Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

એક મહિનો શાંતિ બાદ અમેરિકા-ઈરાનમાં ફરી ભડક્યું યુદ્ધ!

એરસ્ટ્રાઈક બાદ મિસાઈલ-ડ્રોનથી ઈરાનનો પલટવાર

નવેમ્બરમાં યોજાનારી મિડટર્મ ચૂંટણીઓ પહેલા ડેમોક્રેટિક સીનેટરો દ્વારા સરકારની ઈરાન નીતિ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિગ્ટન, તા.૩૧ ઓગસ્ટ ૨૦૨૬ — અમેરિકા અને ઈરાન વચ્ચે લગભગ એક મહિના સુધી શાંતિ રહ્યા બાદ ફરી એકવાર સૈન્ય તણાવ ગંભીર બન્યો છે. અમેરિકન સેનાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં આવેલા ઈરાનના લારક ટાપુ પર એરસ્ટ્રાઈક કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ હુમલા બાદ ઈરાને પણ જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય મથકોને મિસાઈલ અને ડ્રોનથી નિશાન બનાવ્યા હોવાની માહિતી સામે આવી છે. બંને દેશો વચ્ચેના આ હુમલા-પલટવારથી મધ્યપૂર્વમાં ફરી યુદ્ધનું જોખમ વધી ગયું છે.અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ અનુસાર, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજોની સુરક્ષા જાળવવા માટે લારક ટાપુ પર આ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી હતી. અમેરિકન અધિકારીઓએ દાવો કર્યો કે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ ના જવાનો એવા રોકેટ તૈયાર કરી રહ્યા હતા, જે દરિયામાં માઈન્સ એટલે કે બારૂદી સુરંગો નાખવા માટે ઉપયોગમાં લઈ શકાય. અમેરિકન હુમલામાં જાનહાનિ અને ઈજાઓ થઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.અમેરિકન હુમલા બાદ થોડા જ કલાકોમાં ઈરાને વળતો હુમલો કર્યો હોવાના અહેવાલ છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાડ્‌ર્સે જોર્ડનમાં આવેલા અમેરિકા સંચાલિત કિંગ હુસૈન એરબેઝ અને અલ-અઝરક એરબેઝને મિસાઈલ અને ડ્રોન વડે નિશાન બનાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, હુમલામાં અમેરિકન ટેકનિકલ ઈન્ળાસ્ટ્રક્ચર અને યુદ્ધ વિમાનો સાથે જોડાયેલા વિસ્તારોને નુકસાન થયું છે. જોકે, અમેરિકાએ કહ્યું છે કે તેની એર ડિફેન્સ સિસ્ટમ્સે મોટાભાગની મિસાઈલો હવામાં જ અટકાવી દીધી હતી.સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંનું એક છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં આ વિસ્તાર ફરી મુખ્ય કેન્દ્ર બની રહ્યો છે. અમેરિકાનો ૨૯ જુલાઈ બાદ ઈરાન પર આ પહેલો સીધો સૈન્ય હુમલો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હોર્મુઝમાં કોઈપણ પ્રકારનો મોટો સૈન્ય સંઘર્ષ વૈશ્વિક વેપાર અને ઊર્જા પુરવઠા માટે ગંભીર અસર ઊભી કરી શકે છે. આ કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.ઈરાન સાથેનો વધતો સંઘર્ષ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ રાજકીય પડકાર બની રહ્યો છે. નવેમ્બરમાં યોજાનારી મિડટર્મ ચૂંટણીઓ પહેલા ડેમોક્રેટિક સીનેટરો દ્વારા સરકારની ઈરાન નીતિ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. તેમનું કહેવું છે કે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષ છતાં યુદ્ધનો સ્પષ્ટ અંતિમ ઉદ્દેશ હાંસલ થયો નથી. હવે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી હુમલા શરૂ થતાં મધ્યપૂર્વમાં આગામી દિવસોમાં તણાવ વધુ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related posts

ઈરાન પાસે શરણે થવા સિવાય કોઈ વિકલ્પ નથી : પ્રમુખ ટ્રમ્પની ધમકી

Master Admin

પેરિસમાં ફૂટબોલ ચાહકોએ હિંસા આચરી ૨૬૪ કાર ખાક, ૭૮૦ લોકોની ધરપકડ

Master Admin

ઈરાન પરથી હટ્યા પ્રતિબંધો, હવે દુનિયાને બેધડક વેચશે ઓઈલ

Master Admin

Leave a Comment

Translate »