Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujaratnational

હર્ષ સંઘવી અને જિગ્નેશ મેવાણી ફરી એકવાર આમને-સામને આવ્યા

ધારાસભ્યોએ ગલીના ઝગડાની જેમ દેકારો મચાવ્યો!

કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સ્ટેટ મોનિટરીંગ સેલની બેઠક અંગે સવાલ ઉઠાવતા હોબાળો થયો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬: હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે બીજા દિવસે ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે તડાફડી જામી હતી. બંને વચ્ચેના શાબ્દિક યુદ્ધથી ગૃહમાં જોવાજેવો માહોલ સર્જાયો હતો. જિગ્નેશ મેવાણીએ સ્ટેટ મોનિટરીંગ સેલની બેઠકને લઈને સવાલો ઉઠાવ્યા હતા. મેવાણીએ એક પછી એક આક્ષેપ કરતાં ગૃહમાં શાસકપક્ષ અને વિપક્ષના ધારાસભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સ્ટેટ મોનિટરિંગ સેલની બેઠકને લઈને સવાલો કર્યા હતા. તેઓએ સરકાર સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે, મુખ્યમંત્રીને પતંગ ચગાવવાનો સમય મળે છે, દોરીની ખેંચ પણ સારી જાણ છે. પરંતું કમનસીબે દલિત-આદિવાસીઓ માટે તેઓ સમય નથી કાઢતા. દલિત-આદિવાસીઓને થતાં અત્યાચારને લઈને સ્ટેટ મોનિટરીંગ સેલની બેઠક મળતી જ નથી. ત્યારે જિગ્નેશ મેવાણીના સવાલનો જવાબ આપતા મંત્રી મનીષા વકીલે ગૃહમાં સ્ટેટ મોનિટરીંગ સેલની બેઠકનો અહેવાલ આપ્યો હતો. સાથે જ તેઓએ એમ પણ કહ્યું કે, જિગ્નેશ મેવાણી બેઠકમાં હાજર રહેતા નથી.

મામલો ગરમાતા અધ્યક્ષ શંકર ચૌધરીએ મેવાણીનું નામ લઈને બેસી જવા આદેશ કર્યા હતા. આ બાદ પણ જિગ્નેશ મેવાણીએ બંધ માઈક પર હાથ લાંબા કરીને બોલવાનુ ચાલુ રાખ્યું હતું. આમ, જિગ્નેશ મેવાણીએ એક પછી એક આક્ષેપ કરતાં ગૃહમાં શાસકપક્ષ અને વિપક્ષના ધારાસભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

આ બાદ પણ મામલો અટક્યો ન હતો. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મેવાણી માટે કહ્યું કે, કોઈ સડકછાપ રોમિયો કરે તેવુ ગૃહમાં કર્યું છે. આ મામલે તેઓએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા કહ્યું કે, અધ્યક્ષે આદેશ કર્યો છતાં મેવાણીએ પાલન કર્યુ નથી. જે સંસદીય મર્યાદાની વિરુદ્ધમાં છે. હવે પછી ગૃહમાં આવું ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
તો બીજી તરફ, જીતુ વાઘાણીએ મેવાણીના સડકછાપ વર્તનનો ઉલ્લેખ કરતાં ધારાસભ્ય શૈલેષ પરમારે વાંઘો ઉઠાવ્યો હતો. આ બાદ શબ્દો રેકર્ડ પરથી દૂર કરાયા હતાં.

Related posts

દુબઈમાં હમણાં જ અજમાવવા જેવા છ અનોખા કેફે અને કોફી સ્પોટ્સ

Master Admin

ગુજરાતમાં ૨૭ ટકા OBC અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે

Master Admin

સૂરોની મલ્લિકા અને દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું ૯૨ વર્ષની વયે નિધન

Master Admin

Leave a Comment

Translate »