરાચરમાં રામ છે એટલે રાવણમાં પણ રામને નીરખીને એ એને “પ્રભુ “કહે છે.
સામાન્ય રીતે બાપુ કથામાં પોતાની વાત કરતા હોતા નથી પરંતુ આજે બાપુએ જણાવ્યું કે –
“એક વાત પાક્કી છે કે હું કદી સૂઈશ નહીં! પ્રભુ મને જાગતો રાખશે.”
શંકરાચાર્ય ભગવાન કહે છે કે જેણે પોતાની અહંતા અને મમતા મિટાવી દીધી, વિષય સુખથી જે પુરુષનું મન વિમુખ થઈ ગયું અને જે આત્મનિષ્ઠ બની ગયો છે, એ સૂતો હોવા છતાં જાગતો છે. ગીતામાં કહ્યું છે કે જેના મનમાંથી બધા જ સંશયો મટી ગયા છે, તે વ્યક્તિ જાગેલો છે. અહીં આધ્યાત્મિક જાગૃતિની વાત છે. જ્યારે તમામ વિષયોમાં વૈરાગ્ય પ્રકટે, ત્યારે વ્યક્તિ જાગેલો ગણાય. વિષય બહિર્ હોય છે, વાસના ભીતર છે. સુંદર ચિત્ર કે કોઈની સુંદરતા જોવી એ ઈન્દ્રીયનો વિષય છે. એ બાહ્ય ઘટના છે પણ વાસના અંદર જાગે છે. વિષયને જુએ, છતાં જેનાં મનમાં વાસના ન જાગે એ જાગેલો છે.
બાપુએ જણાવ્યું કે શ્રદ્ધાની માંગમાં વિશ્વાસ સિંદૂર ભરે છે, પછી શ્રદ્ધા અને વિશ્વાસનાં દાંપત્યથી જે તત્વ પ્રગટે છે, એનું નામ “ભરોસો” છે અને ભરોસો પ્રકટ્યા પછી કોઈ ફરિયાદ રહેતી નથી.
મહાભારતના પ્રસંગને સ્પર્શ કરતા પૂજ્ય બાપુએ જણાવ્યું કે જ્યારે જ્યારે કોઈ સમસ્યા આવે છે ત્યારે ભગવાન વેદ વ્યાસ પ્રગટ થાય છે. વ્યાસજી આપણા ચોવીસ અવતારો પૈકીના એક છે. આપણાં જીવનમાં પણ જ્યારે કોઈ આપત્તિ આવે છે- વિપરીત પરિસ્થિતિ આવે છે, ત્યારે કોઈને કોઈ રૂપે પરમાત્મા આપણને બચાવવા આવી પહોંચે છે.
કથાના ક્રમમાં આગળ વધતા, પૂજ્ય બાપુએ સીતારામજીની વંદના કરતા કહ્યું કે તત્વતઃ સીતા અને રામ એક જ છે. એ પછી તુલસીદાસજીએ જગતની સૌથી બહેતર એવી બોંતેર પંક્તિઓમાં રામ નામની વંદના કરી છે. રામ નામ મહામંત્ર છે, ગૌપ્ય મંત્ર છે, બીજ મંત્ર છે. રામ ૐકારનો પર્યાય છે, ભગવાન શંકરનો મહામંત્ર રામ છે. નામ મહિમાનું ગાન કરતા બાપુએ કહ્યું કે ભગવાન રામે જે કાર્ય ત્રેતા યુગમાં કર્યું, એ કળિયુગમાં રામ નામથી થાય છે. સતયુગમાં ધ્યાનથી, ત્રેતા યુગમાં યજ્ઞથી અને દ્વાપરમાં પૂજા – અર્ચાથી પરમાત્માની પ્રાપ્તિ થતી હતી. કળિયુગમાં ધ્યાન, યજ્ઞ કે પૂજા અર્ચના થઈ ન શકે, તો કેવળ રામ નામ જ એક માત્ર આધાર છે.
બાપુએ જણાવ્યું કે શ્રદ્ધાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, વિશ્વાસથી ભક્તિની પ્રાપ્તિ થાય છે અને ભરોસાથી ભગવાન મળે છે.
નામ મહારાજના મહિમા ગાન સાથે પૂજ્ય બાપુએ આજની કથામાં પોતાની વાણીને વિરામ આપ્યો.

 

Related posts

Morari Bapu hails Sunita Williams, expresses hope she will visit Gujarat soon

Reporter1

Indian spiritual leader Morari Bapu dedicates Ram Katha at the United Nations to the organisation for world peace

Reporter1

RBI Monetary Policy by Upasna Bhardwaj, Chief Economist, Kotak Mahindra Bank and Anu Aggarwal, Head – Corporate Banking, Kotak Mahindra Bank   

Reporter1
Translate »