Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of GujaratGujarat

૧૫ દિવસમાં જ તમારી કોઈ પણ અરજીનો લાવવો પડશે નિકાલ

ગુજરાત પોલીસનો પ્રજાલક્ષી નિર્ણય

અરજદારોને ન્યાય મેળવવા માટે છેક ગાંધીનગર ડીજીપી કચેરી કે સચિવાલય સુધી આવવું ન પડે તેવી મજબૂત વ્યવસ્થા ઊભી કરાશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧૧ જૂન ૨૦૨૬ — રાજ્યના નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો સ્થાનિક કક્ષાએ જ સત્વરે અને સમયસર નિકાલ થાય તે માટે રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક દ્વારા એક મહત્વપૂર્ણ કચેરી હુકમ જારી કરવામાં આવ્યો છે. આ હુકમનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસની કામગીરીને વધુ પ્રજાલક્ષી બનાવવાનો અને અરજદારોને પોતાના નાના-મોટા પ્રશ્નો કે ન્યાય મેળવવા માટે છેક ગાંધીનગર, ડીજીપી કચેરી કે સચિવાલય સુધી આવવું ન પડે તેવી મજબૂત વ્યવસ્થા ઊભી કરવાનો છે. આ કચેરી હુકમ અન્વયે હવેથી રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓથી લઈને પોલીસ સ્ટેશનના થાણા અમલદારો માટે સ્થાનિક સ્તરે જ પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે ફરજિયાત દરરોજ બે કલાક ફાળવવાનો કડક આદેશ કરવામાં આવ્યો છે.

આ નવીન વ્યવસ્થા અંતર્ગત, ઉચ્ચ પોલીસ અધિકારીઓ જેવા કે તમામ પોલીસ કમિશનર, સંયુક્ત, અધિક, નાયબ કે મદદનીશ પોલીસ કમિશનરશ્રીઓ, રેન્જ વડાઓ તેમજ પોલીસ અધિક્ષકોએ દરરોજ સવારે ૧૨ઃ૦૦ થી ૧૪ઃ૦૦ કલાક (બે કલાક) દરમિયાન ફરજિયાત પોતાની કચેરીમાં હાજર રહી મુલાકાતીઓને સાંભળવાના રહેશે અને તેમની લેખિત અરજી પર જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. જો કોઈ અનિવાર્ય સંજોગોમાં મુખ્ય અધિકારી હાજર ન રહી શકે, તો કચેરીના સિનિયર અધિકારી અથવા રીડર દ્વારા અરજદારોની રજૂઆતો સાંભળીને અરજી મેળવવાની રહેશે અને તેને અધિકારીના ધ્યાન પર અગ્રતાના ધોરણે મૂકવાની રહેશે જેથી અરજદારને કચેરીએથી પરત ન ફરવું પડે.

સ્થાનિક સ્તરે પ્રજા સાથે સીધા જોડાયેલા પોલીસ ઇન્સ્પેક્ટરો સામાન્ય રીતે સવારના સમયે કોર્ટની મુદત, તપાસ કે સોગંદનામાની કામગીરીમાં વ્યસ્ત રહેતા હોવાથી, તેઓના માટે પણ મુલાકાતનો ચોક્કસ સમય નક્કી કરાયો છે. તમામ થાણા અમલદારોએ દરરોજ સાંજે ૪ઃ૦૦ થી ૬ઃ૦૦ (બે કલાક) સમયગાળામાં પોતાના પોલીસ સ્ટેશનમાં અચૂક હાજર રહીને મુલાકાતીઓને રૂબરૂ મળવાનું રહેશે. તેઓએ સ્થાનિક નાગરિકોની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળી, લેખિત અરજી સ્વીકારીને તેના પર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની રહેશે, જેથી કોઈપણ સામાન્ય નાગરિકને પોતાના પ્રશ્નના ઉકેલ માટે ઉપરની કચેરીઓ સુધી જવાની જરૂર જ ન પડે. અરજીઓના નિકાલ માટે કડક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જે અંતર્ગત આર્થિક ગુનાઓ, વૈવાહિક કે પારિવારિક વિવાદો, તબીબી બેદરકારીના વિવાદો તેમજ ભ્રષ્ટાચારને લગતા આક્ષેપો ધરાવતી અરજીઓનો નિકાલ ૬ અઠવાડિયામાં અચૂક થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે, જ્યારે આ સિવાયની અન્ય તમામ પ્રકારની સામાન્ય અરજીઓનો નિકાલ વધુમાં વધુ ૧૫ દિવસમાં કરવાનો રહેશે.

વહીવટી પારદર્શિતા માટે રજૂઆત કરવા આવતા દરેક અરજદારોની વિગતો રાખવા માટે દરેક કચેરીમાં નિયત રજિસ્ટર રાખવાની પણ સૂચના અપાઈ છે. અરજીની પ્રાથમિક તપાસ દરમિયાન જો કોઈ પણ સંજ્ઞેય ગુનો બન્યો હોવાનું માલૂમ પડે, તો તે અંગે તાત્કાલિક અસરથી હ્લૈંઇ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાના આદેશ અપાયા છે. શ્રી જી.એસ. મલિકે દરેક અરજીની તપાસ સંપૂર્ણ તટસ્થ અને ન્યાયિક રીતે થાય તે બાબત પર ખાસ ભાર મૂકીને તમામ પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું અચૂકપણે પાલન કરવા કડક આદેશ કર્યો છે.

Related posts

અમદાવાદમાં ભવ્ય સફળતા સાથે સંપન્ન થયો ‘સમાજ ગૌરવ એવોર્ડ 2026’; સોનુ સૂદની ગૌરવમય ઉપસ્થિતિમાં 43 ચેન્જમેકર્સનું સન્માન

Master Admin

ભરવાડ યુવા સંગઠનનો અનોખો પ્રયાસ : અમદાવાદમાં ૫૫ JCBનું વિતરણ, નવનિયુક્ત અધિકારીઓનું સન્માન

Master Admin

ચૂંટણી નજીક આવે છે ત્યારે ભાજપને UCC યાદ આવે છે

Master Admin

Leave a Comment

Translate »