Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmiknational

ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકા પહોંચ્યા

ગુજરાતના પ્રખ્યાત બૌદ્ધ સ્થળ દેવનીમોરી ખાતેથી મળ્યા હતા

શ્રીલંકાના ૭૮મા સ્વતંત્રતા દિવસના પાવન અવસરે આ અવશેષોનું આગમન થતા વાતાવરણ ભક્તિમય બન્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલંબો, તા.૫ ફેબ્રુઆરી ૨૦૨૬: ભારત અને શ્રીલંકા વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોમાં આજે એક નવું સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ગુજરાતના પ્રખ્યાત બૌદ્ધ સ્થળ દેવનીમોરી ખાતેથી મળી આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને શ્રીલંકા લાવવામાં આવ્યા છે. શ્રીલંકાના ૭૮મા સ્વતંત્રતા દિવસના પાવન અવસરે આ અવશેષોનું આગમન થતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે.

ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા આ પવિત્ર અવશેષો કોલંબો પહોંચ્યા હતા. નિર્ધારિત પ્રોટોકોલ મુજબ, શ્રીલંકા સરકાર દ્વારા અવશેષોને પૂર્ણ રાજ્ય સન્માન સાથે આવકારવામાં આવ્યા હતા. આ યાત્રામાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી અને ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળ પણ સામેલ રહ્યું હતું. ૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ કોલંબોના પ્રખ્યાત ગંગારામાયા મંદિરમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ પવિત્ર અવશેષોના પ્રદર્શનનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગંગારામાયા મંદિરના મુખ્ય મઠાધિપતિ ડૉ. કિરીંડે અસાજી થેરો અને શ્રીલંકા કેબિનેટના વરિષ્ઠ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શનના ભાગરૂપે ગંગારામાયા મંદિર ખાતે “પિપ્રાહવાના પવિત્ર અવશેષોની શોધ” અને “પવિત્ર અવશેષો અને સમકાલીન ભારતની સાંસ્કૃતિક ભાગીદારી” નામના બે પ્રદર્શનોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, દેવનીમોરી અવશેષોના ઇતિહાસમાં આ પ્રથમ પ્રસંગ છે જ્યારે તેમને જાહેર પૂજા માટે ભારતની બહાર લાવવામાં આવ્યા હોય. અગાઉ ભારતે ૨૦૧૨માં કપિલવસ્તુ અને ૨૦૧૮માં સારનાથના અવશેષો શ્રીલંકા મોકલ્યા હતા. પ્રદર્શનના ભાગરૂપે મંદિરમાં બે વિશેષ એક્ઝિબિશન પણ યોજાયા છે.

પરંપરાગત બૌદ્ધ વિધિઓ અને મંત્રોચ્ચાર સાથે સ્થાપિત કરાયેલા આ અવશેષો આજે, ૫ ફેબ્રુઆરીથી સામાન્ય જનતા અને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. શ્રીલંકા અને વિશ્વભરમાંથી આવતા બૌદ્ધ અનુયાયીઓ ભગવાન બુદ્ધના આ પવિત્ર અંશના દર્શન કરી ધન્યતા અનુભવી શકશે.

આ આયોજન માત્ર ધાર્મિક જ નહીં પરંતુ રાજદ્વારી દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વનું છે. ભગવાન બુદ્ધના કરુણા અને અહિંસાના ઉપદેશો ભારત અને શ્રીલંકા વચ્ચેના નેબરહુડ ફર્સ્ટ સંબંધોને વધુ ગાઢ બનાવશે.

Related posts

ડોકલામ અને ચીનની ઘૂસણખોરીનો મુદ્દો રાહુલ ગાંધીએ ઉઠાવતા સંસદમાં હોબાળો

Master Admin

બદ્રીનાથ ધામના દરવાજા ૨૩ એપ્રિલે ખોલવાનો નિર્ણય લેવાયો

Master Admin

પંજાબમાં ભાજપ અને આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો

Master Admin

Leave a Comment

Translate »