Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

આનંદનગરના આંગણવાડીમાં તેડાગર દ્વારા સરકારી પોષણ આહારની ચોરીનો પ્રયાસ

મહિલા અને બાળ વિકાસ વિભાગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

તેડાગરે આહાર માટેના મટિરિયલની ૩૭ બેગ ટેમ્પોમાં ભરી વેચવા મોકલી, અજાણ્યા વ્યક્તિએ વીડિયો ઉતારતા ભાંડો ફૂટ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૪ જુલાઈ ૨૦૨૬ — આનંદનગરમાં આવેલી કૃષ્ણધામ આંગણવાડીમાંથી સરકાર દ્વારા બાળકો તેમજ ગર્ભવતી અને નાના બાળકો અને મહિલાઓને આપવામાં આવતી પોષણક્ષમ ખાદ્ય સામગ્રીની ચોરી કરવાનો પ્રયાસ બહાર આવ્યો છે. આંગણવાડીમાં ફરજ બજાવતી તેડાગરે અંદાજે ૨૪,૫૬૫ની કિંમતનો સરકારી પોષણ આહાર ટેમ્પોમાં ભરી વેચવા મોકલ્યો હતો. જોકે, કોઇ જાગૃત વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લેતા ભાંડો ફૂટી ગયો હતો અને ટેમ્પો ચાલકે તમામ માલ પરત ઉતારી દીધો હતો. સમગ્ર મામલે મહિલા અને બાળ વિકાસ વિભાગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, મહિલા અને બાળ વિકાસ વિભાગમાં મુખ્ય સેવિકા તરીકે ફરજ બજાવતા તથા ગોતા સ્થિત વંદે માતરમ વિસ્તારમાં રહેતા રચનાબેન વસંતભાઈ પટેલના સુપરવિઝન હેઠળ સરખેજ વિસ્તાર આવે છે. આંગણવાડીમાંથી સરકારી પોષણ આહારની ગેરરીતિ થતી હોવાની માહિતી મળતા તેઓ બ્લોક કો-ઓર્ડિનેટર અને પ્રોગ્રામ ઓફિસર સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ચકાસણી દરમિયાન સરકારી ખાદ્ય સામગ્રીની ઉચાપતનો પ્રયાસ થયાનું સામે આવતા તેમણે આનંદનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ૧૯ જુલાઈના રોજ કૃષ્ણધામ આંગણવાડી નં. ૬માં તેડાગર તરીકે ફરજ બજાવતી મનિષાબેન ચમનભાઈ મિસ્ત્રી (રહે. વિશ્વકર્મા નગર, વેજલપુર) આંગણવાડી કેન્દ્ર પર પહોંચી હતી. આરોપીએ કૃષ્ણધામ-૬ અને કૃષ્ણધામ-૧ કેન્દ્રમાંથી બાળશક્તિની ૧૬ બેગ, માતૃશક્તિની ૬ બેગ અને પૂર્ણાશક્તિની ૧૫ બેગ મળી કુલ ૩૭ બેગ એક અજાણ્યા ટેમ્પોમાં ભરી વેચાણ માટે મોકલી હતી.જોકે, સ્થળ પર હાજર એક અજાણ્યા વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઇલમાં રેકોર્ડ કરી લીધો હતો. વીડિયો ઉતારાતો જોઈ ટેમ્પો ચાલક ગભરાઈ ગયો હતો અને થોડા સમય બાદ તમામ બેગ પરત આંગણવાડી ખાતે ઉતારી દીધી હતી. ઘટનાની જાણ થતાં મહિલા અને બાળ વિકાસ વિભાગે આંતરિક તપાસ શરૂ કરી હતી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આનંદનગર પોલીસે સરકારી માલની ચોરીના પ્રયાસ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સુરતમાં પ્રસાદના લાડુમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ

Master Admin

વન મેન કોન્સર્ટમાં સ્ટેજ પરથી ઓડિયન્સને મલ્ટિ લેયર્ડ મ્યુઝિકનો અનુભવ અપાયો

Master Admin

બનાવટી ચલણી નોટોના કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો

Master Admin

Leave a Comment

Translate »