Nirmal Metro Gujarati News
national

ભારત-USની ટ્રેડ ડીલમાં રોકાણ માટે કોઈ પ્રતિબદ્ધતા નથીઃ પીયૂષ ગોયલ

ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ પર માર્ચના મધ્યમાં હસ્તાક્ષર થશેઃ વાણિજ્ય મંત્રી

ફેબ્રુઆરી ૨૦૨૫ માં નિર્ધારિત ૫૦૦ અબજ ડોલરના દ્વિપક્ષીય વેપાર લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે બંને દેશો વચ્ચે વધુ નિકાસ અને સોર્સિંગની જરૂર પડશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૬ ફેબ્રુઆરી ૨૦૨૬: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ કરવા અંગે સમજૂતિ થઈ હોવાની જાહેરાત બાદ બંને દેશો હવે માર્ચ મહિનાના મધ્યમાં પ્રથમ તબક્કાના દ્વિપક્ષીય વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે.આ કરારને પગલે અમેરિકા ભારતીય વસ્તુઓ પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરશે, તેમ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું. આ કરાર બાદ ભારત પણ અમેરિકાથી આયાત થતી કેટલીક વસ્તુઓ પર ટેક્સ ઘટાડવાની શરૂઆત કરશે. ગોયલે વધુમાં જણાવ્યું હતું કે, આ સમજૂતીમાં રોકાણ અંગે કોઈ પ્રતિબદ્ધતા નથી. ગોયલે જણાવ્યું કે બંને દેશો આગામી ૪-૫ દિવસમાં આ સમજૂતીના પ્રથમ તબક્કામાં એક સંયુક્ત નિવેદનને અંતિમ સ્વરૂપ આપી તેના પર હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા છે. ત્યારબાદ અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલો ટેરિફ ઘટીને ૧૮ ટકા થઈ જશે. આ અઠવાડિયાની શરૂઆતમાં બંને દેશોએ સમજૂતીને આખરી ઓપ આપ્યો હતો, જે અંતર્ગત અમેરિકામાં નિકાસ કરાતા ભારતીય સામાન પરનો ટેક્સ ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવશે. હાલમાં ભારતીય માલ પર ૫૦ ટકા આયાત ડ્યૂટી લાગે છે, જેમાં ૨૫ ટકા રેસીપ્રોકલ ટેરિફ અને રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી બદલ વધારાનો ૨૫ ટકા ટેરિફ સામેલ છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દ્વિપક્ષીય વેપાર સમજૂતીનો પ્રથમ તબક્કો લગભગ તૈયાર છે અને આગામી થોડા દિવસોમાં સંયુક્ત નિવેદન બાદ આ ભાગીદારીનો પ્રથમ તબક્કો શરૂ થશે. ઔપચારિક કરારનો મુસદ્દો તૈયાર કરવામાં લગભગ એકાદ મહિનો લાગશે અને માર્ચના મધ્ય સુધીમાં તેના પર હસ્તાક્ષર કરાય તેવી શક્યતા છે. ભારતીય સામાન પરના ઘટાડેલા દરો અમેરિકાના એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા અમલમાં આવશે. ૫૦૦ અબજ ડોલરની ખરીદી અંગે ગોયલે કહ્યું કે ભારતની ઝડપી પ્રગતિને જોતા દેશને મોટા પ્રમાણમાં ઉર્જા, ડેટા સેન્ટરના સાધનો અને આઈસીટી ઉત્પાદનોની જરૂર પડશે. આગામી વર્ષોમાં ભારતની સ્ટીલ ક્ષમતા પણ બમણી થઈને ૩૦૦ મિલિયન ટન થવા જઈ રહી છે, તેથી અમેરિકા પાસેથી આગામી પાંચ વર્ષમાં ૫૦૦ અબજ ડોલરની ખરીદીની સ્પષ્ટ ક્ષમતા છે. માત્ર વિમાનોની માંગ અને બોઈંગને અપાયેલા ઓર્ડર જ લગભગ ૭૦-૮૦ અબજ ડોલરના છે, જેમાં એન્જિન અને સ્પેરપાટ્‌ર્સ ઉમેરતા તે ૧૦૦ અબજ ડોલર સુધી પહોંચી શકે છે. ફેબ્રુઆરી ૨૦૨૫ માં નિર્ધારિત ૫૦૦ અબજ ડોલરના દ્વિપક્ષીય વેપાર લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે બંને દેશો વચ્ચે વધુ નિકાસ અને સોર્સિંગની જરૂર પડશે.

Related posts

બીડી, સિગારેટ, ગુટખા, તમાકુ સહિતના તમામ પદાર્થો પર ઓડિશામાં પ્રતિબંધ

Master Admin

ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકા પહોંચ્યા

Master Admin

શહીદ આર્મી જવાનની અંતિમ વિદાયના હૃદયદ્રાવક દ્રશ્યો

Master Admin

Leave a Comment

Translate »