Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

પાટણ કોંગ્રેસમાં ભડકોઃ MLA કિરીટ પટેલ સામે મહિલા નેતાના ગંભીર આક્ષેપો

  • આંતરિક વિખવાદ ચરમસીમાએ
  • નવી બોડીની નિમણૂક અને મીટિંગમાં હાજર રહેવા બાબતે ધારાસભ્યએ સહકાર આપવાનો ઈનકાર કર્યો : મહિલા ચેરમેન

(સંપૂર્ણ સમાચાર સેવા)
પાટણ, તા.૨૪ જાન્યુઆરી ૨૦૨૬: ગુજરાત કોંગ્રેસમાં જૂથબંધી અને આંતરિક વિખવાદની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, પરંતુ આ વખતે પાટણ કોંગ્રેસમાં ભડકો થયો છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સામે અનુસૂચિત જાતિ વિભાગના નવનિયુક્ત મહિલા ચેરમેને મોરચો માંડતા રાજકારણ ગરમાયું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ પક્ષની આંતરિક શિસ્તના ધજાગરા ઉડાડ્યા છે.

પાટણ અનુસૂચિત જાતિ (SC) વિભાગના નવનિયુક્ત મહિલા ચેરમેન જયાબેન શાહે એક વીડિયો વાયરલ કરીને ધારાસભ્ય કિરીટ પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. જયાબેનનો દાવો છે કે, નવી બોડીની નિમણૂક અને સંગઠનની મીટિંગમાં હાજર રહેવા બાબતે જ્યારે તેમણે ધારાસભ્યનો સંપર્ક કર્યો, ત્યારે કિરીટ પટેલે સહકાર આપવાનો સાફ ઈનકાર કરી દીધો હતો.

જયાબેન શાહે વીડિયોમાં વિસ્ફોટક ખુલાસો કરતા જણાવ્યું કે, ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસના હાઈકમાન્ડ અને ટોચના નેતાઓ વિશે અપમાનજનક શબ્દો વાપર્યા છે. આક્ષેપ મુજબ, કિરીટ પટેલે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને ફૂટેલી તોપ ગણાવ્યા છે. એટલું જ નહીં, તેમણે કોંગ્રેસના અગ્રણી નેતા હિતેન્દ્ર પીઠડીયા વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ વિવાદ માત્ર શાબ્દિક આક્ષેપો સુધી મર્યાદિત રહ્યો નથી. જયાબેન શાહે આરોપ લગાવ્યો છે કે કિરીટ પટેલે નેતા હિતેન્દ્ર પીઠડીયાને માર મારવાની ધમકી આપી છે. આગામી ૭મી તારીખે જ્યારે હિતેન્દ્ર પીઠડીયા પાટણ આવવાના છે, ત્યારે તેમની સુરક્ષાને લઈને જોખમ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જયાબેને વહીવટી તંત્રને અત્યારથી જ ચેતવણી આપી છે કે જો પીઠડીયા પર કોઈ પણ પ્રકારનો હુમલો થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને ધારાસભ્ય કિરીટ પટેલની રહેશે.
એક તરફ કોંગ્રેસ પક્ષ સંગઠન મજબૂત કરવાના દાવા કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ પાટણના ધારાસભ્ય અને મહિલા પાંખના હોદ્દેદારો વચ્ચેનો આ વિખવાદ હાઈકમાન્ડ માટે માથાનો દુખાવો બની શકે છે. ખાસ કરીને દલિત સમાજના નેતાઓ અને સ્થાનિક ધારાસભ્ય વચ્ચેના આ ઘર્ષણથી વિરોધ પક્ષને પણ પ્રહાર કરવાની તક મળી ગઈ છે.

Related posts

ત્રીજા ત્રિમાસિકનાં પરિણામ બર્જર પેઈન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ

Master Admin

ACKO Drive Service Centers અમદાવાદના ઉદ્યોગસાહસિકો માટે નફાકારક ઓટો સર્વિસ બિઝનેસ મોડેલ લઈને આવ્યું

Master Admin

ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહે ગળે ફાંસો ખાધો

Master Admin

Leave a Comment

Translate »